Gujarat માં આજે અતિભારે વરસાદની આગાહી, વડોદરા, સુરત સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ…

અમદાવાદઃ ગુજરાતમા(Gujarat)છેલ્લા ચાર દિવસથી ચોમાસુ ફરીથી જામ્યુ છે. આગામી પાંચ દિવસ વરસાદનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જ્યારે આજે 26મી ઓગસ્ટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાવામાં આવ્યુ છે.
27મી ઓગસ્ટે આણંદમાં અતિ ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યુ મુજબ 27મી ઓગસ્ટ મંગળવારના રોજ આણંદમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સિવાયના ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.તેમજ 28મી ઓગસ્ટના બુધવારના રોજ આણંદ માટે રેડ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી રાજ્યનું વહીવટી તંત્ર ‘સ્ટેન્ડ ટૂ’
દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની સંભાવના
ગુજરાત રિજનના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 29મી ઓગસ્ટ ગુરૂવારના રોજ ગુજરાત રિજનના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે.
ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
30મી ઓગસ્ટ શુક્રવારે બનાસકાંઠા, અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.