આમચી મુંબઈ

એકનાથ શિંદેનો માસ્ટર સ્ટ્રોક!

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા યુપીએસને મંજૂરી આપી: કેટલો ફાયદો થશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારે રાજ્યના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના (યુપીએસ) લાગુ કરવાની જાહેરાત કરીને એક મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ યોજનાને લાગુ કરનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજનાને રાજ્યમાં માર્ચ 2024થી અમલી ગણવામાં આવશે. જેને કારણે રાજ્યના 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે પહેલા મહાયુતિ સરકાર દ્વારા કરવામાં આવેલી આ મોટી જાહેરાતથી વિધાનસભા ચૂંટણીમાં તેમને મોટો ફાયદો થવાની આશા રાખવામાં આવી રહી છે.

કર્મચારીઓને કેવી રીતે લાભ મળશે?
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય પેન્શન યોજના (યુપીએસ) યોજનાના અમલથી 23 લાખ સરકારી કર્મચારીઓને તેનો લાભ મળશે. આ યોજના હેઠળ કર્મચારીના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50 ટકા તેમને નિવૃત્તિ પછીના જીવન માટે આપવામાં આવશે. જો કે આ માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કરવું પડશે. તે જ રીતે આ પેન્શનમાં સમયાંતરે મોંઘવારીની રાહત (ડીઆર) ઉમેરવામાં આવશે. કર્મચારીના મૃત્યુ બાદ કર્મચારીના પેન્શનના 60 ટકા રકમ પરિવારના એક પાત્ર સભ્યને આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના હેઠળ નિવૃત્ત થતી વખતે સંબંધિત કર્મચારીને એક સામટી કેટલીક રકમ પણ આપવામાં આવશે.

મહાયુતિ સરકારને શું ફાયદો થશે?
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન સરકારનો કાર્યકાળ આ વર્ષે 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીએ મહાયુતિ સરકારને હટાવવા માટે પોતાની બધી જ તાકાત કામે લગાવી છે. લોકસભામાં મહાયુતિ ગઠબંધનને મહાવિકાસ આઘાડીની એકતાને કારણે મોટું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં શિંદે સરકાર વિધાનસભા ચૂંટણી માટે ચિંતિત હોય તે સ્વાભાવિક છે. અત્યાર સુધી લાડકી બહેન યોજના પર ચૂંટણી જીતવાનો મદાર હતો, પરંતુ રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દે થયેલા આંદોલન બાદ હવે વિપક્ષનો ઘોડો જોરમાં આવ્યો છે એવા સમયે નવા રસ્તા શોધવા આવશ્યક માનવામાં આવી રહ્યા હતા. આ બધા વચ્ચે યુપીએસને લાગુ કરવાની જાહેરાત તેમને અનેક રીતે ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોજનાથી રાજ્યના 23 લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સીધો ફાયદો થશે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારીઓએ આંદોલન પણ કર્યું હતું અને આ મુદ્દે પણ મહાયુતિ સરકારને ફટકો પડવાની શક્યતા જણાઈ રહી હતી, પરંતુ અચાનક લેવામાં આવેલું આ પગલું એકનાથ શિંદેનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે, જોકે તેનો ચૂંટણીમાં ખરેખર ફાયદો થાય છે કે નહીં તે જોવાનું રહેશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…