આમચી મુંબઈ

સીએસએમટી અને મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચેના કર્ણાક બ્રિજનું કામ ફરી વિલંબમાં

પુલ ખૂલવા માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને મસ્જિદ બંદર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા લગભગ દોઢસો વર્ષ જૂના કર્ણાક બ્રિજનું કામ ફરી અટવાયું છે. પુલ માટે ગર્ડર બેસાડવા માટેનું કામ લાંબા સમયથી અટવાયેલું છે, તે માટે રેલવે પાસેથી બ્લોક મળવામાં વિલંબ થઈ રહ્યું હોવાનું કહેવાય છે. જોકે રેલવેના દાવા મુજબ તેમના તરફથી મુંબઈ મહાનગરપાલિકાને સુરક્ષાને લગતા મુદ્દા બાબતે પત્ર લખવામાં આવ્યો છે, તેમની પાસેથી જવાબ મળી જાય તો તુરંત મેગાબ્લોક આપી દેવામાં આવશે.

સીએસએમટી અને મસ્જિદ બંદર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા કર્ણાક બ્રિજનું કામ પહેલાથી જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું અને હવે રેલવે પાટા પર ઉપરથી પસાર થનારા પુલના ગર્ડરના ભાગનું જોડાણ લગભગ થઈ ગયું છે. પરંતુ સેન્ટ્રલ રેલવે પાસેથી મેગાબ્લોક મળ્યો ન હોવાને કારણે હાલ કામ અટવાયેલું હોવાનું કહેવાય છે.

બ્રિજના કામમાં રેલવે પાટા ઉપર બે ગર્ડર બેસાડવામાં આવવાના છે. કામ જે ગતિએ ચાલી રહ્યું છે, તેને જોતા આખો બ્રિજ બનીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાવવામાં આવતું વર્ષ થઈ જાય એવી શક્યતા છે.

લગભગ દોઢસો વર્ષ જૂનો કર્ણાક બ્રિજ જોખમી જાહેર કરવામાં આવતા તેને ઘણાં વર્ષ પહેલાં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં નવેમ્બર, ૨૦૨૨માં તેને તોડી પાડવામાં આવ્યો હતો. બ્રિજનું કામ જોકે છેક ૨૦૨૩માં ચાલુ કરવામાં આવ્યું હતું.

બ્રિજ માટે રેલવે પાટા ઉપર બેસાડવામાં આવનારા ગર્ડરના છૂટ્ટા ભાગ ગયા મહિને મુંબઈ આવી ગયા હતા. ત્યારબાદ ગર્ડરના છૂટા ભાગોને જોડી પણ દેવામાં આવ્યા હતા અને હાલ તે તૈયાર થઈને પડયો છે. આ ગર્ડર બેસાડવા માટે પાલિકાના બ્રિજ વિભાગે મધ્ય રેલવે પાસેથી મેગાબ્લોક માંગ્યોે છે, જોકે રેલવેએ તે માટે હજી સુધી મંજૂરી આપી નથી.

લગભગ પાંચ વર્ષ પહેલાં આ બ્રિજના કામને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ છેક ૨૦૨૩માં તેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. લગભગ ૫૩ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા કર્ણાક બ્રિજના કામમાં વિલંબ થઈ રહ્યો છે અને મેગાબ્લોક આપવામાં વિલંબ થઈ રહ્યો છે એ બાબતે સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રીલેશન ઓફિસર સ્વપ્નિલ નિલાએ જણાવ્યું હતું કે રેલવે પાસેથી મેગાબ્લોક મળવામાં વિલંબ થઈ રહ્યો હોવાની વાતમાં કોઈ દમ નથી.

ડિવિઝન રેલવે મેનેજર તરફથી સેફટીને લગતા સવાલો સાથેનો એક પત્ર ઓગસ્ટ મહિનામાં મુંબઈ મહાનગરપાલિકાને મોકલવામાં આવ્યો છે, તેના પર હજી સુધી પાલિકા તરફથી કોઈ જવાબ આવ્યો નથી. અમે જવાબની રાહ જોઈ રહ્યા છીએ અને જેવો તેમના તરફથી જવાબ આવે કે અમે તેમને તુરંત મેગાબ્લોક આપી દઈશું. આ બાબતે અનેક વખત પ્રયાસ બાદ પણ સુધરાઈના બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીનો સંપર્ક થઈ શક્યો નહોતો.

Also Read –

Show More

Related Articles

Back to top button
અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે?