અકાસા એરની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, વારાણસી એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

મુંબઈ/વારાણસી: મુંબઈથી ઉડાન ભરી રહેલા આકાસા એરલાઈનના એક વિમાને બોમ્બની ધમકીનો સંદેશ મળતાં તેનું વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, એવી એરલાઇન કંપનીના પ્રવક્તાએ જાણકારી આપી હતી.
એરલાઈન્સના જણાવ્યા અનુસાર, પ્લેનમાં 166 લોકો સવાર હતા. જેમાં 159 મુસાફરો, એક નવજાત શીશુ અને છ ક્રૂ મેમ્બર સામેલ હતા. આ ઘટના અંગે માહિતી આપતા એરલાઈને કહ્યું હતું કે ફ્લાઈટ નંબર QP 1498ના કેપ્ટનને વારાણસી એર ટ્રાફિક કંટ્રોલર તરફથી ઈમરજન્સી એલર્ટ મળ્યો હતો. ત્યાર બાદ તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરીને એરક્રાફ્ટને વારાણસીમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.
પ્રવક્તાએ કહ્યું, “શુક્રવારે સવારે 11.30 વાગ્યે, અકાસા એરને સોશિયલ મીડિયા પર વિમાનમાં બોમ્બ હોવાનો સંદેશ મળ્યો હતો.” અમે મુંબઈની સ્થાનિક પોલીસને આની જાણ કરી હતી અને એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે એરલાઈને તમામ 16 એરપોર્ટને બોમ્બની ધમકી વિશે જાણ કરી હતી જ્યાંથી તેની ફ્લાઈટ્સ ચાલે છે.
એરક્રાફ્ટ અલગ રનવે પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું અને મુસાફરોને તરત જ નીચે ઉતારવામાં આવ્યા હતા. CISFના જવાનોએ લગભગ એક કલાક સુધી વિમાનની સઘન શોધખોળ હાથ ધરી હતી. જોકે, ચેકિંગ દરમિયાન કંઈ મળ્યું ન હતું. વારાણસી એરપોર્ટના ડાયરેક્ટર પુનિત ગુપ્તાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ સુરક્ષા તપાસ બાદ કંઈ વાંધાજનક મળ્યું ન હતું અને પ્લેનને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.
“અકાસા એર ફ્લાઇટ QP 1498, 29 સપ્ટેમ્બર, 2023 ના રોજ મુંબઈથી વારાણસી માટે ઉડાન ભરવાની હતી, તેને એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ઇમરજન્સીની ચેતવણી મળી,” એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું. કેપ્ટને તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું અને તેને સુરક્ષિત રીતે વારાણસીમાં લેન્ડ કરાવ્યું હતું.