આમચી મુંબઈમહારાષ્ટ્ર

હવાને કારણે પડી શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતન માટે ભારે પવનને જવાબદાર ગણાવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

સિંધુદુર્ગમાં શિવાજીની પ્રતિમા તૂટી પડવાની ઘટના પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમારી ભાવનાઓ તેમની (શિવાજી મહારાજ) સાથે જોડાયેલી છે. આપણે ભગવાનની જેમ તેની પૂજા કરીએ છીએ. તે કમનસીબ છે કે તોફાની પવનોને કારણે પ્રતિમા તૂટી પડી. અમારા પ્રધાન ત્યાં ગયા છે અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકાર પ્રતિમા તૂટી પડવાનું કારણ શોધીને તે જ જગ્યાએ પ્રતિમાને ફરીથી સ્થાપિત કરશે.

એ પ્રતિમા નેવીએ બાંધી હતી: ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે માલવણમાં તૂટી પડેલી છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા નેવી દ્વારા બાંધવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ કામમાં કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો નહોતો.

આ પણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજ યુગના ‘વાઘ-નખ’ને લંડનના મ્યુઝિયમમાંથી લાવ્યા અને હવે

તેમણે એમ પણ કહ્યું હતું કે ફેબ્રિકેશન અને ઊભારણી માટે જવાબદાર વ્યક્તિઓએ વાતાવરણ અને ખારી હવે વગેરે મુદ્દા પર ધ્યાન આપ્યું હતું કે નહીં તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે છત્રપતિ શિવાજી મહારાજની આના કરતાં મોટી પ્રતિમા તે જ સ્થળે સ્થાપિત કરવાનો નિર્ધાર કર્યો છે. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે એવી માહિતી પણ તેમણે આપી હતી.

રાજકારણ ન કરો: કેસરકર

મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન દીપક કેસરકરે મંગળવારે એવી અપીલ કરી હતી કે છત્રપતિ શિવાજી મહારાજના તૂટી પડેલી પ્રતિમા પર રાજકારણ ન કરવામાં આવે અને એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે આ જ સ્થળે 100 ફૂટ ઊંચી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે.

તેમણે કહ્યું હતું કે આખા વિશ્ર્વમાં છત્રપતિ શિવાજી મહારાજની સૌથી ઊંચી પ્રતિમા અરબી સમુદ્રમાં સ્થાપિત કરવામાં આવે ત્યાં સુધી માલવણમાં બાંધવામાં આવેલી પ્રતિમા વિશ્ર્વમાં સૌથી ઊંચી 100 ફૂટ ઊંચી હશે. આ અકસ્માતમાંથી કશું સારું બહાર આવશે.

એફઆઈઆર નોંધાયો

ભારતીય નૌકાદળે સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કારણનું વિશ્ર્લેષણ કરવા અને સમારકામ શરૂ કરવા માટે એક ટીમની પણ નિમણૂક કરી છે. આ કેસમાં સિંધુદુર્ગ પોલીસે કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ ક્ધસલ્ટન્ટ ચેતન પાટીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 110, 125, 318 અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધ્યો છે.

આ પણ વાંચો: જય શિવાજીઃ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની ધામધૂમથી ઉજવણી, સીએમે શું કર્યું?

ભારતીય નૌકાદળના એક નિવેદનને ટાંકીને એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાના કારણની તાત્કાલિક તપાસ કરવા અને પ્રતિમાના સમારકામ અને પુન:સ્થાપન માટે પગલાં લેવા માટે એક ટીમની નિમણૂક કરવામાં આવી છે.

રાજકીય ટીકા ચાલુ

છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકીય બયાનબાજી પણ ચાલુ છે. શિવસેના યુબીટીના સંસદસભ્ય સંજય રાઉતે આ પ્રકરણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું રાજીનામું માગ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે બાંધકામમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ઔરંગઝેબ અને મોગલોએ પણ શિવાજીનું આવું અપમાન ક્યારેય કર્યું નથી. રાઉતે વડા પ્રધાન મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પ્રતિમા તૂટી પડવા માટે જવાબદાર ઠેરવ્યા હતા.

તેમણે એવી પણ માગણી કરી હતી કે જાહેર બાંધકામ ખાતાના પ્રધાન રવીન્દ્ર ચવ્હાણની હકાલપટ્ટી કરવામાં આવે. ભ્રષ્ટાચારમાં છત્રપતિ શિવાજીને પણ છોડ્યા નથી.

આ પણ વાંચો: Maratha Military Landscapes: છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાને ‘વર્લ્ડ હેરિટેજ’માં સામેલ કરવામાં આવશે, સરકારે તૈયાર કરી યાદી

પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રશ્ર્નોની સૂચિ પોસ્ટ કરી અને લખ્યું હતું કે, કોણ કોન્ટ્રાક્ટર હતો? શું તે સાચું છે કે કામ થાણેના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું? કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાશે? કોન્ટ્રાક્ટરે ‘ઢોકે સરકાર’ને કેટલા ‘ઘોઘા’ આપ્યા?

આ ઘટનાને લઈને અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરાયેલ 35 ફૂટ શિવાજી પ્રતિમા આજે તૂટી પડી. આ મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળી ગુણવત્તા દર્શાવે છે. શિવાજી સમાનતા અને બિનસાંપ્રદાયિકતાના પ્રતીક હતા, તેમની પ્રતિમાનું પતન એ શિવાજીના વિઝન પ્રત્યે નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના અભાવનું ઉદાહરણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button