Janmashtami ને લઇને દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભાવિકોની ભારે ભીડ, તંત્ર ખડેપગે
અમદાવાદ: ગુજરાતમાં આજે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવ જન્માષ્ટમીની(Janmashtami)પરંપરાગત રીતે ઊજવવામાં આવી રહી છે. જેમાં દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરે વહેલી સવારે મંગળા આરતી કરાઈ હતી. ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રીકો માટે સુવિધા અને સલામતીનું આયોજન કરવામાં આવ્યુ છે. જગતમંદિર દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.
ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી
ડાકોરમાં જન્માષ્ટમીના પવિત્ર દિવસે વહેલી સવારથી મંગળા આરતીના દર્શન માટે ભક્તો રાજાધિરાજના દરબારમાં આવી પહોંચ્યા છે. જેવા દ્વાર ખુલ્યા ભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડ્યુ હતું. ભક્તોએ કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જન્માષ્ટમીના દિવસે સવારે 6:00 વાગ્યે ઠાકોરજીને નિજ મંદિર ખૂલતાં જ સૌપ્રથમ દાતણ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઠાકોરજીને માખણ મીસરીનો મંગલ ભોગ ધરાવવામાં આવ્યો હતો. મંગલા ભોગ અર્પણ કરાયા બાદ મંગલા આરતી કરવામાં આવી હતી.
દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર દ્વારકામાં શ્રીકૃષ્ણના 5251મો જન્મોત્સવ હોય તહેવારોનો માહોલ જામ્યો છે અને સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6:00 વાગ્યે ઠાકોરજીને નિજ મંદિર ખૂલતાં જ સૌપ્રથમ દાતણ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઠાકોરજીને માખણ મીસરીનો મંગલ ભોગ ધરાવવામાં આવ્યો હતો. મંગલા ભોગ અર્પણ કરાયા બાદ મંગલા આરતી કરવામાં આવી હતી. દ્વારકામાં ઠાકોરજીને રજભોગ (દર્શન બંધ) સવારે 10 વાગે, જનમાષ્ટમી મહોત્સવના આરતી દર્શન રાત્રે 12 વાગે, અનોસર (મંદિર બંધ) રાત્રે 2.30 વાગ્યાનો રહેશે.
યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી
ગુજરાતના યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી મહોત્સવ પર વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. મંદિર ખુલતા
ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. ભગવાન શામળિયાની મંગળા આરતી કરાઈ હતી. આજે શામળાજી યુવક મંડળ દ્વારા બપોરે એક વાગ્યે ઠાકોરજીની ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવશે. શોભાયાત્રા બેન્ડવાજા સાથે શામળાજી નગરમાં ફરશે. આ શોભાયાત્રામાં શામળાજી યુવા મંડળ દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં 108 મટકીઓ બાંધીને શોભાયાત્રામાં જોડાયેલા યુવકો અને ભક્તો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે.
જ્યારે દિવસ દરમિયાન ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથની વૈદિક પૂજા થતી હોય છે. ભગવાનના જન્મોત્સવ અગાઉ રાત્રે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી મંદિર પરિસરમાં લાલજી મહારાજના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે. દિવસ દરમિયાન લાખો ભક્તો ભગવાન શામળિયાનાં દર્શનનો લાભ લેશે. ભગવાનનો જન્મોત્સવ રાત્રે 12 કલાકે ઊજવાશે.
દ્વારકા, ડાકોર અને શામળાજીમાં તંત્રની તૈયારી
દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટતા હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારો ‘નો પાર્કિંગ’ તરીકે ઉપયોગમાં લેવા તેમજ વિવિધ રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
Also Read –