પીએમ મોદીમાં મને વિશ્વાસઃ ભાજપમાં જોડાયા પૂર્વે ચંપાઈ સોરેને આપી મોટી પ્રતિક્રિયા
રાંચીઃ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંપાઇ સોરેન ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ અંગે તેમણે આજે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર વિશ્વાસ છે.
તેમણે ભાજપમાં જોડાવાનું કારણ પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે પહેલા મેં વિચાર્યું હતું કે હું નિવૃત્ત થઈશ. પણ પછી લોકોની માગને કારણે મેં રાજકારણમાં રહેવાનું વિચાર્યું. મેં નવું સંગઠન બનાવવાનું વિચાર્યું, પરંતુ આ માટે બહુ ઓછો સમય છે. ઘણા વિચાર-વિમર્શ બાદ મારો વડાપ્રધાન અને ગૃહ પ્રધાન અમિત શાહમાં વિશ્વાસ વધી ગયો છે અને મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
મારો પુત્ર પણ મારી સાથે ભાજપમાં જોડાશે.
લગભગ એક મહિનાથી ચાલી રહેલી અટકળો વચ્ચે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને જળ સંસાધન પ્રધાન ચંપાઈ સોરેન સોમવારે મોડી રાત્રે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ બેઠક પછી, આસામના સીએમ અને ઝારખંડ ભાજપના વિધાનસભા ચૂંટણીના સહ-ઈન્ચાર્જ હિમંતા બિસવા સરમાએ હિમંતા બિસવા સરમાએ જાહેરાત કરી હતી કે ચંપાઇ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.
ચંપાઇ સોરેનના ભાજપમાં જોડાવાને શાસક ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ભાજપ તો આદિવાસી નેતાને પક્ષમાં સામેલ કરવા માટે ઉત્સાહિત છે. ભાજપની નજર ઝારખંડના આદિવાસી મતો પર છે. ઝારખંડમાં ટૂંક સમયમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ તેની પ્રચાર સભામાં પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનો ઉલ્લેખ કરી રહી છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
ઝારખંડની વસતી 3,29,88,134 છે, જેમાં આદિવાસીઓ (ST)ની સંખ્યા 86, 45,042 છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને અહીં ફટકો પડ્યો હતો. લોકસભાની 14માંથી 8 બેઠકો તેમણે જીતી હતી, પણ અનુસૂચિત જાતિ (ST)ની પાંચ અનામત બેઠકમાંથી તેઓ એકપણ જીતી શક્યા નહોતા. હવે આદિવાસી નેતા ચંપાઇ સોરેનના પક્ષમાં આવવાથી ભાજપ મજબૂત બનશે.
નોંધનીય છે કે જેએમએમના નેતા હેમંત સોરેનના રાજીનામા અને જેલવાસ દરમિયાન ચંપાઇ સોરેનને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જોકે, હેમંત સોરેન જેલમાંથી છૂટ્યા બાદ ચંપાઇ સોરેને રાજીનામું આપવું પડ્યું હતું અને હેમંત સોરેન પાછા મુખ્ય પ્રધાન બની ગયા હતા. આ વાત ચંપાઇ સોરેનને ભારે ખટકી હતી.
જેએમએમ અને કૉંગ્રેસે હેમંત સોરેનની ધરપકડને મુદ્દો બનાવ્યો છે અને તેઓ પ્રચાર કરી રહ્યા છે કે ભાજપને આદિવાસી નેતાઓ પસંદ નથી. એવા સમયે ચંપાઇ સોરેનને પક્ષમાં સામેલ કરીને ભાજપને ફાયદો જ થઇ ગયો છે.
Also Read –