વેપાર

સોનામાં ઊંચા મથાળેથી ₹ ૨૮૦નો અને ચાંદીમાં ₹ ૨૨૯નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદ અને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડા તરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં ઊંચા મથાળેથી સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૯થી ૨૮૦નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૨૯નો ઘટાડો આવ્યો હતો.

આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૨૯ના ઘટાડા સાથે રૂ. ૮૫,૯૬૨ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૯ના ઘટાડા સાથે રૂ. ૭૧,૪૭૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૭૬૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને આગામી સપ્ટેમ્બરથી રેટ કટના આશાવાદ અને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં સોનામાં વધ્યા મથાળેથી સાવચેતીના અભિગમ વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યું હોય તેમ હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫૧૦.૦૨ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૨૫૪૫.૪૦ ડૉલર તથા ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકો વધીને ઔંસદીઠ ૨૯.૯૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકશે એવી નિશ્ર્ચિતતા જણાઈ રહી છે, પરંતુ હવે વ્યાજદરમાં કેટલો ઘટાડો કરવામાં આવશે તે અંગે બજારમાં ચર્ચા થઈ રહી છે અને તેને માટે બજાર વર્તુળોની નજર અમેરિકાના જાહેર થનારા આર્થિક ડેટાઓ પર સ્થિર થઈ હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. સામાન્યપણે ઓછા અથવા તો નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફેડરલ દ્વારા હળવી નાણાનીતિની શક્યતા, રાજકીય-ભૌગોલિક ચિંતા અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડરલ રિઝર્વનાં પ્રમુખ મેરી ડેલીએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વની આગામી નીતિવિષયક બેઠકમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, એએનઝેડ કૉમૉડિટીના સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું કે આગામી મધ્યમ સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૫૦ ડૉલરની સપાટી સુધી પહોંચી શકે છે,પરંતુ તે પૂર્વે એકાદ નફારૂપી વેચવાલીના આંચકાથી રોકાણકારોને પ્રવેશવાની તક પણ મળશે.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે