ઇન્ટરનેશનલનેશનલ

તો શું હવે યુદ્ધ અટકી જશે? યુક્રેન મુલાકાતથી પરત ફરેલા પીએમ મોદીએ ઘુમાવ્યો પુતિનને ફોન

યુક્રેનની તાજેતરની મુલાકાતથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓએ રશિયા-યુક્રેન સંઘર્ષ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ વાતચીતની માહિતી ખુદ પીએમ મોદીએ આપી છે. તેમણે રશિયન રાષ્ટ્રપતિ સાથે તેમની તાજેતરની યુક્રેનની મુલાકાતના અનુભવો શેર કર્યા હતા અને યુક્રેન સાથેના સંઘર્ષના વહેલા, સ્થાયી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

નોંધનીય છે કે પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાતે ગયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પીએમ મોદી પહેલીવાર યુક્રેન ગયા હતા. આ દરમિયાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી અને શાંતિ વાટાઘાટો દ્વારા સંઘર્ષનો અંત લાવવા જણાવ્યું હતું. પીએમ મોદીએ તેમની યુક્રેન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયાએ યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટોના ટેબલ પર આવવું જોઇએ અને વાતચીત દ્વારા સમસ્યાઓનું સમાધાન કરવું જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ યુક્રેન માટે યોજાનારા બીજા પીસ સમિટની યજમાની માટે ભારતના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. પીએમ મોદીના યુક્રેન પ્રવાસ દરમિયાન ઝેલેન્સકીએ પીએમ મોદી સમક્ષ પણ આ પ્રસ્તાવ મૂક્યો હતો. ઝેલેન્સ્કી ઇચ્છે છે કે ભારત શાંતિ શિખર મંત્રણાની યજમાની કરે. ઝેલેન્સકીનું આ નિવેદન રાજદ્વારી રીતે ઘણું મહત્વનું છે. જૂન મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડ ખાતે પ્રથમ યુક્રેન પીસ સમિટ યોજાઈ હતી, જેમાં 90થી વધુ દેશોએ ભાગ લીધો હતો.

એક દિવસ પહેલા જ એટલે કે સોમવારે પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમને યુક્રેન મુલાકાત વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત આ ક્ષેત્રમાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સ્થિરતા લાવવા માટે સંપૂર્ણ સહયોગ કરશે. તેમણે બાઇડેન સાથે બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી અને લઘુમતિઓ ખાસ કરીને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
હાલમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે પીએમ મોદી જુલાઈમાં રશિયાની મુલાકાત લેશે.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે