પૅરિસ પૅરાલિમ્પિક્સમાં આ ગુજરાતણ ગૌરવ અપાવશે?
બૅડમિન્ટન-ચૅમ્પિયન માનસી જોશી હાલમાં વર્લ્ડ નંબર-વન છે અને મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે
પ્રાસંગિક -યશ ચોટાઈ
મૂળ રાજકોટની ગુજરાતી પરિવારની પૅરા બૅડમિન્ટન ખેલાડી માનસી જોશી વિશ્ર્વસ્તરે અનેક મોટી સ્પર્ધાઓમાં મેડલ જીતી ચૂકી છે, પરંતુ દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટે દર ચાર વર્ષે યોજાતી પૅરા ઑલિમ્પિક ગેમ્સનો મેડલ જીતવા તે વર્ષોથી આતુર હતી અને એ જીતવાનો સમય બહુ નજીક આવી ગયો છે. પૅરિસમાં પૅરાલિમ્પિક્સનો આરંભ થયો છે અને માનસી ગિરીશ જોશી એમાં મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.
પૅરિસ પૅરાલિમ્પિક્સમાં દિવ્યાંગ બૅડમિન્ટન ઍથ્લીટોના વર્ગ (એસએલ-થ્રી)નો સમાવેશ કરાતાં માનસીને છેવટે આ સૌથી મોટા રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સુવર્ણ તક મળી
ગઈ છે.
માનસી જોશી પૅરા વિમેન્સ બૅડમિન્ટનમાં ડબ્લ્યૂએસ એસએલ-થ્રી કૅટેગરીમાં વર્લ્ડ નંબર વન છે. તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં એક ગોલ્ડ તથા બે સિલ્વર તેમ જ ચાર બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે. એશિયન પૅરા ગેમ્સમાં તે એક સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ લઈને ભારત પાછી આવી હતી અને એશિયન ચૅમ્પિયનશિપનો એક બ્રૉન્ઝ પણ તેના નામે લખાયો છે.
૩૫ વર્ષની માનસી જોશીએ મુંબઈની કે. જે. સોમૈયા કૉલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ખેલકૂદપ્રેમી માનસી જોશી સ્કૂલ-કૉલેજ લાઇફમાં ફૂટબૉલ અને બૅડમિન્ટન ખૂબ રમી હતી. તેના પિતા ગિરીશભાઈ જોશી નિવૃત્ત વિજ્ઞાની છે. તેઓ વર્ષો સુધી ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં કાર્યરત હતા.
૨૦૧૧ની સાલમાં માનસીએ માર્ગ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો. જોકે તેણે જીવનમાં કંઈક બનવાની (ખાસ કરીને ખેલકૂદમાં નવા-નવા શિખર સર કરવાની) ઝંખના નહોતી ગુમાવી અને એ બધુ તે મેળવીને રહી. ૨૦૧૫માં તેણે સ્પોર્ટ્સ કરીઅર શરૂ કરી હતી. થોડા જ સમયમાં તે ઇંગ્લૅન્ડમાં પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મિક્સ્ડ-ડબલ્સનો સિલ્વર મેડલ જીતી હતી અને પછી (૨૦૧૮માં) તેણે હૈદરાબાદમાં ભારતીય બૅડમિન્ટન-લેજન્ડ પુલેલા ગોપીચંદની ઍકેડેમીમાં તાલીમ લેવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાર પછીનો તેનો બૅડમિન્ટનનો ઇતિહાસ આપણી નજર સમક્ષ છે. હવે પૅરિસથી તે ગોલ્ડ, સિલ્વર કે બ્રૉન્ઝ મેડલ સાથે પાછી આવશે એવી કરોડો ભારતીયોને તેની પાસે અપેક્ષા છે.
માનસીએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું છે, ‘હું ૧૦ વર્ષથી સ્પોર્ટ્સમાં છું અને પૅરાલિમ્પિક્સમાં પહેલી વાર ભાગ લઈ રહી છું એની મને બેહદ ખુશી છે. આજે અમારું પ્રૅક્ટિસ સેશન પૂરું થયું અને ગુરુવારથી સ્પર્ધાઓ શરૂ થઈ રહી છે.’
માનસી ૨૦૨૦માં બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન અવૉર્ડ માટે નૉમિનેટ થઈ હતી. તેના ઉપરાંત પી. વી. સિંધુ, મૅરી કૉમ, વિનેશ ફોગાટ અને દુતી ચંદ પણ એ પુરસ્કાર માટે નૉમિનેટ થઈ હતી. માનસી દેશ-વિદેશના અનેક પુરસ્કારો મેળવી ચૂકી છે.