આમચી મુંબઈ

રાજ્યમાં મહિલા અત્યાચારોમાં વધારા છતાં અમૃતા ફડણવીસ મહિલાઓને બંદૂકો આપવાના વિરોધમાં

શિંદે જૂથના નેતા નાનકરામ નેભનાનીએ અમરાવતીમાં મહિલાઓને સ્વરક્ષણ માટે સ્વખર્ચે બંદૂક આપવાની તૈયારી દાખવી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બદલાપુરમાં સગીર છોકરીઓના જાતીય શોષણની તાજેતરની ઘટનાને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં આક્રોશ ફેલાયો છે. એક તરફ આરોપીઓને કડક સજાની માગણીને લઈને લોકો આક્રમક બન્યા છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટેના પગલાંનો મુદ્દો પણ એરણે ચડ્યો છે. આ બધાની વચ્ચે શિંદે જૂથના એક નેતાએ મહિલાઓને સ્વરક્ષણ માટે રિવોલ્વર આપવાની સીધી માગણી કર્યા પછી રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે તેનો વિરોધ કરતાં હવે આ મુદ્દે વધુ વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. આ પહેલાં પણ અનેક વખત અમૃતા ફડણવીસના નિવેદનો અને કામ દેવેન્દ્ર ફડણવીસ માટે સમસ્યા નિર્માણ કરી ચૂક્યા છે એમ આ વખતે પણ નવી સમસ્યા નિર્માણ થાય છે કે નહીં તે જોવાનું રહેશે.

અમરાવતીમાં શું માગણી કરાઈ હતી?
અમરાવતીમાં શિંદે જૂથના વરિષ્ઠ નેતા મૂર્તિજાપુરના ભૂતપૂર્વ મેયર નાનકરામ નેભનાનીએ સમસ્ત હિન્દુ સમુદાય દ્વારા અમરાવતીમાં આયોજિત એક પદયાત્રામાં અત્યંત વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે એવી માગણી કરી હતી કે મહિલાઓને સ્વબચાવ માટે બંદૂકો આપવામાં આવે. આનાથી આગળ વધીને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે સ્વરક્ષણ દરમિયાન કેટલાક સારા લોકોનું મૃત્યુ થઈ જાય તો પણ વાંધો નહીં. હવે તેમના આ નિવેદન પર વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે.

આ પણ વાંચો : બદલાપુરના બનાવે દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે: શરદ પવાર

હું બહેનોને મારી તરફથી બંદુક આપીશ: નેભનાની
નાનકરામ નેભનાનીએ પદયાત્રા દરમિયાન પોતાના ભાષણમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુ ધર્મીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોક્કસપણે તેની સામે કડક પગલાં લેશે. રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ કમનસીબ છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેના પર નજર રાખી રહ્યા છે. તેઓ એવા પગલાં લઈ રહ્યા છે કે હવે પછી કોઈ છોકરીઓને નીચું જોવાનો વારો ન આવે. મેં ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એવી વિનંતી કરી છે કે મહિલાઓને સ્વરક્ષણ માટે રિવોલ્વર વાપરવાની મંજૂરી આપવામાં આવે. જો તેઓ અમરાવતીમાં મહિલાઓને પરવાનગી આપશે, તો હું બધી બહેનોને મારા ખર્ચે બંદૂક આપીશ એમ પણ નાનકરામ નેભનાનીએ કહ્યું હતું.
સ્ત્રીઓએ સ્વરક્ષણ માટે રિવોલ્વર સાથે રાખવી જોઈએ. એમાં બે-ચાર સારા માણસો માર્યા જાય તો પણ વાંધો નહીં, પરંતુ કોઈ ખરાબ માણસને છોડવો જોઈએ નહીં. હું તેમને સાથ આપીશ, જો તેમને કોર્ટમાં લડવું પડશે તો હું તેની કિંમત ચૂકવીશ. જો તેના પરિવાર પર કોઈ મુશ્કેલી આવશે, તો હું સૌથી પહેલો ત્યાં ઊભો રહીને ઘા મારા પર ઝીલીશ. અહીંના પોલીસ અધિકારીઓ અમરાવતીમાં સારી રીતે કામ કરી રહ્યા છે, એમ નાનકરામ નેભનાનીએ કહ્યું હતું.

અમૃતા ફડણવીસનો વિરોધ
દરમિયાન, એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા અમૃતા ફડણવીસે નેભનાનીની માગણીનો વિરોધ કર્યો હતો. મને લાગે છે કે સ્વરક્ષણ જરૂરી છે. પરંતુ હું હથિયારોના ઉપયોગની વિરુદ્ધ છું. મને નથી લાગતું કે તે લાંબા ગાળાનો ઉકેલ હોઈ શકે. જો આપણે તાત્કાલિક ઉકેલને બદલે લાંબા ગાળાના ઉકેલ તરફ નજર કરીએ તો સમાજ તરીકે આપણે આવા રાક્ષસી લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આપણે સમાજમાં સંતાનોને મહિલાઓનું સન્માન કરવાનું શીખવવું વધુ મહત્વનું છે, એમ અમૃતા ફડણવીસે કહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…