તરોતાઝા

જીવ-બ્રહ્મની એકતા (અદ્વૈત) તે ઉપનિષદોને અભિપ્રેત સર્વોચ્ચ જ્ઞાન

યોગ મટાડે મનના રોગ

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
૫. જ્ઞાનપરક ધ્યાનપદ્ધતિઓ:
જ્ઞાનયોગનો પ્રધાન સિદ્ધાંત છે- અદ્વૈત. જીવ અને બ્રહ્મ તત્ત્વત: એક જ છે. સાધક અને સાધ્ય વસ્તુત: એક જ છે. આપણે જેને પામવા ઝંખીએ છીએ તે તો આપણું સ્વરૂપ છે. માત્ર અજ્ઞાનને કારણે – અવિદ્યાને કારણે દ્વૈત ભાસે છે. તેથી દ્વૈતનું નિરાકરણ અને અદ્વૈતની સિદ્ધિ જ્ઞાનયોગનું પરમ અભીષ્ટ છે. આ અભીષ્ટની સિદ્ધિ માટે જ્ઞાનપથમાં પણ અનેકવિધ ધ્યાનપદ્ધતિઓ યોજવામાં આવી છે.

(૧) નિદિધ્યાસન:
શ્રવણ, મનન અને નિદિધ્યાસન વેદાંતનો અર્થાત્ વેદાંતપ્રણીત જ્ઞાનપથનો રાજમાર્ગ છે.
સાધનચતુષ્ટયસંપન્ન સાધક બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય ગુરુના મુખેથી ઉપનિષદોનું શ્રવણ કરે તેને વેદાંતમાં ‘શ્રવણ’ કહે છે. શ્રવણ દ્વારા સાધકની બુદ્ધિમાં એવો નિશ્ર્ચય થવો જોઇએ કે ઉપનિષદોનું તાત્પર્ય અદ્વવબ્રહ્મમાં અર્થાત્ જીવ-બ્રહ્મની એકતામાં છે.

મનન એટલે ચિંતન શ્રવણ કરેલ વસ્તુ ‘અદ્ધવબ્રહ્મ’નું વેદાંતને અનુરૂપ યુક્તિઓ દ્વારા અનવરત ચિંતન કરવું તે મનન છે.
ઉપનિષદોના મંત્રોની પરસ્પર સંગતિ બેસાડવી અને જીવ-બ્રહ્મની એકતા વિશે ચિત્તમાં કોઇ સંશય રહી ગયો હોય તો તેનું નિરાકરણ થાય તે મનનો હેતુ છે.

“વિજાતીય શરીરાદિ વિશે જે વૃત્તિઓ જાગે છે. તેના ત્યાગપૂર્વક સજાતીય બ્રહ્માકાર વૃત્તિઓનો અખંડ પ્રવાહ વહેવો તેને વિદિધ્યાસન કહે છે.
સરળ સ્વરૂપે કહીએ તો નિદિધ્યાસન એટલે આત્માકાર-વૃત્તિનો અભ્યાસ.

આપણાં ચિત્તમાં અનેકવિધ વૃત્તિઓ સતત ચાલ્યા કરતી હોય છે. શરીર, સંસાર, ઇન્દ્રિયોના વિષયો આદિ વિશે આ વૃત્તિઓ હોય છે. આ બધાં તત્ત્વો પોતાના નિજસ્વરૂપથી વિજાતીય છે. તે બધા અનાત્મા હોવાથી આત્માને વિજાતીય છે. આત્માકાર-વૃત્તિથી અન્ય સર્વ વૃત્તિઓ વિજાતીય વૃત્તિઓ છે. વેદાંતનાં શ્રવણ અને મનનના પર્યાપ્ત અભ્યાસથી ચિત્તમાં આત્માકાર-વૃત્તિની યોગ્યતાનું નિર્માણ થાય છે. આ આત્માકાર-વૃત્તિ જ સજાતીય વૃત્તિ છે. વિજાતીય વૃત્તિના ત્યાગપૂર્વક સજાતીય વૃત્તિઓનો પ્રવાહ અખંડ સ્વરૂપે વહ્યા કરે તેને નિદિધ્યાસન કહે છે. નિદિધ્યાસન વેદાંતમતની ધ્યાનસાધના છે. નિદિધ્યાસન દ્વારા સાધક આત્મપ્રાપ્તિની દિશામાં ઝડપથી ગતિ કરે છે અને આતમગઢમાં સડસડાટ પ્રવેશ કરે છે.

(૨) બ્રહ્મવિચાર :
‘તત્ત્વમસિ’, ‘અહં બ્રહ્માસ્મિ’, ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’, ‘અયમાત્મા બ્રહ્મ’ -આ ચાર મહાવાક્યો ઉપનિષદોનો સારભાગ છે. ઉપનિષદોનું સર્વોત્કૃષ્ટ જ્ઞાન આ ચાર મહાવાક્યોમાં વ્યક્ત થયું છે. જીવ-બ્રહ્મની એકતા (અદ્વૈત) તે ઉપનિષદોને અભિપ્રેત સર્વોચ્ચ જ્ઞાન છે. મહાવાક્યો દ્વારા જીવ-બ્રહ્મની એકતા સિદ્ધ થાય છે.

‘ત્વં’ પદના શોધન દ્વારા પ્રત્યગાત્મા (કૂટસ્થ) સિદ્ધ થાય છે. ‘તત્’ પદના શોધન દ્વારા ‘બ્રહ્મ’ સિદ્ધ થાય છે. ‘ત્વં’ પદ અને ‘તત્’ પદની એકતા દ્વારા કૂટસ્થ અને બ્રહ્મની એકતા સિદ્ધ થાય છે.
જીવ અને બ્રહ્મનાં સ્વરૂપમાં જે ભેદ જણાય છે તેની બાધક યુક્તિઓ અને તેમના અભેદની સાધક યુક્તિઓ દ્વારા તેમના અભેદનું ચિતન કરવું જોઇએ. આ અભેદચિંતનમાંથી બ્રહ્માકારવૃત્તિનો અખંડ પ્રવાહ જન્મે છે. આને જ બ્રહ્મવિચાર કે મહાવાક્યજન્ય પ્રજ્ઞા પણ કહે છે. આ બ્રહ્મવિચાર અદ્ધૈતસિદ્ધિનું મહાદ્વાર છે.

નિદિધ્યાસન અને બ્રહ્મવિચાર વચ્ચે ચાર ભેદ છે:
(૧) નિદિધ્યાસનમાં દ્રષ્ટા-દ્રષ્ટા, દ્રષ્ટા-દ્શ્ય, દ્રષ્ટા-બ્રહ્મ વચ્ચેનો ભેદ રહે છે. બ્રહ્મવિચારમાં સંપૂર્ણ અદ્વૈત સિદ્ધ થાય છે.
(૨) નિદિધ્યાસન આવત્યમાન છે, અર્થાત્ અભ્યાસ-સ્વરૂપ છે. બ્રહ્મવિચાર અજ્ઞાનનિવર્તક છે અને અજ્ઞાનને નિવૃત્ત કરીને સ્વયં પણ નિવૃત્ત થાય છે, તેથી બ્રહ્મવિચાર આવર્ત્યમાન નથી પણ નિવર્તક છે.
(૩) નિદિધ્યાસન અદ્વૈતસિદ્ધિનું અંતરંગ સાધન છે. બ્રહ્મવિચાર અદ્ધૈતસિદ્ધિનું સાક્ષાત્ સાધન છે.
(૪) મહાવાક્યજન્ય પ્રજ્ઞા અર્થાત્ બ્રહ્માકારવૃત્તિ અર્થાત્ બ્રહ્મવિચાર નિદિધ્યાસન પછીનું તેનાથી ઉચ્ચતર સાધન છે.
બ્રહ્મવિચાર એટલે જીવ-બ્રહ્મની એકતાનું ચિંતન. મહાવાક્યવિવેકને પરિણામે જીવબ્રહ્મની એકતા સિદ્ધ થાય છે. તેમાંથી બ્રહ્મવિચાર નિષ્પન્ન થાય છે. હું બ્રહ્મ છું અને બ્રહ્મ સિવાય બીજું કોઇ તત્ત્વ જ નથી- આ બ્રહ્મવિચારનો પાયો છે.

પરિશુદ્ધ ચિત્તમાં કોઇ નિશ્ર્ચય વિવેકપૂર્વક દઢીભૂત થાય એટલે તેને પરિણામે ચિત્તમાં તજજન્ય વિચારધારા પણ ઉત્પન્ન થાય જ છે. હું બ્રહ્મ છું અને મુજ – બ્રહ્મ સિવાય અહીં બીજું કોઇ તત્ત્વ નથી. આ સ્વરૂપના વિવેકમાંથી બ્રહ્મવિચાર જન્મે છે. આ બ્રહ્મવિચાર વેદાંતનું સર્વોચ્ચ સાધન છે. આ બ્રહ્મવિચારના પ્રકાશથી અવિદ્યારૂપી અંધકારનું વિસર્જન થાય છે. અખંડ બ્રહ્મવિચારથી આવરણભંગની ઘટના ઘટે છે. બ્રહ્મવિચાર બ્રાહ્મી સ્થિતિમાં પર્વવસાન પામે છે. આ બ્રાહ્મી સ્થિતિ તે જ અદ્વૈતસિદ્ધિ અને તે જ બ્રહ્મજ્ઞાન છે, તે જ મુક્તિ છે.

(૩) અહંગ્રહોપાસના :
ઉપાસક પોતાના ઉપાસ્યનું અભેદભાવે ચિંતન કરે તે સ્વરૂપની ઉપાસનાને અહંગ્રહોપાસના કહે છે. વેદાંતપથનો સાધક બ્રહ્મને ઉપાસ્ય ગણે છે, અર્થાત્ લક્ષ્ય કે ધ્યેય ગણે છે; પરંતુ પોતાની અને બ્રહ્મની વચ્ચે ઉપાસક-ઉપાસ્યનો ભેદ રાખવાને બદલે પોતે જ ઉપાસ્ય અર્થાત્ બ્રહ્મ છે, તે સ્વરૂપનું ચિંતન કરે છે. ચિંતનના આ સ્વરૂપને અહંગ્રહોપાસના કહેવામાં આવે છે.

વેદાંતદર્શન અને સાધનપથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ઉપાસક અને ઉપાસ્ય વચ્ચે પ્રથમથી જ પૂર્ણ અદ્ધૈત માનવામાં આવે છે. ઉપાસક અને ઉપાસ્ય વચ્ચે ત્રિકાળમાં પણ કોઇ પ્રકારનો ભેદ નથી. માત્ર અવિદ્યાને કારણે ભેદ ભાસે છે. આ અભાસી દ્વૈતનો ત્યાગ કરવા સિવાય બીજું કશું કરવાનું નથી. આ આભાસી દ્ધૈતમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે -અદ્ધૈતનું ચિંતન, અહંગ્રહોપાસના અદ્વૈત- ચિંતનનો જ એક પ્રકાર કે સ્વરૂપ છે.

વેદાંતદર્શન પ્રમાણે આપણે જે બનવા ઇચ્છીએ છીએ તે તો આપણે પહેલેથી જ છીએ. આપણે જ્યાં પહોંચવા ઇચ્છીએ છીએ ત્યાં જ આપણે છીએ. આપણે જે પામવા ઇચ્છીએ તે તો પ્રાપ્ત જ છે. પ્રાપ્ત જ છે તેની અપ્રાપ્તિના ભ્રમમાંથી મુક્ત થવાનું છે. તે પ્રાપ્ત જ છે, તેના તરફ આંખ ખોલીને જોવાનું જ છે.

અહંગ્રહોપાસના એટલે મારે બ્રહ્માની પ્રાપ્તિ કરવાની નથી, મારે બ્રહ્મ બનવાનું નથી. પરંતુ હું બ્રહ્મ છું જ.

પરિચ્છિન્ન અહં પોતાને અપરિચ્છિન્ન બ્રહ્મસ્વરૂપે ચિંતવે છે અને ચિંતન દ્વારા દ્વૈતના ભ્રમમાંથી મુક્ત થાય છે. સાધક બ્રહ્મી સ્થિતિમાં પ્રતિષ્ઠિત થાય છે. કારણ કે તે બ્રહ્મ જ છે. આ અહંગ્રહોપાસના છે. સ્વામી શ્રી રામતીર્થ આ અહંગ્રહોપાસનાના ઉપાસક હતા.

(૪) સાક્ષીભાવ :
ચિત્તમાં જે વિચારો આવે છે અને જાય છે. તેમનું સાક્ષીભાવે દર્શન કરવું તે સાક્ષીભાવની ધ્યાનસાધના છે. સામાન્યત: આપણે ચિત્તની વિચારધારા સાથે રાગદ્વેષથી જોડાયેલા હોઇએ છીએ અને વિચારો સાથે આપણું તાદાત્મ્ય જોડાઇ જાય છે. વિચારોના પ્રવાહમાં આપણે ખેંચાઇ જઇએ છીએ. વિચારોના પ્રવાહ સાથેનું આપણું તાદાત્મ્ય તોડવામાં આવે અને સાક્ષીભાવે વિચારોનું માત્ર નિરીક્ષણ કરવામાં આવે તો બહુ જ થોડી વારમાં વિચારોનો પ્રવાહ બંધ પડી જાય છે, કારણ કે આપણા તાદાત્મ્ય વિના વિચારોની ધારા ચાલુ રહી શકે નહીં. વિચારો શરમાળ પક્ષીઓ જેવા છે. જો આપણે વિચારોની સામે જોઇએ તો તેઓ તરત ઊડી જાય છે. સાક્ષીભાવના પ્રકાશમાં વિચારો જીવી શકે તેમ નથી. કારણકે વિચારો અંધકારની સેના છે. સાક્ષીભાવે વિચારોનું નિરીક્ષણ તે વિચારોની શૃંખલામાંથી મુક્ત થવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button