એકસ્ટ્રા અફેર

મોદીના હનુમાન ચિરાગ વિભીષણ બનવાની દિશામાં?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી તથા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાન જે રીતે એક પછી એક મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ વલણ લઈ રહ્યા છે એ જોતાં ફરી ભાજપનું ટેન્શન વધી ગયું છે. ચિરાગ પાસવાને એસસી, એસટી અનામતમાં પેટા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને ટેકો આપેલો. એ પછી યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રીથી ભરતીની જાહેરાત કરાઈ તેમાં પણ અનામત ના રખાઈ તેની સામે ચિરાગે ખુલ્લો વિરોધ કરેલો ને હવે ચિરાગ પાસવાને જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી મુદ્દે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના સૂરમાં સૂર પૂરાવ્યો છે.

ભાજપ જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીની બિલકુલ વિરુદ્ધ છે ત્યારે ચિરાગ પાસવાને ભાજપથી સાવ સામા છેડાનું વલણ અપનાવીને કહ્યું છે કે, અમારો પક્ષ ઈચ્છે છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે કેમ કે દેશમાં પછાત વર્ગના વિકાસ માટે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી જરૂરી છે. રવિવારે રાંચીમાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ચિરાગ પાસવાનને ફરી એકવાર લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા.

ચિરાગ પાસવાને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે ભાજપથી સાવ જ જુદો સૂર કાઢતાં કહ્યું કે, જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીના મુદ્દે અમારી સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે. અમે ઈચ્છીએ છીએ કે જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવામાં આવે કેમ કે રાજ્ય સરકારો અને કેન્દ્ર જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે પણ આ યોજનાનો લાભ કોને મળશે તેનો ડેટા જ નથી હોતો. સરકાર પાસે જ્ઞાતિ આધારિત વસ્તીની માહિતી હોવી જરૂરી છે કે જેથી દરેક જ્ઞાતિના લોકોને લગતી યોજના બનાવીને સપ્રમાણ અને યોગ્ય માત્રામાં બજેટ ફાળવી શકાય.

ચિરાગ પાસવાને મહિના પહેલાં પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને સમર્થન આપ્યું હતું. ચિરાગે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના ડેટાને જાહેર કરવાનો વિરોધ કર્યો હતો પણ જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીની તરફેણ કરી હતી. જેડીયુ સહિતના એનડીએના બીજા પક્ષોએ પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને સમર્થન આપ્યું છે પણ ભાજપ તેની વિરુધ્ધ છે.

ચિરાગ પાસવાનને વલણે ભાજપની હાલત કફોડી કરી નાંખી છે કેમ કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સતત જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીની માગ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ અને અખિલેશે આ મુદ્દાને ચગાવ્યો હતો જ્યારે ભાજપ મૌન હતો પણ ભાજપ પહેલાં જ જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીની માગને ફગાવી ચૂક્યો છે. હવે ચિરાગ પણ રાહુલ અને અખિલેશની ભાષા બોલવા માંડતાં ભાજપની હાલત બગડી છે કેમ કે નીતીશકુમાર પણ જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીની તરફેણમાં છે.

બિહારમાં નીતીશકુમાર લાલુ પ્રસાદ યાદવની આરજેડી સાથે હતા ત્યારે તેમણે પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. એ વખતે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી પાસે સ્પષ્ટ બહુમતી હતી એટલે એ કોઈની વાત સાંભળતા નહોતા તેથી નીતીશ આણિ મંડળીની વાતને ગણકારી નહોતી પણ હવે સ્થિતિ અલગ છે. અત્યારે લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી તેથી સાથી પક્ષોની વાત ભાજપે જખ મારીને સાંભળવી પડે છે અને માનવી પણ પ઼ડે છે.

નીતીશ તો આ મુદ્દે સ્પષ્ટ છે જ પણ હવે ચિરાગે પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માગને સમર્થન આપતાં ભાજપ બરાબરનો ભેરવાયો છે. ભાજપ સાથી પક્ષોને અવગણી શકે તેમ નથી ને તેમને રાજી રાખવા માટે જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીની માગ સ્વીકારે તો રાહુલ ગાંધી અને અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓની માગ સામે ઝૂકવું પડ્યું એવું લાગે. સાથી પક્ષોને રાજી રાખવા માટે ભાજપ ઝૂકે તેનો જશ કૉંગ્રેસ અને સપા લઈ જાય તેથી ભાજપને બરાબરનો બંબૂ લાગ્યો છે.

મોદી સરકાર હવે શું કરશે એ ખબર નથી પણ ચિરાગ પાસવાનના તેવર જોયા પછી ઘણાંને લાગે છે કે, ચિરાગ ધીરે ધરે આવતા વરસના નવેમ્બરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપથી નોખા થવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. ચિરાગ ભાજપને બાજુ પર મૂકીને તેજસ્વી યાદવ અને કૉંગ્રેસ સાથે હાથ મિલાવી લેવાની ફિરાકમાં છે.

આ પહેલાં ચિરાગ પાસવાને લેટરલ એન્ટ્રી મુદ્દે પણ સરકારના વિરોધમાં જઈને વિપક્ષના સૂરમાં સૂર મિલાવ્યો હતો. ચિરાગે સાફ શબ્દોમાં યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રીથી ભરતીની આકરી ટીકા કરી હતી. ભાજપથી અલગ અભિપ્રાય વ્યક્ત કરતા ચિરાગે કહ્યું હતું કે, લેટરલ એન્ટ્રીથી ભરતી અનામતના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. સરકારી નોકરીમાં અનામતની જોગવાઈની અવગણના ન જ થવી જોઈએ. એ પછી અનુસૂચિત જાતિ (એસસી)અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં ક્રિમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું ત્યારે પણ ચિરાગ પાસવાને આ બંધને સમર્થન આપ્યું હતું. ‘ભારત બંધ’ને કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષોએ સમર્થન આપ્યું હતું ત્યારે ચિરાગ પણ ભાજપની સાથે ઉભા રહેવાના બદલે વિપક્ષો સાથે ઉભા રહ્યા હતા.

ચિરાગનાં આ લક્ષણો જોતાં એ ભાજપ સાથે ઝાઝો સમય રહેશે નહીં એવું લાગે છે. એક સમયે પોતાને મોદીના હનુમાન ગણાવનારા ચિરાગ પાસવાનને કદાચ હવે મોદીમાં રામ નથી દેખાતા એટલે વિભીષણ બનવાની ફિરાકમાં હોય એવું લાગે છે.

ચિરાગ મોદીને છોડીને તેજસ્વી યાદવની પંગતમાં બેસે તો નવાઈ નહીં લાગે કેમ કે ચિરાગને આ મહારત વારસામાં મળી છે. ચિરાગના પિતા રામવિલાસ પાસવાનને રાજકીય વિશ્ર્લેષકો મજાકમાં મૌસમ વિજ્ઞાની કહેતા. વિશ્ર્વનાથ પ્રતાપસિંહથી નરેન્દ્ર મોદી સુધીના મોટા ભાગના વડા પ્રધાનોની કેબિનેટમાં પાસવાન સિફતથી ગોઠવાઈ ગયેલા.

વી.પી. સિંહ પછી દેવ ગૌડા અને આઈ.કે. ગુજરાલના નેતૃત્ત્વ હેઠળની ત્રીજા મોરચાની બંને સરકારોમાં પાસવાન કેબિનેટ પ્રધાન હતા. ત્રીજા મોરચાનું અચ્યુતમ કેશવમ્ થઈ ગયું પછી એ સિફતથી અટલ બિહારી વાજપેયી સાથે ગોઠવાઈ ગયેલા. વાજપેયીનાં વળતાં પાણી થયાં પછી મનમોહનસિંહની સરકાર આવી ત્યારે પાસવાન તેમની પંગતમા ગોઠવાઈ ગયેલા. કૉંગ્રેસનાં વળતાં પાણી થયાં ને મોદીનો ઉદય થયો એટલે મોદીની પંગતમાં બેસી ગયા. પાસવાને એ રીતે છેલ્લા ત્રણ દાયકામાં નરસિંહરાવ અને ચંદ્રશેખરને બાદ કરતાં બધા વડા પ્રધાનોના પ્રધાનમંડળમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે કામ કર્યું. પાસવાનમાં રાજકીય પવન જોઈને સઢ બદલવાની ગજબની તાકાત હતી. આ કારણે પાસવાન ખરા તાકડે જ સાથીઓ બદલી નાંખતા ને સત્તામાં ગોઠવાઈ જતા. ચિરાગ રામવિલાસનો દીકરો છે ને મોરનાં ઈંડાંને ચિતરવાં ના પડે એ હિસાબે ચિરાગને પણ કશું શીખવવું ના પડે.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…