જમીનના વળતરને મુદ્દે મહારાષ્ટ્ર
નવી દિલ્હી: છ દાયકા પહેલાં જેમની જમીન પર ‘ગેરકાયદે’ કબજો કરવામાં આવ્યો હતો તેને આપવાના વળતરની ગણતરીમાં ‘નિષ્ક્રિય’ અને ‘બિન-ગંભીર’ અભિગમ માટે સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.
જસ્ટિસ બી. આર. ગવઈ, પ્રશાંત મિશ્રા અને કે.વી.વિશ્ર્વનાથનની બેંચે વન અને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રાજેશ કુમારને કારણ બતાવો નોટિસ જારી કરી હતી અને તેમને પૂછ્યું હતું કે વિભાગ દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટમાં કરવામાં આવેલી ‘અનાદરયુક્ત ટિપ્પણી’ બદલ શા માટે તેમની સામે અદાલતી અપમાનની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ.
ખંડપીઠે વરિષ્ઠ આઈએએસ અધિકારીને 9 સપ્ટેમ્બરે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
જ્યારે રાજ્ય સરકારે વળતરની પુન: ગણતરીના ચોક્કસ હેતુ માટે સમય માગ્યો હતો, ત્યારે તે થવું જોઈતું હતું. એવું લાગે છે કે રાજ્ય ઢીલી-ઢાલી યુક્તિઓ અપનાવી રહ્યું છે, એમ બેન્ચે કહ્યું હતું. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એફિડેવિટ પરથી એવું જણાય છે કે રાજ્ય સરકાર વળતર ચૂકવવા માટે ગંભીર નથી.
બેન્ચે રાજ્ય સરકારના વકીલ નિશાંત કટનેશ્ર્વરકરને આ પ્રકારનું સોગંદનામું દાખલ કરવા બદલ અને દસ્તાવેજ પર સહી કરેનારા અધિકારીની પણ ઝાટકણી કાઢી હતી.
આ પણ વાંચો : Monsoon 2024 : દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં રેડ અને મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…
‘તમે એફિડેવિટમાં કંઈપણ લખો છો, અધિકારી એફિડેવિટ પર સહી કરે છે અને તમે અપેક્ષા રાખો છો કે અમે કંઈ ન કરીએ,’ એમ ખંડપીઠે કટનેશ્ર્વરકરને સંભળાવ્યું હતું.
બેન્ચે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્ર સરકાર અરજદારને ચૂકવવાપાત્ર વળતરની પુન:ગણતરી નહીં કરે તો રાજ્યમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ‘લાડલી બહેન’ યોજનાને તેઓ રોકી દેશે.
બેન્ચે જણાવ્યું હતું કે, ‘કાયદાનું પાલન કરવું અને વળતરની ચૂકવણીના યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવું એ રાજ્ય સરકારની ફરજ છે,’ અધિકારીઓ ‘તરંગી વિચાર’ને અનુસરી શકતા નથી અને કાયદાનું ઉલ્લંઘન કરી શકતા નથી.
જસ્ટિસ વિશ્ર્વનાથને કહ્યું કે રાજ્ય સરકારે 1989ના સર્કલ રેટ મુજબ જમીનની કિંમતની ગણતરી કરી અને નવી ગણતરીમાં ચૂકવવાપાત્ર વ્યાજમાં વધારો કર્યો. તેમણે કહ્યું કે, સત્તાવાળાઓએ વળતરની ગણતરી માટે જમીનની વર્તમાન કિંમત ધ્યાનમાં લેવી જોઈએ.
બેન્ચે નોંધ્યું હતું કે 23 જુલાઈના આદેશના પાલનમાં પુણેના કલેક્ટરે રાજ્ય પાસે ઉપલબ્ધ જમીનોનો વિગતવાર સર્વે હાથ ધર્યો હતો જેથી અરજદારને 24 એકર 38 ગુંઠાની જમીન ફાળવી શકાય.
સંપૂર્ણ શોધ કર્યા પછી, એવું બહાર આવ્યું કે રાજ્ય પાસે મોજે યેવલેવાડી, તા. હવેલી, જિલ્લો- પુણે ખાતે આવેલી 14 હેક્ટર 2 ગુંઠાની જમીન છે. આ જમીનમાંથી 24 એકર 38 ગુંઠાની જમીન ફાળવવામાં આવી શકે છે. અરજદારની જમીન પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની મ્યુનિસિપલ હદમાં છે.
ઉક્ત જમીન કોંઢવા ખાતે છે જે અરજદારને ફાળવવામાં આવી હતી. આ જમીન સૂચિત વિકાસ યોજના રોડને સ્પર્શે છે, એમ બેન્ચે એફિડેવિટમાંથી નોંધ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે અરજદારને 30 ઓગસ્ટે પુણે કલેક્ટર કચેરીની મુલાકાત લેવા જણાવ્યું હતું જેથી તે જમીનનો સર્વે કરી શકે અને તે નાણાકીય વળતરના બદલામાં ફાળવવામાં આવેલી જમીન લેવા માંગે છે કે કેમ તેની સુનાવણીની આગામી તારીખે કોર્ટને જાણ કરી શકે.