PAK vs BAN:પાકિસ્તાનની શર્મનાક હારથી મચ્યો હાહાકાર, શાહિદી આફ્રિદીનો ફૂટ્યો ગુસ્સો
પાકિસ્તાને હાથે કરીને ક્રિકેટ જગતમાં પોતાનું અપમાન કરાવી લીધું છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો ટેસ્ટ મેચમાં પહેલી વખત પરાજય થયો છે. બાંગ્લાદેશે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને તેના જ હોમ ગ્રાઉન્ડ પર પરાજય આપ્યો છે અને આ પરાજય કંઇ નાનોસૂનો નથી. બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું છે.
પાકિસ્તાનની ટીમના ખરાબ પ્રદર્શની સાથે સાથે પિચ પર પણ સવાલો ઊભા થયા છે. પોતાની ટીમની બેવકૂફીભરી હાર બાદ પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે. તેમણે પીચની તૈયારીથી લઇને પ્લેઇંગ 11ની પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યા છે.
આફ્રિદીએ લખ્યું છે કે આ પીચ પેસરો માટે ના હોવા છતાં પાકિસ્તાનની ટીમ ચાર પેસરો (ફાસ્ટ બોલરો) સાથે રમી હતી. પાકિસ્તાની ટીમમાં એક જ સ્પીનર હતો અને બાંગ્લાદેશે સ્પિન બોલિંગના આક્રમણથી ટેસ્ટ જીતી લીધી હતી. બાંગ્લાદેશ સામે હારવું એ સાબિત કરે છે કે આપણે ઘરઆંગણે પણ તૈયાર નથી. આપણે આપણી પોતાની ઘરેલું પરિસ્થિતિથી પણ વાકેફ નથી. આ મેચમાં તમે બાંગ્લાદેશ પાસેથી ક્રેડિટ છિનવી શકો નહીં. તેઓએ વધુ સારી ક્રિકેટ રમી હતી અને ડ્રો ટેસ્ટ જીતી લીધી હતી. બાંગ્લાદેશની ટીમ શાનદાર રીતે રમી હતી.
શાન મસૂદની કપ્તાની હેઠળની પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં પહેલીવાર હારી હતી. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 448 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો, જે ઘણો ભૂલભરેલો સાબિત થયો હતો. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 565 રન બનાવીને મોટી લીડ મેળવી હતી અને ત્યારબાદ બીજી ઇનિંગમાં પાકિસ્તાનને 146 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશને જીતવા માટે બીજા દાવમાં માત્ર 29 રનની જ જરૂર હતી, જે તેમણે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 6.3 ઓવરમાં બનાવીને ઈતિહાસ રચી દીધો હતો.
બાંગ્લાદેશે રવિવારે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું હતું. રાવલપિંડી ટેસ્ટમાં જીત સાથે જ બાંગ્લાદેશની ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી રાવલપિંડીમાં રમાશે.
Also Read –