ટેનિસની એક મૅચ 335 મિનિટ સુધી ચાલી, 32 વર્ષ જૂનો વિક્રમ તૂટ્યો!

ન્યૂ યૉર્ક: મંગળવારે અહીં યુએસ ઓપનમાં ગજબ બની ગયું. વર્ષની આ ચોથી અને છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમના ઇતિહાસની સૌથી લાંબી મૅચ રમાઈ હતી. બ્રિટનના ડૅન ઇવાન્સ અને રશિયાના કરેન ખાચાનોવ વચ્ચેની મૅચ ત્રણ કલાક અને 35 મિનિટ (335 મિનિટ) સુધી ચાલી હતી.
ડૅનનો આ મુકાબલામાં 6-8, 7-2, 7-4, 4-6, 6-4થી વિજય થયો હતો.
ડૅન-ખાચાનોવની જોડીએ 1992ની સાલનો એડબર્ગ અને માઇકલ ચૅન્ગ વચ્ચે પાંચ કલાક, 26 મિનિટ (326 મિનિટ) સુધી ચાલેલી મૅચનો વિક્રમ તોડ્યો હતો. 32 વર્ષ પહેલાંની એ મૅચ સેમિ ફાઇનલ હતી જેમાં એડબર્ગે ચૅન્ગને 3-7, 7-5, 7-3, 5-7, 6-4થી હરાવ્યો હતો. ત્યાર બાદ બે દિવસ પછી રમાયેલી ફાઇનલમાં એડબર્ગનો પીટ સૅમ્પ્રસ સામે 3-6, 6-4, 7-5, 6-2થી વિજય થયો હતો.
મંગળવારની મૅચમાં ડૅન વારંવાર સ્કોરબોર્ડ સામે જોયા કરતો હતો. પોતે કેવું રમી રહ્યો છે એ માટે નહીં, પણ પોતાની આ મૅચ કેટલી લાંબી ચાલી એ માટે તેનું ધ્યાન વારંવાર સ્કોરબોર્ડ જતું હતું.
મૅચ પછી 34 વર્ષના ડૅને પત્રકારોને કહ્યું, ‘હું ખૂબ થાકી ગયો છું. મારું આખું શરીર દુખે છે. મેં ક્યારેય સતત બે કલાક પ્રૅક્ટિસ નથી કરી, પણ આ મૅચ સાડાત્રણ કલાક સુધી ચાલી.’