જસ્ટિન ટ્રુડોએ ભારતીયોને આપ્યો મોટો ઝાટકો, હવે કેનેડામાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ
ઓટાવાઃ કેનેડામાં ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને કારણે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની દેશભક્તિ અચાનક જાગી ઉઠી છે. તેમણે એક પછી એક મોટા નિર્ણયો લેવા માંડ્યા છે. તેમના 10-વર્ષના કાર્યકાળના છેલ્લા વર્ષમાં, તેમણે ઓછા પગારવાળી, અસ્થાયી નોકરીઓમાં કામ કરતા વિદેશીઓની સંખ્યામાં ઘટાડો કરવાની યોજના જાહેર કરી છે. નવા નિયમોમાં છ ટકા કે તેથી વધુના બેરોજગારી દર સાથેના શહેરોમાં ઓછા વેતનની નોકરીઓ માટે કામચલાઉ વિદેશી કામદારોની પરમિટ પર પ્રતિબંધ લાગુ કરવાનો સમાવેશ થાય છે.
નવા નિયમો હેઠળ, ઓછા વેતનની અસ્થાયી નોકરીઓ માટેની પરવાનગી બે વર્ષથી ઘટાડીને માત્ર એક વર્ષ કરવામાં આવશે. નવા અસ્થાયી વિદેશી કર્મચારીના નિયમો 26 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ નિર્ણયની જાહેરાત કરતા જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, હવે અમારા વ્યવસાયોમાં કેનેડિયન કામદારો અને યુવાનોને લેવાનો અને તેમને આર્થિક ટેકો આપવાનો સમય આવી ગયો છે.” ટ્રુડોના નિર્ણયની સીધી અસર ભારતીયોને થશે.
જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં કોન્ટ્રાક્ટ જોબ કરતા વિદેશીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાતને પગલે કેનેડામાં અભ્યાસ કરતી વખતે નાની નોકરી કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર અસર પડશે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. કેનેડામાં મોંઘવારીનો સામનો કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ બહારની નાની મોટી નોકરી કરતા હોય છે, જે હવે નહીં કરી શકે. નિષ્ણાતોએ એવી ચેતવણી પણ આપી છે કે ટ્રુડોના નિર્ણયથી ઇમિગ્રન્ટ્સ અને યુવાનોમાં બેરોજગારી વધશે.
ટ્રુડોનો આ નિર્ણય રાજકીય રીતે પ્રેરિત હોવાનું લોકો જણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ટ્રુડોની ઘણી ટીકા થઈ રહી છે. યુઝર્સ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ઘણા કેનેડિયન યુઝર્સે તેમને કેનેડાના ઈતિહાસના સૌથી ખરાબ વડાપ્રધાન ગણાવ્યા છે.