નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં ED-CBIને હવે બીજો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે કવિતાને જામીન આપ્યા છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે AAPના સાંસદ મનીષ સિસોદિયાને પણ 18 મહિના બાદ જામીન પર મુક્ત કર્યા હતા.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં BRS નેતા અને MLA કવિતાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે. વી વિશ્વનાથનની બેન્ચમાં સુનાવણી થઈ હતી. સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કવિતા કથિત દારૂ કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત કરવા માટે કયા પુરાવા છે તે બતાવવા જણાવ્યું હતું. રૂ. 10 લાખના જામીન બોન્ડ પર જામીન આપતા સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોૌ પણ લાદી તી. કવિતાએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. તેમને પુરાવાઓ સાથે ચેડાં ના કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
અગાઉ જામીન અરજીનો વિરોધ કરતી વખતે તપાસ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે BRS નેતા કવિતાએ તેમના ફોનને ફોર્મેટ કર્યો હતો અને પુરાવા સાથે ચેડાં કર્યા હતા. કવિતાએ કોર્ટને જણાવ્યું હતું કે ફોનને ફોર્મેટ કરવાનો આરોપ બનાવટી છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓને પૂછ્યું હતું કે શું તેમની પાસે એવા કોઇ પુરાવા છે કે BRS નેતા ગુનામાં સંડોવાયેલા હતા.
આ પણ વાંચો : Liquor Scam: BRSનાં નેતા કે. કવિતાની જામીન અરજી અંગે આવતીકાલે નિર્ણય
કે કવિતા તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી છે. ED દ્વારા માર્ચ મહિનામાં મની લૉન્ડરિંગ કેસના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેના એક મહિના બાદ CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.