ગુપ્ત મિશન પર ગયા હંસા-પ્રફૂલ, જયશ્રી અને બાપુજી, આ દિવાળી પર થિયેટરોમાં કરશે ધમાકો!
વર્ષ 2002માં ટીવી પર પ્રસારિત થનારા આઇકોનિક શો ‘ખીચડી’ દર્શકોમાં ખૂબ પસંદગી પામ્યો હતો. સીરિયલની પોપ્યુલારિટીને પગલે શોના મેકર્સે ખીચડીના કલાકારોને લઇને ફિલ્મ પણ બનાવી હતી અને આ ફિલ્મ પણ ખૂબ જ લોકપ્રિય થઇ હતી. હવે ફરી એકવાર હંસા, પ્રફુલ, જયશ્રી અને તેમના બાપુજી થિયેટરોમાં ધમાલ મચાવવા આવી પહોંચ્યા છે.
ફિલ્મની સિક્વલનું નામ ‘ખીચડી-2 મિશન પાન્થુકિસ્તાન’ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં એઝ યુઝવલ પારેખ પરિવારના ગરબડ-ગોટાળાં અને એ ગોટાળામાંથી સર્જાતી કોમેડી દર્શકોને પેટ પકડીને હસાવશે. આ વખતે પારેખ પરિવાર એક ગુપ્ત મિશનમાં જઇ રહ્યું છે તેવી આ ફિલ્મમાં કથા છે. ફિલ્મમાં સુપ્રિયા પાઠક, અનંગ દેસાઇ, વંદના પાઠક સહિતના તમામ જાણીતા કલાકારો જોવા મળશે. ઉપરાંત કિર્તી કુલ્હારી જે ફિલ્મના પહેલા ભાગમાં હતી, તે સિક્વલમાં પણ મહત્વની ભૂમિતા ભજવતી જોવા મળશે.
જે.ડી. મજેઠિયાના હેટ્સ ઓફ પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ ફિલ્મની કથા આતિશ કાપડિયાએ લખી છે. દિવાળીના તહેવાર પર 17 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.