આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ‘મેઘતાંડવ’ યથાવતઃ 15,000થી વધુ લોકોને સલામતસ્થળે ખસેડ્યાં, 28નાં મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને કારણે સેંકડો ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે, જ્યારે નદીઓમાં પૂરની પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વડોદરામાં સતત વરસાદને કારણે હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે ગાંધીનગર સાથે અમદાવાદમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે.

આ પણ વાંચો: Gujarat માં ભારે વરસાદથી અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ, આર્મીના 360 જવાનો તૈનાત…

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 247 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જ્યારે આગામી દિવસોમાં વડોદરા, આણંદ અને ખેડા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે. ચાર દિવસથી ભારે વરસાદને કારણે વરસાદ સંબંધિત વિવિધ બનાવમાં 28 લોકોનાં મોત થયા છે, જેમાં દીવાલ તૂટી પડવા અને ડૂબવા સહિત અન્ય બનાવનો સમાવેશ થાય છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા
ગુજરાતમાં વરસાદ સંબંધિત વિવિધ બાબતની સમીક્ષા કરવા માટે સાંજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં ફસેયાલો લોકોને મદદ કરવા માટે પ્રાથમિકતા આપવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત, પૂરના પાણી ઓસર્યા પછી જંતુનાશક દવાઓના છંટકાવ કરીને રોગચાળો ફેલાતો અટકાવવાના ઉપાય અજમાવવાનો અનુરોધ કર્યો હતો.

70થી વધુ સગર્ભાને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ
અમદાવાદમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થવાની સાથે હજુ મહાનગરોમાં પૂરના પાણી ઓસર્યા નથી. વરસાદી આફત વચ્ચે એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા અનેક જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોનું દિલધડક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિનિયર સિટીઝન, બાળકોની સાથે 70થી વધુ સગર્ભાને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, જ્યારે એક મહિલાની 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

જૂનાગઢમાં સાંજ પછી પરિસ્થિતિ ગંભીર
જૂનાગઢના ગિરનાર ઉપર છેલ્લા 48 કલાકથી નિરંતર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સાંજ સુધીમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. શહેરમાં ભારે વરસાદ અને પવન ફૂંકાતા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જ્યારે વીજળીના થાંભલા તૂટી પડવાની ઘટના બની છે. શહેરમાં અંધારપટ છવાયો છે ત્યારે અમુક કાચી દુકાનોના છાપરા ઉડી જતા મોટું નુકસાન થયું હતું. જૂનાગઢ જિલ્લામાં 140થી વધુ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે પૂર્વવત્ કરવામાં આવ્યો હતો, પરંતુ સાંજ પછી વાતાવરણમાં પલટાને કારણે પરિસ્થિતિ વિકટ ઊભી થઈ શકે એમ સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું.

વિશ્વામિત્રી નદીનું પાણી ભયજનક સપાટીએ
ગુજરાતમાં જામનગર અને વડોદરામાં પડેલા વરસાદને કારણે મોટી નુકસાનીના સમાચાર છે. સોમવારે એકલા વડોદરામાં 26 સેમી વરસાદ નોંધાયો હતો. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ હોવાથી રહેવાસી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વરસાદ વચ્ચે પણ ટ્રાફિકની સ્થિતિ ઊભી થઈ છે, જ્યારે શહેરના અજવા અને પ્રતાપપુરા ડેમમાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું, તેથી પાણી ભરાયા હતા.

કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર રેડ એલર્ટ કર્યુ છે. આગામી બે દિવસ કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે અને આવતીકાલે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે,

પાટનગર ગાંધીનગર પણ પાણી પાણી

પાટનગર ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે, જેમાં વરસાદના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. ગાંધીનગર સેક્ટર તેર સ્થિત મહાત્મા મંદિરના અંડરબ્રિજ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા, ત્યારબાદ પાણી ઓસરી ગયા તો વાહનોની નંબર પ્લેટ બાજુમાં જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button