રાહુલ ગાંધીએ ફરી આલાપ્યો જાતિ ગણતરીનો રાગ
નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં કઈ જાતિ છે અને કેટલી સંખ્યામાં છે તે બહાર લાવવા માટે. દેશમાં જાતિ ગણતરી થવી જ જોઈએ. દેશના ‘એક્સ-રે’ની જરૂર છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કાલાપીપલમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી રહેલી ‘જન આક્રોશ યાત્રા’ને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ આ વાત કહી હતી.
દેશમાં જાતિ ગણતરી એક મોટો મુદ્દો છે એમ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કમલનાથ હાલમાં જ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ હોસ્પિટલ પહોંચ્યા કે તરત જ ડોક્ટરોએ તેમનો એક્સ-રે કરાવ્યો હતો અને પછી આગળની સમસ્યા વિશે જણાવ્યું હતું. આ જ ક્રમમાં તેમણે કહ્યું કે જે રીતે કમલનાથનો પ્રથમ એક્સ-રે કરાવવામાં આવ્યો હતો, તેવી જ રીતે હવે દેશનો પણ એક્સ-રે કરાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે આજે દેશની સામે જાતિની વસ્તી ગણતરી સૌથી મોટો મુદ્દો છે.
પોતાના જૂના આરોપોનો પુનરોચ્ચાર કરતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કહ્યું હતું કે દેશને 90 ઉચ્ચ અધિકારીઓ ચલાવે છે, જેમાંથી માત્ર ત્રણ અન્ય પછાત વર્ગો (ઓબીસી)માંથી આવે છે. બજેટ ખર્ચમાં આ ત્રણ અધિકારીઓની ભાગીદારી પણ માત્ર પાંચ ટકા છે. આ સાથે તેમણે કહ્યું કે ધારો કે દેશમાં ઓબીસી કેટેગરીની વસ્તી લગભગ 50 ટકા છે તો બજેટ ખર્ચના માત્ર પાંચ ટકા પર જ તેમનો અંકુશ છે. આ ઘણી ખોટી વાત છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ અનામતના સમર્થનમાં છે અને ઓબીસી અનામત પણ આપવા માગે છે, પણ વર્તમાન સરકાર આ મુદ્દે ચુપ છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ત્રણ મુખ્ય પ્રધાનો ઓબીસી કેટેગરીમાંથી છે, પણ ભાજપના ઓબીસી ધારાસભ્ય કે સાંસદોને બોલવા પણ દેવામાં આવતા નથી. કેન્દ્ર સરકાર પાસે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી જાતિ ગણતરીના ડેટા છે, પરંતુ સરકાર તે ડેટા દેશ સમક્ષ રજૂ કરવા માંગતી નથી. પોતાના 25 મિનિટના ભાષણામાં રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પણ નિશાન સાધતા જણાવ્યું હતું કે દેશના કાયદાઓ આરએસએસના લોકો અને પસંદગીના અધિકારીઓ બનાવે છે.