લાડકી

સાચા સથવારાની શોધ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

પંદર..વીસ..પચ્ચીસ.. વર્ષો વીતતાં ગયાં એમ વિદ્યા મોટી થતી ગઈ. તરુણીમાંથી યુવતી બનતી ચાલી. ઘણા બધા બદલાવ આવ્યા.અવનવા વળાંકો આવ્યા. અણધાર્યા પ્રસંગોને ધાર્યાં પરિણામો વચ્ચે વિદ્યાની ગાડી દોડતી રહી. મા-બાપ સાથેનો ઘરોબો ઘટતો ગયો. એમના સ્નેહ ને કાળજીનું મહત્ત્વ ઓસરાતું ગયું. પરિણામે વિદ્યા અને એની મમ્મી સ્મૃતિ વચ્ચે અકારણ અંતર વધતું ગયું. બારમા ધોરણ પછી હોસ્ટેલમાં ભણવા ગયેલી વિદ્યા ભાગ્યેજ સ્મૃતિ સાથે કોઈ વાત કરતી. કોલેજના પ્રથમ દિવસથી લઈ પરણીને સાસરે ગઈ તો પણ પોતાના ઘેર ભાગ્યે જ પગ મૂકતી વિદ્યા હમણાથી છાશવારે સ્મૃતિ પાસે દોડી આવે છે. શા માટે? એ વિચાર માત્રથી સ્મૃતિની ઊંઘ અચાનક ઊડી ગઈ ને અનાયાસે એ દીકરીની ચિંતાથી ઘેરાય ગઈ, જ્યારે એણે જોયું કે એની દીકરી હવે કોઈની જવાબદાર પત્ની હતી તેમ છતાં એના પતિ સાથે હોવાને બદલે પોતાની સાથે રહેવા આવતી રહી છે. સામે જૂના પલંગ પર આડી પડેલી વિદ્યાને મમતાભરી આંખે જોતાં સ્મૃતિના મનમાં એક અજાણ્યો ભય અને ચિંતા આકાર લેવા લાગ્યા. એણે ધીરેથી દીકરીના માથા પર હાથ રાખી ધીમા સ્વરે પૂછ્યું: ‘બેટા, તને કોઈ પરેશાની છે?’ વિદ્યા અડધી ઊંઘમાં હતી, પણ માનો અવાજ સાંભળી એણે જવાબ આપ્યો: ‘મમ્મી, મને કોઈ તકલીફ નથી કહી’ એટલું કહી એ પડખું ફરી સૂઈ ગઈ. ગયા મહિને સ્મૃતિના પતિનું અણધાર્યું અવસાન થયું એ પછી સ્મૃતિની નીંદર રાત્રે ઘણી વખત ઊડી જતી. એ બસ એમ જ પડખા ફરી સમય પસાર કરતી, પણ હમણાંથી કોઈ કારણ વગર સાથે રહેવા આવેલી દીકરીની ચિંતા એને વધારે બેચેન કરી મૂકી હતી. વિદ્યાને ફરીથી સ્મૃતિએ એ જ સવાલ પૂછ્યો: ‘તું આજકાલ મારી પાસે શા માટે આવી જાય છે? તને સાસરે કોઈ સાથે અણબનાવ થયો છે?’ વિદ્યાએ જવાબ ટાળવાની કોશિશ કરી: ‘અરે, મમ્મી એવું કંઈ જ નથી.’

જોકે, સ્મૃતિને એ સમજાય ગયું કે દીકરી કંઈક તો છુપાવી રહી છે. પાસે પડેલી પાણીની બોટલમાંથી એણે એક ઘૂંટડો ભર્યો. મધરાત હતી તો પણ સુવાને બદલે એ તકિયાને અઢેલી બેસી. આજે એ દીકરી સાથે વાત કરવા માગતી હતી: ‘તો શું થઈ ગયું દીકરા, તું મને કહી શકે છે..જો , કોઈ પરેશાની હોય તો.’ છેલ્લે બોલાયેલાં એ વાક્યમાં સવાલ ઓછો ને આદેશ વધારે હતો. વિદ્યાને ખ્યાલ આવી ગયો કે હવે જવાબ આપ્યા વગર છૂટકો નથી. સાથોસાથ મમ્મીને થતી અકારણ ગભરાહટનો પણ અહેસાસ થયો એટલે હવે કોઈ બહાનું આગળ ન ધરતાં સ્મૃતિનો હાથ માથા પર રાખી વિદ્યાએ કહ્યું: ‘મમ્મી, તને યાદ છે હું ટીનએજર હતી ત્યારે પપ્પાએ મારો રૂમ અલગ કરી દીધેલો.’ ‘હા, પણ એ તો તેં જીદ્દ કરી હતી ને?’ સ્મૃતિએ હળવા સ્મિત સાથે વિદ્યાને યાદ કરાવ્યું : હા,પણ હું જ્યારે સૂઈ જતી ત્યારે તું ઘણીવાર રૂમમાં આવીને મારા વાળમાં હાથ ફેરવતી. મારા કપાળને ચૂમી લેતી. ક્યારેક મારી પડખે જ ઊંઘી જતી અને પછી સવારે તું મને સવાલ પૂછતી, યાદ છે?’ સ્મૃતિએ દીકરીની સ્મૃતિઓને થોડી વધારે તેજ કરવાની કોશિશ કરી હા યાદ છે. ‘મેં હંમેશાં તને પૂછેલું કે શું તું પપ્પાથી નારાજ છો?’ સ્મૃતિની આંખોમાં ભૂતકાળની યાદો ચમકી ઊઠી. એણે હસીને પૂછયું : ‘એકદમ સાચું પણ તને કેમ એવું લાગતું હતું કે હું પપ્પાથી નારાજ થઈને જ તારી પાસે આવું છું?’

આટલાં વર્ષો પછી કદાચ સ્મૃતિ પણ એ જાણવા ઇચ્છતી હતી કે એ વખતે દીકરીના દિમાગમાં શું ચાલતું હશે સ્મૃતિના હાથને મજબૂતીથી વિદ્યાએ પકડ્યા ને બોલી : ‘કારણકે મમ્મી હું તો હંમેશાં તને પપ્પા સાથે જ જોવા માગતી હતી.’ સ્મૃતિના ચહેરા પર વિદ્યાના જવાબે ઉદાસી સાથેનો સંતોષ પાથરી દીધો. એને દીકરીના માથા પર હાથ રાખીને કહ્યું: ‘બેટા,જેમ તને એવું લાગે છે ને કે તું મને હંમેશાં પપ્પા સાથે જોવા ઈચ્છતી તેમ હું પણ ઈચ્છું છું કે તું તારા પતિ સાથે ખુશ રહે.’ વિદ્યાએ ફરીથી મા ને એક જ સવાલ કર્યો: ‘મમ્મી ,ત્યારે તું પપ્પાને છોડી મારી પાસે કેમ આવતી હતી?’ આ સવાલ કદાચ વર્ષોથી વિદ્યાના મનમાં સળવળતો રહેલો. આજે એ જાણવા ઇચ્છતી હતી કે એવું શું હતું કે મમ્મી રાતે પોતાના રૂમમાં આવી જતી.

‘તને રૂમમાં એકલું કદાચ ના ગમે એમ વિચારી તને હૂંફ અનુભવાય એ માટે.’ વિદ્યાની આંખો હવે ભરાઈ આવી. એણે કહ્યું: ‘મમ્મી, હવે જ્યારે પપ્પા નથી ત્યારે મને એ વિચારે ડર લાગે છે કે ક્યાંક તું એકલી ના પડી જાય એટલે હું તારી પાસે આવતી રહું છું..!’ એનાથી આગળ વિદ્યા કઈ જ કહી ન શકી. એનો અવાજ તૂટતો ગયો. મા-દીકરી એકબીજાને વળગીને ખૂબ રોયા. બન્નેના આંસુઓમાં વણકહ્યા શબ્દો અને વર્ષો સુધી ધરબાયેલી લાગણીઓ હતી. એ સંવેદનાઓ હતાં, જે એ બન્ને ક્યારેય નહોતા કહી શક્યા. અડધી રાતે થયેલા મા-દીકરી વચ્ચેના આ સંવાદે એ લોકોને એકબીજા પ્રત્યે વધુ જવાબદાર અને સ્નેહભર્યા બનાવી દીધા. હવે બન્ને એક વાત સારી પેઠે જાણતા હતા કે જીવનના આ વળાંકે એમણે એકબીજાનો સહારો બનીને હવે આગળ વધવાનું છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો