વાંકાનેર નાગાબાવાના મેળામાં જલેબી-ભજિયાનો પ્રસાદ ધરાવાય છે…!
તસવીરની આરપાર – ભાટી એન.
“થાળ જલેબી ભજિયાનો ધરાવે છે રે… લેતા પ્રસાદ દુ:ખદર્દ દૂર થાય છે રે…
વાંકાનેર મચ્છુ નદી, પતાળિયો વોંકળાનાં સંગમ કિનારે વાંકાનેર સિટી વિ.સં. ૧૬૬૫માં હળવદના મહારાજા શ્રી પૃથ્વિરાજ સિંહના પાટવી કુમાર શ્રી સરતાનજીએ ગઢીયા ડુંગરમાં વસાવ્યું. તે વખતે ગઢીયા ડુંગરમાં સંતોની ત્રિપુટી એટલે ત્રણ સંતો રહેતા જેમાં ‘શાહબાવા’ જેના મચ્છુ નદીના કાંઠે મિનારા તથા દરગાહ છે. બીજા વનમાળીદાસ જેમની યાદી આજે વાંકાનેર તાલુકાના ‘ખીજડિયા’ ગામમાં છે. તે રામાનંદી (હિન્દુ) સાધુ હતા. ત્રીજા દરજનપુરી (અતીત) બાવાજી હતા તેમને સરતાનજી બાપુએ જીવાઈ માટે ગરાસ આપેલ પણ અત્યારે તેમનું ક્યાંય નામ નિશાન નથી. આ ત્રણેય ત્રિપુટી સંતોની હતી તે વખતે નાગાબાવા વાંકાનેર આવેલ કે રાજવખત સિંહ વિ. સં. ૧૮૯૫ના રોજ વાંકાનેરની ગાદી ઉપર બેઠાને તેમના વખતમાં ‘શ્રી નાગાબાવા’ બહારથી વાંકાનેર આવ્યાને તે અવધૂત દશામાં રહેતા હોવાથી તેનો જન્મ, ગામ કે જાત પૂછતા તેમના તરફથી કોઈને કોઈ જવાબ મળતો નહીં, પરંતુ રાજે તપાસ કરતા તેઓ રાજસ્થાનના રાજઘરાનાના ક્ષત્રિય હતા ને મહાન તપસ્વી વાંકાનેર જનતામાં ધર્મપ્રીય લાગતા તે પુજાવા લાગ્યાને તે સ્થાયી બન્યા. એક લોકવાયકા મુજબ દરજનપુરી પણ અવધૂત હતા પણ લોકો નાગાબાવા કહીને બોલાવતા તેવી લોકવાયકા છે કે વાંકાનેરની સ્થાપના કરવામાં નાગાબાવા-શાહબાવા-વનમાળીદાસની ત્રિપુટીએ વાંકાનેર વસાવાનું અહીં સૂચન કરેલ તે નાગાબાવા કે રાજવખતસિંહજીના સમયમાં આવેલ નાગાબાવા બન્ને અવધૂત હતા જેથી સ્પષ્ટતા પૂરી થતી નથી…! પણ નાગાબાવા વાંકાનેર રાજવી પરિવાર તેને ખૂબ જ માનતો આથી ‘રાજ્યગુરુ’નું સન્માન બિરૂદ આપેલ.
પ્રતિ વર્ષ શ્રાવણ વદી-૧૦ના દિવસે નાગાબાવાનો ભવ્યાતિભવ્ય મેળો ભરાય છે. આજે બુધવારે નાગાબાવાનો મેળો ભરાયેલ છે. ૩૦૦ વર્ષથી નાગાબાવાની સમાધિનો દિવસ યાદ રાખવા માટે દર વર્ષે મેળો ભરાય છે. હજારો નર-નારી અને બાળકો ટોળે ટોળા ‘નાગાબાવાના’ દર્શન કરવામાં આવે છે ને નોમની રાત્રે બાર વાગ્યે ભવ્ય આરતી થાય છે તેમાં પૂરીમાએ નાગાબાવા આપ અને રાજા વખતસિંહજી બાપુ મારે ત્યાં જમવા પધારોને જમીને મારા આંગણાને પવિત્ર કરો તેવો પુરીમાંનો અતિ આગ્રહ જોઈ મહારાજા તથા શ્રી નાગાબાવા બંને સાથે ‘પુરીમા’ને ત્યાં પધાર્યા. પુરીમાએ તેઓનું સન્માન કરી આભાર માન્યો ને પુરીમા પુછે છે કે નાગાજી આપ અને રાજા માટે શું રસોઈ બનાવું!? ત્યારે નાગાબાવાએ કહેલ કે આજે તો જલેબી અને ભજિયા બનાવો ત્યાં રાજ વખતસિંહજી પૂછે છે…!? નાગાબાવા જમવામાં ઘણી વસ્તુ છે તેમાં આપે જલેબી-ભજિયા જમવાનું કેમ પસંદ કર્યું ત્યારે નાગાબાવા કહે છે કે આ તો મારા ગુરુદેવનો આપેલ વચનનો પ્રસાદ છે માટે એ મને વધારે પસંદ છે. ત્યારે જલેબી-ભજિયા બનાવ્યા તે લઈને ગુરુજીને ધર્યા ને મહાત્મા તે જમી બહુ જ રાજી થયા…! અને કહેવા લાગ્યા કે આ જગ્યામાં કોઈ હવે જલેબી અને ભજિયા ધરશે તેને સુંદર બદલો મળશે ને આથી નોમની રાત્રીએ ભવ્ય આરતીમાં જેટલા મેળામાં જલેબી-ભજિયાનાં સ્ટોલવાળા પ્રસાદ રૂપે ધરે છે ને દસમના મેળામાં ખાસ ભજિયા જલેબી પ્રસાદ તરીકે જમે છે. જેથી તાવ-તરિયો આવતો નથી અને આરોગ્ય સારું રહે છે. વાંકાનેરમાં નાગાબાવાના ભવ્ય મંદિરમાં પૂર્ણ કદની કેશરી મૂર્તિ નાગાબાવાની છે અને મંદિરના મહંત ખુશાલગીરી ગોસ્વામી નિત્ય આરતી પૂજા કરે છે ને દશમનો મેળો એક ભિન્ન ધાર્મિક મેળામાં જલેબી-ભજિયાના સ્ટોલો નાખી તેનો પ્રસાદ તરીકે લેવા આવજો.
આલેખન તસવીર: ભાટી એન.