આપણું ગુજરાતઉત્તર ગુજરાત

માંડવીના ફરાદી-રામાણિયા વચ્ચેના કૉઝવે થાર જીપ સાથે બે તણાયા, એકે પકડ્યો બાવળ અને…

ભુજઃ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન પર સર્જાઇને આગળ વધી રહેલા હવાના હળવા દબાણને લઈને ગુજરાતમાં સર્વત્ર બારેમેઘ ખાંગા થયા છે ત્યારે કચ્છમાં પણ આફતનું એંધાણ આપતા દસથી બાર ઇંચ જેટલા પડેલા ભારે વરસાદના કારણે નદી-નાળા બેકાબૂ બનીને બેકાંઠે વહી રહ્યાં છે.

આ પણ વાંચો : કચ્છમાં પણ જળાષ્ટમીઃ નખત્રાણા, રાપરમાં ભારે વરસાદ

સાડા આઠ ઇંચ વરસાદથી ન્યાલ થયેલા બંદરીય માંડવી તાલુકાના ફરાદીથી રામાણિયા તરફ જતાં માર્ગ પરની પાપડી (કૉઝ-વે)ને પાર કરવાની લ્હાયમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયેલી મહિન્દ્રા થાર જીપ લગભગ બાર કલાકની ભારે શોધખોળ બાદ મળી આવી છે પણ જીપ સાથે તણાઈ ગયેલા યુવકનો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી અત્તોપતો મળ્યો નથી.

કોડાય પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જન્માષ્ટમીની મોડી સાંજના અરસામાં કૉઝ વે પરથી વહી રહેલા પાણીના પ્રચંડ વહેણને નજરઅંદાજ કરીને થાર ચાલકે પુલ પાર કરવા જીપને જાનના જોખમે વહેતા પાણીમાં નાખી દીધી હતી અને જોતજોતામાં એકઠા થયેલા લોકોની ચિચિયારીઓ વચ્ચે જીપ તણાઈ ગઈ હતી.

ગાડીમાં સવાર બે યુવકો પૈકી ભુજના અજિતસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજાના હાથમાં બાવળિયાની ડાળી આવી જતાં તે પકડીને લટકી ગયા હતા અને પાછળથી તેમને ગ્રામજનો અને કોડાય પોલીસે બચાવી લીધા હતા. જો કે, તેમની સાથે સવાર ભૂપેન્દ્રસિંહ જોરુભા રાઠોડ નામનો અન્ય યુવક ગાડી સમેત તણાઈ ગયો હતો. વીજળીના ડરામણા લિસોટા અને એકધારા વરસી રહેલા વરસાદ વચ્ચે આખી રાત પોલીસ, ગ્રામજનો અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે એનડીઆરએફની એક ટુકડીએ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ સફળતા મળી નહોતી.

આજે સવારના દસેક વાગ્યે તણાઈ ગયેલી થાર જીપ મળી આવી છે પરંતુ ભૂપેન્દ્રસિંહનો કોઈ અતોપત્તો ન મળ્યો હોવાનું કોડાય પોલીસે ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ઉફાન પર રહેલી નદીમાં લાપત્તા બનેલો ભૂપેન્દ્રસિંહ કચ્છના રાજપૂત આગેવાન અને રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરુભા ઊર્ફે જોરાવરસિંહ રાઠોડનો પુત્ર છે.

ઘટના અંગે જાણ થતાં મોટી સંખ્યામાં આગેવાનો તેમના ભુજસ્થિત નિવાસસ્થાને તથા ઘટનાસ્થળે દોડી ગયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

દરમિયાન કચ્છમાં હજુ ભારે વરસાદની આગાહી છે અને જનજીવન ક્યારે ઠેકાણે પડશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે