સાવકા પિતાએ દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, કાકાએ ભત્રીજીને બનાવી વાસનાનો શિકાર
નાલાસોપારામાં બળાત્કારની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઇ

વસઇ: નાલાસોપારામાં બળાત્કારની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી, જેમાં સાવકા પિતાએ પંદર વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે કાકાએ 17 વર્ષની ભત્રીજીને ધમકાવીને તેને વાસનાનો શિકાર બનાવી હતી. આ પ્રકરણે પેલ્હાર અને તુલિંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને બંને આરોપીની ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો: 13 વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કરનારા પડોશીની ધરપકડ
નાલાસોપારામાં તુલિંજ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ઘટનામાં 40 વર્ષના સાવકા પિતાએ પંદર વર્ષની દીકરીનું ત્રણ મહિના સુધી જાતીય શોષણ કર્યું હતું. 4 જૂનથી 25 ઑગસ્ટ દરમિયાન તેણે આ કૃત્ય કર્યું હતું. ઘરમાં પરિવારજનો હાજર ન હોય ત્યારે તે પીડિતાને ધમકાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. ઘટનાની જાણ કોઇને કરતાં પીડિતાને અને તેની નાની બહેનને મારી નાખવાની આરોપી ધમકી તે આપતો હતો. સાવકા પિતાનો અત્યાચાર સહન ન થતાં પીડિતાએ મંગળવારે હિંમત કરી માતાને તમામ હકીકત જણાવી હતી. આથી માતાએ તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી હતી, જેને આધારે પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત કેટલું સલામત! દર વર્ષે બે હજારથી વધુ મહિલાઓ દુષ્કર્મનો ભોગ બને છે
દરમિયાન નાલાસોપારાના પેલ્હાર પોલીસ સ્ટેશનની હદમાં બળાત્કારની બીજી ઘટના બની હતી. 17 વર્ષની કિશોરી મંગળવારે ઘરે એકલી હતી ત્યારે તેના કાકા ઘરે આવ્યા હતા. દહિસરમાં રહેતા કાકાએ કિશોરીને ઘરમાં એકલી ભાળી તેને ધમકાવી હતી અને બાદમાં તેના પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. સાંજે માતા ઘરે આવ્યા બાદ કિશોરીએ તેને કાકાના કૃત્ય વિશે જણાવ્યું હતું. આથી માતાએ પેલ્હાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને કાકાની ધરપકડ કરી હતી.