આપણું ગુજરાત

આવતીકાલે બપોર પછી અંબાજી મંદિર રહેશે બંધ..

પ્રક્ષાલન વિધિમાં 7 નદીઓના જળથી મંદિર શુદ્ધ કરાશે

રજાઓના માહોલમાં જો અંબાજી દર્શન કરવા જવાનું તમે વિચારી રહ્યા હોવ તો કદાચ આવતીકાલે તમને ધક્કો પડી શકે છે. તેનું કારણ એ છે કે આવતીકાલે મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. હાલમાં જ ભાદરવી પૂનમનો મેળો સમાપ્ત થયો છે અને આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કર્યા છે ત્યારે મેળા બાદ મંદિરને શુદ્ધ કરવા સમગ્ર પરિસરની સાફ સફાઈ કરવામાં આવે છે. આ વિધિને પ્રક્ષાલન વિધિ કહેવાય છે.

આ વિધિમાં મંદિર પરિસરની સાથે સાથે ગર્ભગૃહમાં શ્રીયંત્ર, માતાજીના વિવિધ શણગારના અલંકારો, સવારી અને પૂજનની તમામ સામગ્રીની પણ સફાઈ હાથ ધરવામાં આવે છે. પહેલા મંદિરમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે, ત્યારબાદ બપોરે 1:30 વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી સફાઇપ્રક્રિયા હાથ ધરાશે. પ્રક્ષાલન વિધિ પત્યા બાદ નૈવેદ્ય ચઢાવી ફરી મંદિર શરૂ કરવામાં આવશે. આ પછી સાયંકાલની આરતી રાત્રિના 9 કલાકે કરાશે અને તેના બીજા દિવસથી દર્શનાર્થીઓ રાબેતા મુજબ માતાજીના દર્શન કરી શકશે.

પ્રક્ષાલન વિધિમાં ખાસ બાબત એ છે કે 7 પવિત્ર નદીઓના જળથી મંદિર શુદ્ધ કરાશે. આ વિધિ માટે ખાસ સિદ્ધપુરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારણ સાથે સંપન્ન કરવામાં આવશે. પવિત્ર નદીઓથી જળસ્નાન બાદ શુભ મુર્હુતમાં શ્રીયંત્રને મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે. જો કે સ્થાનિકો માટે સવારના દર્શન ખુલ્લા રહેશે. સવારે 7:30 થી 11:30 સુધી મંદિરમાં દર્શન કરી શકાશે, પછી બપોરે 1 વાગ્યા બાદ દર્શન બંધ કરી દેવાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button