મહાયુતીનો આ પક્ષ આજે કાઢશે મૌન રેલી, અજિત પવાર નારાજ ?

મુંબઈ : મહારાષ્ટ્રમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભા ઈલેકશનને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં હવે મહાયુતીનો સાથી પક્ષ એનસીપી આજે સમગ્ર મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાના મુદ્દાને લઇને શિંદે સરકાર વિરુદ્ધ મૌન રેલી યોજી રહ્યા છે. આ ઉપરાંત એનસીપીના વડા અજિત પવારે ગઈકાલે પ્રતિમા તુટી જવાની ઘટના પર જનતાની માફી માંગી હતી. આ મામલે મહારાષ્ટ્રમાં લોકોમાં રોષ છે જેને ખાળવા અને વોટબેંકને અકબંધ રાખવા માટે અજીત પવારે સરકારમાં સહભાગી હોવા છતાં મૌન રેલી યોજી રહ્યા છે.
આંદોલન ક્યાં થશે?
એનસીપી આજે રાજ્યભરમાં પ્રતિમા તુટવાની ઘટનાને લઈને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મૌન રેલી યોજશે. આ રેલી બપોરે 11 થી 12 દરમિયાન મુંબઈ કલેક્ટર ઓફિસ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે થશે. જ્યારે ચેમ્બુરમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે આ આંદોલનનું નેતૃત્વ અજિત પવાર જૂથના મુંબઈ અધ્યક્ષ સમીર ભુજબલ કરશે. આ અંગે શિંદે સરકાર પોતાનો બચાવ કરવામાં વ્યસ્ત છે. જ્યારે એનસીપીએ આ મુદ્દે સરકારથી અલગ સ્ટેન્ડ લીધું છે.
તપાસ માટે કમિટીની રચના
મહારાષ્ટ્ર સરકારે આ ઘટનાને લઈને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમજ પ્રતિમા તૂટી પડવાના કારણો શોધવા માટે એન્જિનિયરો, આઈઆઈટી નિષ્ણાતો અને નેવી અધિકારીઓની એક ટેકનિકલ સમિતિની પણ રચના કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે, સરકારે ભવ્ય પ્રતિમા બનાવવા માટે એક સમિતિની રચના પણ કરી છે. આ નિર્ણય મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લીધો છે.
શિવાજીની પ્રતિમાનું અનાવરણ 9 મહિના પૂર્વે કરવામાં આવ્યું હતું
શિંદેએ બુધવારે રાત્રે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે વરિષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ અને નૌકાદળના અધિકારીઓ સાથે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રતિમાનું નિર્માણ કાર્ય નબળી ગુણવત્તાનું હોવાના આક્ષેપ સાથે PWDની ફરિયાદ બાદ કોન્ટ્રાકર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. શિવાજીની પ્રતિમાનું અનાવરણ 9 મહિના પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.