Asian Games 2023: રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ ઇતિહાસ રચ્યો, ટેનિસમાં ભારત માટે ગોલ્ડ જીત્યો
એશિયન ગેમ્સમાં વધુ એક ગોલ્ડ ભારતના ખાતામાં આવ્યો છે. રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ ટેનિસની મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ફાઈનલમાં તાઈપેઈની જોડીને 2-6, 6-3, 10-4થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડી ફાઈનલ મેચનો પ્રથમ સેટ હારી ગઈ હતી. જોકે, બીજા સેટમાં રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ શાનદાર પુનરાગમન કરી અને અંતે સુપર ટાઈ બ્રેકમાં મેચ જીતી લીધી.
રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની ભારતીય જોડીને પ્રથમ સેટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને તાઈપેઈની જોડીએ 6-2થી હાર આપી હતી. આ પછી, ભારતીય જોડીએ બીજા સેટમાં શાનદાર વાપસી કરી અને એન-શુઓ લિયાંગ અને ત્સુંગ-હાઓ હુઆંગની તાઈપેઈની જોડીને 10-4થી હરાવીને મેચ 1-1ની બરાબરી કરી. ત્યારપછી બંને વચ્ચેનો નિર્ણય સુપર ટાઈ બ્રેકમાં લેવામાં આવ્યો હતો, જેમાં રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ટેનિસની મિક્સ્ડ ડબલ્સમાં 10-4થી શાનદાર સ્કોર કરીને ઈતિહાસ રચ્યો હતો અને એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો હતો.
19મી એશિયન ગેમ્સમાં આ ભારતનો આ 9મો ગોલ્ડ મેડલ છે. આ ગોલ્ડ મેડલ સાથે, ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે, જેમાં 13 સિલ્વર અને 13 બ્રોન્ઝનો પણ સમાવેશ થાય છે. એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.
ભારતને શૂટિંગમાં સાતમા દિવસે પહેલો મેડલ મળ્યો. અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારતનું શૂટિંગમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. દિવસના પ્રથમ મેડલ વિશે વાત કરીએ તો, સરબજોત સિંહ અને દિવ્યાની જોડીએ 10 મીટર એર પિસ્તોલની મિશ્ર ટીમ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર જીત્યો હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ યજમાન ચીનની જોડીએ જીત્યો હતો.