કેનેડાના ગુરુદ્વારામાં મણિપુરના આદિવાસી નેતાનું ભાષણ, ખાલિસ્તાન સાથેના સંબંધો અંગે અટકળો
મણિપુર હિંસા અંગે કુકી-ઝો આદિવાસી જૂથના નેતાએ કેનેડાના એક ગુરુદ્વારામાં એક ભાષણ આપ્યું હોવાનું બહાર આવતા વિવિધ અટકળો શરુ થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ ઓગસ્ટ મહિનામાં કેનેડાના સરે શહેરના એ જ ગુરુદ્વારામાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેના પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરને જૂન મહિનામાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી.
નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઇબલ એસોસિએશન(એનએએમટીએ)ના કેનેડા ચેપ્ટરના વડા લિએન ગંગટેએ તેમના ભાષણમાં ‘ભારતમાં લઘુમતીઓ પરના હુમલા’ની નિંદા કરી અને કેનેડા પાસેથી ‘સંભવિત તમામ મદદ’ માંગ કરી હતી.
એનએએમટીએએ 7 ઓગસ્ટના રોજ ફેસબુક અને એક્સ પર આ કાર્યક્રમનો વીડિયો શેર કર્યો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોવાનો દાવો કર્યા પછી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ શરૂ થયો ત્યાર બાદ આ વિડિયો દૂર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ગંગટે કુકી-જો આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે પહાડી-બહુમતી જાતિઓ અને ખીણ-બહુમતી મેઇતેઈ જનજાતિ વચ્ચેની જાતિ હિંસા વિશે લાંબી વાત કરી. ગંગટેએ આક્ષેપ કર્યો હતો કે, ‘અધિકારીઓએ હિંસા પર અંકુશ મેળવવા માટે કંઈ કર્યું ન હતું. તેના બદલે મણિપુર પોલીસે તોફાનીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અમને ઇમ્ફાલ ખીણમાંથી નિર્દયતાથી દૂર કરવામાં આવ્યા હતા, તેથી અમે તેને વંશીય હત્યાકાંડ ગણીએ છીએ. તેઓએ એક વર્ષના છોકરાને જીવતો સળગાવી દીધો હતો. તેની માતા અને સંબંધીઓ એમ્બ્યુલન્સમાં હતા અને તેઓ કહે છે કે આપણે શાંતિ વિશે વાત કરવી જોઈએ.’
ગંગટેએ કહ્યું કે, જ્યારે ભારતમાં આ બધું થઈ રહ્યું હતું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં હતા. જ્યાં તેમનું ધ્યાન આપવું સૌથી વધુ જરૂરી હતું તે સ્થાન છોડીને તેઓ અમેરિકા, ફ્રાન્સ, ઇજિપ્ત ગયા હતા. ગંગટેએ કહ્યું, ભારતમાં કોઈ પણ લઘુમતી સુરક્ષિત નથી, ભલે તે મુસ્લિમ હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય. અમે ભારતમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરીએ છીએ. અમે કેનેડાને શક્ય તમામ મદદની વિનંતી કરીએ છીએ.
અહેવાલો મુજબ ભારતની ગુપ્તચર એજન્સીઓ એનએએમટીએની પ્રવૃત્તિઓ અને ખાલિસ્તાનીઓ સાથે કુકી-ઝો જૂથના કથિત સંબંધો પર નજર રાખી રહી છે.