Gujarat ને મેધરાજાએ ઘમરોળ્યું, 24 કલાકમાં 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સોમવાર જન્માષ્ટમીના રોજ મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં 13.88 ઈંચ નોંધાયો હતો. તેમજ રાજ્યના 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં 11 ઈંચથી વધુ
ગુજરાતમાં આજે મંગળવારે સવાર છ વાગ્યા સુધીના 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસયો હતો. જેમાં રાજ્યના 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મોરબીના ટંકારામાં સૌથી વધુ 13.88 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પંચમહાલના મોરવા હડફમાં 13.84 ઇંચ, ખેડાના નડિયાદમાં 13.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મોરબીના વાંકાનેર, આણંદના તારાપુર, ગોધરા, ખંભાત, પાદરા, આણંદ, વડોદરા, બોરસદમાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો : કચ્છમાં પણ જળાષ્ટમીઃ નખત્રાણા, રાપરમાં ભારે વરસાદ
10 ઇંચ જેટલો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેડાના વસો અને આણંદના સોજીત્રામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં ધોળકા, મેઘરજ, મહુવા, મહેમદાવાદ, સંતરામપુર, શેરા, કાલાવાડ, ગળતેશ્વર, ખંભાળિયા, રાજકોટ, પેટલાદ, નખત્રાણા, મોરબી, બાલાશિનોર, માંડવીમાં નવ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં 9.16 ઇંચ, સુરતમાં એક ઇંચથી વધુ (29 મિમી) વરસાદ નોંધાયો હતો. જ્યારે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં મોડી રાતે વરસાદ
ગઈકાલે અમદાવાદમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. આજે સવારે પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે રાજ્યને ઘમરોળશે. તેમાં આણંદ, ખેડામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે.
આ પણ વાંચો : રાજકોટમાં ભારે વરસાદઃ ફાયર વિભાગના ૨૪૦થી વધુ કર્મચારી ખડેપગે
મોરબીનો મચ્છુ-2 ડેમ 70 ટકા ભરાયો
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 24 કલાક કરતા વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબીના જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. મોરબીના મચ્છુ -2 ડેમની 33 ફૂટની ઊંચાઈની સામે હાલમાં મચ્છુ-2 ડેમમાં 27.92 ફૂટ પાણી ભરાયું છે અને ડેમના કેચમેટ વિસ્તાર તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. હાલમાં 13,638 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેથી કરીને કુલ મળીને 3104 mcft જળ જથ્થાની ક્ષમતા ધરાવતા આ ડેમમાં 2171 mcft પાણી ભરાયું છે.