સ્પોર્ટસ

આઇસીસીના નવા ચૅરમૅન જય શાહને કઈ સત્તા મળી, કેટલી સૅલરી અને બીજું ઘણું જાણવા જેવું…

દુબઈ: ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નું હેડ-ક્વૉર્ટર દુબઈમાં છે, જ્યારે બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)નું વડુ મથક મુંબઈમાં. મૂળ અમદાવાદના જય શાહ (બીસીસીઆઇ-સેક્રેટરી) હવે આગામી ડિસેમ્બર મહિના સુધી મુંબઈ સાથે તો સંકળાયેલા રહેશે જ, તેઓ દુબઈ સાથેનો સંપર્ક પણ વધારી દેશે, કારણકે તેમણે ક્રિકેટજગતના સંચાલન પર વ્યાપક સ્તરે ભૂમિકા ભજવવાની છે.

તેઓ આઇસીસીના અધ્યક્ષસ્થાને બિરહરીફ ચૂંટાયા છે અને ક્રિકેટની રમતને વિશ્ર્વમાં બીજા ઘણા દેશોમાં ફેલાવવાની અને લોકપ્રિય બનાવવાની જવાબદારી તેમણે સ્વીકારી છે. 35 વર્ષના જય શાહને આઇસીસીમાં કેવા પ્રકારની સત્તા મળી અને કેવી જવાબદારીઓ સંભાળવી પડશે એ સહિત બીજી ઘણી જાણકારી આપણે અહીં જાણી લઈએ…


આઇસીસીના વહીવટમાં મોખરાના સ્થાને રહી ચૂકેલા ચાર દિગ્ગજો (જગમોહન દાલમિયા, શરદ પવાર, એન.

શ્રીનિવાસન, શશાંક મનોહર) બાદ જય શાહ પાંચમા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના ગ્રેગ બાર્કલેએ પોણાચાર વર્ષ સુધી ચૅરમૅનનો હોદ્દો સંભાળ્યા બાદ ત્રીજી મુદત પર પણ ચાલુ રહેવાની અનિચ્છા બતાવી એટલે જય શાહનું નામ સૌથી મોટા દાવેદાર તરીકે બોલાતું હતું અને તેમણે આઇસીસીના સિંહાસન સુધી જવામાં કોઈની પણ સીધી હરીફાઈ નથી જોવી પડી.

જય શાહ આઇસીસીની વર્તમાન ટીમ સાથે મળીને ખેલકૂદના ક્ષેત્રે તીવ્ર હરીફાઈ વચ્ચે જેન્ટલમૅન્સ ગેમ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતને નવી ઊંચાઈએ લઈ જવા મક્કમ છે.

સૌથી પહેલી વાત તો એ છે કે આઇસીસીનો ચૅરમૅનનો હોદ્દો માનદ છે એટલે તેમને કોઈ સૅલરી નહીં મળે. બીસીસીઆઇમાં સેક્રેટરી તરીકે પણ તેઓ માનદ હોવાથી એ હોદ્દે પર પણ કોઈ સૅલરી નથી. આઇસીસીની સત્તાવાર વેબસાઇટ પર અપાયેલી જાણકારી અનુસાર આઇસીસીના ચૅરપર્સન, વાઇસ ચૅરપર્સન, ડિરેકટર્સને સમય-સમય પર ભથ્થું મળે છે. બીજી રીતે કહીએ તો આઇસીસીના ટોચના અધિકારીઓને મીટિંગ તથા અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેવા સંબંધમાં ભથ્થું આપવામાં આવે છે.

આઇસીસીના ચૅરમૅનની જવાબદારીઓની વાત કરીએ તો તેઓ ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાને વિભિન્ન આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરે છે. આઇસીસી અધ્યક્ષ ક્રિકેટની નીતિઓને લાગુ કરવા ઉપરાંત મેમ્બર રાષ્ટ્રો સાથેના સંબંધો મજબૂત કરવા પર પણ ખાસ ધ્યાન આપે છે. તેઓ તમામ સભ્ય દેશોના ક્રિકેટ બોર્ડની બેઠકમાં અધ્યક્ષસ્થાને રહે છે અને નીતિ-નિયમોના સંબંધમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયોને અંતિમ સ્વરૂપ આપે છે.

નવા આઇસીસી ચૅરમૅન ક્રિકેટને નવા-નવા દર્શકો સુધી પહોંચાડવામાં સહાયક ભૂમિકા ભજવતા હોય છે. જય શાહ યંગેસ્ટ ચૅરમૅન છે અને પ્રભાવશાળી છે તેમ જ બીસીસીઆઇમાં સફળ ભૂમિકા ભજવ્યા બાદ આઇસીસીમાં જઈ રહ્યા છે એટલે ક્રિકેટજગતને તેઓ નવા શિખર પર લઈ જશે એની ખાતરી છે.

જો કોઈ ક્રિકેટલક્ષી ઘટના વિવાદાસ્પદ થઈ જાય તો આઇસીસી ચૅરમૅન એમાં મધ્યસ્થી કરીને નિષ્પક્ષ, ન્યાયી તથા યોગ્ય ઉકેલ લાવવાનું કામ કરે છે. ક્રિકેટમાં કરપ્શન, ફિક્સિગં અને બીજી અનૈતિકતા સંબંધમાં પણ આઇસીસી ચૅરમૅનની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. અનિવાર્ય કારણસર મૅચનું સ્થળ બદલવાનું હોય કે કુદરતી આફતનો સામનો કરતી વખતે મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો એમાં ચૅરમૅનનું કામ વધુ કસોટીરૂપ થઈ જાય છે. તેઓ આઇસીસીના નિર્ણાયક હોવા ઉપરાંત પ્રવક્તા પણ કહેવાય છે.

આગામી ફેબ્રુઆરીમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે, પરંતુ ભારતે પોતાની ટીમને ત્યાં મોકલવાની સ્પષ્ટ ના પાડી છે. આ સંબંધમાં આવનારા મહિનાઓમાં આઇસીસી દ્વારા કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો