નેશનલ

બેઠકોની વહેંચણી પર મતભેદ: કોંગ્રેસ-એનસીના નેતાઓ વચ્ચે વિચાર-વિમર્શ થશે

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ માટે બેઠકોની વહેંચણીમાં થયેલા મતભેદોને દૂર કરવા માટે કૉંગ્રેસના સિનિયર નેતાઓ સોમવારે અહીં આવી પહોંચ્યા હતા અને તેઓ નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતાઓ સાથે વિચાર-વિમર્શ કરશે.

પાર્ટીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ, સલમાન ખુરશીદ અને જમ્મુ-કાશ્મીરના ઈન-ચાર્જ ભરત સોલંકી સહિતના કૉંગ્રેસી નેતા ગુપકાર વિસ્તારમાં આવેલા એનસીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાના નિવાસસ્થાને બેઠકોની વહેંચણી પર ચર્ચા કરવા માટે પહોંચ્યા હતા, એવી માહિતી બંને પક્ષના નેતાઓ દ્વારા આપવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે પાર્ટીના સ્થાનિક નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણીને મુદ્દે મતભેદ ઊભા થયા બાદ આ બેઠક આવશ્યક હતી. નેતાઓએ એવો દાવો કર્યો હતો કે બેઠકોની વહેંચણી પર બંને પક્ષો મોટા ભાગના મુદ્દાઓ પર સહમત છે.
કૉંગ્રેસના કેન્દ્રીય નેતાઓ અમારા નેતાઓને મળીને ગઠબંધન અંગે ચજર્ચા કરશે. કેટલાક મુદ્દાઓ પર કેટલીક સ્પષ્ટતા કરવી આવશ્યક છે. તે આ ચર્ચામાં કરી નાખવામાં આવશે એમ એનસીના કાશ્મીરના પ્રાદેશિક અધ્યક્ષ નાસિર અસલમ વાણીએ અબ્દુલ્લાના નિવાસ સ્થાનની બહાર જણાવ્યું હતું.


બંને પાર્ટીએ ચૂંટણી સાથે મળીને લડવા પર એકમત સાધી લીધો છે, પરંતુ આમાં બીજા અનેક મુદ્દાઓ છે, જેમાં પાર્ટીના ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓનો પણ સમાવેશ થાય છે. અમારે ચોક્કસ બેઠકો પર પાર્ટીની તાકાતને પણ ધ્યાનમાં લેવી પડે છે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : Congress અને AAPના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ
અમને ખબર હતી કે ચૂંટણી થવાની છે, એટલે આ બધા મુદ્દાઓ પર પહેલાં જ નિર્ણયો લેવાઈ ગયા છે, એમ પણ તેમણે કહ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો પર ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે મતદાન કરવામાં આવશે, જ્યારે ચોથી ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. 
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button