ધર્મતેજ

વેર- વિખેર -પ્રકરણ -૪૬

મૃત્યુ કોઈ પ્રશ્ર્નો છોડીને નથી જતું, પણ આત્મહત્યા અનેક પ્રશ્ર્નોને છોડીને જાય છે, જે જીવનભર બીજાની જિંદગીની આસપાસ વીંટળાયા કરે છે…

કિરણ રાયવડેરા

ડાયરી વાંચતાં કરણની આંખો ઊભરાવા લાગી :
એવાં તે શું દુ:ખ આવી પડ્યાં કે પપ્પાને આત્મહત્યાનો વિચાર કરવાની જરૂર પડી?
કરણે ખિસ્સામાંથી સેલ કાઢીને પપ્પાનો નંબર લગાડ્યો. સામેથી જેવો પપ્પાનો અવાજ સાંભળ્યો કે કરણે ચીસ પાડી ઊઠ્યો હતો :
‘પપ્પા, તમે શા માટે સ્યૂસાઈડ કરવા માગો છો?’

સામેથી કરણનો ચિંતાતૂર અવાજ સાથે અચાનક પ્રશ્ન પૂછાયો એટલે જગમોહન ડઘાઈ ગયો. થોડી પળો માટે તો કંઈ સૂઝ્યું નહીં કે શું કહેવું .
‘જો બેટા, મારી વાત સાંભળ. તું ઉતાવળે કોઈ નિર્ણય લે એ પહેલાં મને મારી વાત કહી લેવા દે…’
કદાચ કરણના હાથમાં મારી ડાયરી ચડી ગઈ લાગે છે. જે ડાયરી પ્રભાએ વાંચવી જોઈએ એને કરણે વાંચી લીધી લાગે છે. બે દિવસથી એ ડાયરીને ભૂલી ગયો હતો. એ ભૂલી ગયો હતો કે એણે પોતાની ડાયરીમાં સ્યૂસાઈડ નોટ લખીને ડાયરી ટેબલ પર ખુલ્લી રાખી હતી.

આશ્ચર્ય તો એ વાતનું છે કે પૂરા બે દિવસ પછી કોઈનું ધ્યાન એની ડાયરી પર પડ્યું હતું. એ પણ દીકરાનું, દીકરાની માનું ધ્યાન કદાચ એ ડાયરી પર ગયું જ નહોતું. જે હોય તે, હમણાં કરણને કેમ સમજાવવો?
‘પપ્પા, હું હજી માની નથી શકતો કે તમને આત્મહત્યા કરવાની ઈચ્છા થાય. તમે તો કેટલા બહાદુર છો. હું તો બધાને તમારો દાખલો આપતો. મારા ફ્રેન્ડસ સામે તમારા વખાણ કરતાં થાકતો નહીં. પપ્પા, એ લોકોને ખબર પડે કે તમેં જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી તો એ લોકો શું વિચારશે?’

‘સાંભળ કરણ, મારો સ્યૂસાઈડનો પ્લાન એ ભૂતકાળની વાત થઈ ગઈ છે. હા, હું એવા ઈરાદા સાથે ઘરેથી નીકળ્યો હતો પણ મને મારી ભૂલ સમજાઈ છે. એ ખોટો નિર્ણય હતો એ મેં રિયલાઈઝ કર્યું છે. તારી સામે મારી ભૂલ કબૂલતાં હું જરા પણ નાનપ નહીં અનુભવું, પણ મારા વિશે કોઈ જજમેન્ટ બાંધી લે એ પહેલાં મારી સાથે વિગતવાર વાત કરી લેજે. એક વાર હું તારી સામે ખુલાસો કરી દઉં પછી તારે મારા વિશે જે વિચારવું હોય એ વિચારી શકે છે.’
જગમોહનનો અવાજ તૂટવા લાગ્યો હતો. ગાયત્રી ઊભી થઈને પાણીનો ગ્લાસ લઈ આવી.

એ સમજી ચૂકી હતી કે કરણને જગમોહનના આપઘાતના પ્લાન વિશે ખબર પડી ગઈ હતી.
‘પપ્પા, હું તમારા વિના જીવી નહીં શકું. તમને મારો વિચાર ન આવ્યો , પપ્પા?’ સામે છેડે કરણ હીબકે ચઢ્યો હતો.

જગમોહનને કહેવાની ઈચ્છા થઈ આવી કે મેટ્રો સ્ટેશન પર પહેલી ટ્રેન આવી ત્યારે એને અચાનક કરણનો ચહેરો યાદ આવતાં એ પાછળ ખસી ગયો હતો.

એ ક્ષણે કરણ યાદ ન આવ્યો હોત તો એની લાશ હમણાં મોર્ગમાં સડતી હોત. પહેલી ટ્ેન મિસ થઈ અને બીજી ટ્રેન સામે કૂદી પડે એ પહેલાં જ ગાયત્રીએ એને બચાવ્યો હતો.

‘કરણ, સાચું કહું છું. મને તું યાદ આવ્યો હતો. રાધર, મને તું જ યાદ આવ્યો હતો, પણ ડોન્ટ વરી, હવે તારો બાપ આપઘાત કરવાનો વિચાર સુધ્ધાં નહીં કરે…’ જગમોહન પોતાના નાના દીકરાને સમજાવતો હતો.

‘પ્રોમિસ, પપ્પા? તો પછી રિવોલ્વર શા માટે મંગાવી હતી?’ કરણે પૂછ્યું.
‘પ્રોમિસ બેટા, હવે મારું મૃત્યુ બે જ રીતે થઈ શકે. કાં તો કુદરતી રીતે અથવા કોઈ મારું ખૂન કરી નાખે તો… હું મારી જાતને ખતમ નહીં કરું એની તને ખાતરી આપું છું.’
જગમોહનને એક વાત ઉમેરવાની ઈચ્છા હતી કે મારું મૃત્યુ ફાંસીથી પણ થઈ શકે, કેમ કે મારો દુશ્મન જો મારી સામે આવી જાય તો હું એની હત્યા જ કરી નાખું, પણ એવું બોલશે તો કરણ વધુ ગભરાઈ જશે એવું વિચારીને એ ચૂપ રહ્યો.

‘પપ્પા, તમે રિવોલ્વર શા માટે મંગાવી એ તો બોલ્યા જ નહીં!’ કરણે પોતાની વાત પકડી રાખી.
‘જો, બેટા, હું ઘરે આવીશ ત્યારે તને વિગતવાર સમજાવીશ. ડુ યુ ટ્રસ્ટ મી, રાઈટ? રિવોલ્વર મેં મારા સેલ્ફ ડિફેન્સ માટે મંગાવી હતી.’
‘આઈ ટ્રસ્ટ યુ પપ્પા, તમારા પર ભરોસો નહીં કરું તો કોના ઉપર કરીશ. બટ પ્લીઝ, હવે જલદી આવી જાઓ,,,અહીં એક સાથે ઘણું બધુ બની રહ્યું છે.’
જગમોહનનું હૃદય દ્રવી ઊઠ્યું. અચાનક કરણને બાથમાં લઈ લેવાની ઈચ્છા થઈ આવી.

‘પપ્પા, મારી જરૂર હોય તો કહેજો. તમારા બચાવ માટે હું જ કાફી છું.’
‘ડોન્ટ વરી, કરણ… હવે સાંભળ, મારી ડાયરીને ક્યાંક સાચવીને મૂકી દે. બીજા કોઈ સમક્ષ આ બાબત ઉલ્લેખ નહીં કરતો. અને છેલ્લે એક વાત…’ કહીને જગમોહન અટક્યો.
‘યસ પપ્પા?’ કરણે પૂછી નાખ્યું.

‘બેટા, તારો બાપ કાયર નથી.’ જગમોહનની આંખમાંથી આંસુ સરી પડ્યાં.કદાચ આત્મહત્યા કરી લેત તો કરણ એને જીવનભર માફ ન કરત.
એણે ગાયત્રી સામે જોયું. આ છોકરીએ જ મારી જિંદગી- મારી આબરૂ બચાવી છે.
કરણ સાથે વાત પૂરી કર્યા પછી જગમોહને બંને આંખોને હથેળીથી દાબી દીધી.
એને સમજાયું નહીં એને શા માટે રડવું આવી ગયું.

‘કાકુ, પ્લીઝ… તમે રડો એ મને નહીં ગમે. તમને કોઈ પણ રીતે કમજોર પડતા કોઈ નહીં જોઈ શકે. કરણની જેમ તમે અમારા માટે શું છો એ હું તમને સમજાવી નહીં શકું.’ જગમોહનનો હાથ પકડી લીધો ગાયત્રીએ
‘ગાયત્રી, કમજોર હોવું એક વાત છે. દરેક માણસની અંદર થોડી ઘણી નબળાઈ હોય, પણ આપણી ત્રુટિઓ, આપણી નબળાઈઓ આપણાં આપ્તજનને ખબર પડે ત્યારે મરવા જેવું થાય.’
જગમોહને આંસુ લૂછતાં કહ્યું. પછી ઉમેર્યું:
‘ગાયત્રી, તારી સામે નબળો દેખાઉં એનો મને વાંધો નથી કેમ કે તેં મને મારી ખૂબ જ કમજોર પળમાં બચાવ્યો છે’ પણ મારા જ નાના બાળકને એ જાણ થઈ ગઈ કે મારો બાપ કાયર છે.’
‘ના કાકુ, તમારો દીકરો પણ તમારા જેવો સમજદાર છે. એ તમારા વિશે ગેરસમજ નહીં કરે. ઊલટું આમાં પણ કોઈ વિધિનો સંકેત હશે. તમારી પત્નીના હાથમાં ડાયરી આવી જાત તો…’ ગાયત્રી કહેતી હતી.
‘તો અત્યારે જ મારી સાથે એટલી જીભાજોડી કરત કે મારે ફરી અત્યારે જ મેટ્રો સ્ટેશને જઈને આપઘાત કરવાનો પ્લાન નવેસરથી બનાવવો પડત.’
‘બસ, પત્નીની વાત કરી કે તમને તમારો ફેવરિટ વિષય મળી ગયો. હજી તમે તમારા પૂર્વગ્રહ દૂર નથી કરી શક્યા.’ ગાયત્રીએ ફરિયાદ કરી.
જગમોહન ચૂપ રહ્યો.

ગાયત્રીની વાત સાચી હતી. સ્થિતિને, સંજોગોને બદલવા જગમોહને પોતે પણ બદલાવું પડશે.
‘કાકુ, તમે થોડો આરામ કરી લ્યો. એકાદ કલાક પછી જાગીને નક્કી કરજો શું કરવું.’
જગમોહન કંઈ બોલ્યો નહીં, ચૂપચાપ પથારીમાં લાંબો થયો. થોડી પળોમાં નિંદર આવી ગઈ.
જગમોહનને જોતી રહી ગાયત્રી
હવે શું કરવું?

ઊઠ્યા પછી જગમોહન એને પોતાને ઘરે લઈ જવાની જીદ કરશે. જગમોહનના ઘરે જવું જોઈએ?
એની પત્ની શું વિચારશે? બાળકો શુ વિચારશે? પણ જો એ જગમોહનના ઘરે નહીં જાય તો પોતાના ઘરમાં હવે રહી શકશે? કાલ રાતથી જે રીતે ઝડપથી ઘટના-દુર્ઘટનાઓ સર્જાતી રહી છે ત્યાર પછી તો એનું એકલું રહેવું મુશ્કેલ થઈ જશે. અત્યારે તો જગમોહન છે એટલે ખબર નથી પડતી. એક વાર એકલી પડશે પછી બબલુ અને બાબુની ડેડબોડી યાદ આવ્યા કરશે.
એણે ફ્લોર પર દૃષ્ટિ કરી. શા માટે ફ્લોર લાલ લાલ દેખાય છે કે પછી એને દૃષ્ટિભ્રમ થયા કરે છે?

ગાયત્રી કપડું લઈને જમીન પરના ડાઘ પોંછવા લાગી. ઘસીઘસીને પોંછ્યા બાદ પણ ધાબાં જતાં નહોતાં.
‘શું કરે છે ગાયત્રી?’ જગમોહને આંખ ખોલીને પૂછ્યું.

‘કંઈ નહીં, આ જમીન પર લોહીના ડાઘ પડ્યા છે એને સાફ કરું છું’ ગાયત્રીએ ઘસવાનું ચાલુ રાખ્યું.
‘ગાયત્રી, ફ્લોર પર તો કોઈ ડાઘ પડ્યા નથી!’

જગમોહન ઊભો થઈ ગયો. ગાયત્રી ફર્શ તરફ જોતી રહી.એને હજી લાલ કૂંડાળાં દેખાતાં હતાં. એણે આંખો બંધ કરી લીધી. સવારની દુર્ઘટનાઓએ એના મગજ પર એટલી અસર કરી દીધી હતી કે હવે એને બધે લોહી દેખાતું હતું.

‘ગાયત્રી, યુ આર નોટ ફીલિંગ વેલ. તું તારો સામાન પેક કર… આપણે એક કલાકની અંદર અહીંથી નીકળી જશું.’
ગાયત્રી ચૂપ રહી. જગમોહને ફરી લંબાવ્યું.

ગાયત્રી વિચારતી હતી:
એક શિક્ષકના ઘરમાં શાહીના ડાઘ પડે, લોહીના નહીં.


કરણે ડાયરીને બંધ કરીને પોતાના કબાટમાં મૂકી. ડ્રોઅરને લોક કરીને ચાવી પોતાના વોલેટમાં રાખીને એ ફરવા ગયો ત્યાં જ પાછળથી ચિરપરિચિત અવાજ સંભળાયો.
‘કેમ છો, કરણભાઈ?’

પાછળ જતીનકુમાર મલકાતા ઊભા હતા. બાપરે, હવે આ માણસ સાથે વાત કરવી પડશે.

‘જતીનકુમાર, પ્લીઝ, લીવ મી અલોન…’ પપ્પા સાથે વાત થયા બાદ કરણ ઢીલો પડી ગયો હતો.

પપ્પા આત્મહત્યા નહીં કરે એની એને ખાતરી હતી, પણ એક વાર આના વિશે એમણે વિચાર કર્યો હતો એ વાત જ કરણ એના મનમાંથી ભૂંસી નહોતો શકતો.
મૃત્યુ કોઈ પ્રશ્નો છોડીને નથી જતું,
પણ આત્મહત્યા અનેક પ્રશ્નોને છોડીને જાય છે, જે જીવનભર બાકીનાઓની જિંદગીની આસપાસ વીંટળાયા કરે છે. હજી આ બધા વિચારોથી મુક્તિ નથી મળી ત્યાં આ જતીનકુમાર ટપકી પડ્યા.
‘અરે, કરણભાઈ, તમે નારાજ થઈ ગયા. હું તો તમને એક સારા સમાચાર આપવા આવ્યો હતો.’ જતીનકુમાર બોલ્યા.
કરણે જોયું કે એમના ચહેરા પર લુચ્ચાઈને બદલે નિર્દોષતા છલકતી હતી.એણે જતીનકુમાર સામે પ્રશ્નાર્થભાવે જોયું.

‘કરણભાઈ, તમે મારા લાડકા સાળા છો એટલે તમને તો વાત કહેવી જોઈએ. મેં આજથી તંબાકુ ખાવાનું છોડી દીધું છે.’
કરણને મોઢું બગડી ગયું પણ એણે પ્રતિભાવ આપવાનું ટાળ્યું. આ માણસ તંબાકુ છોડવા જેવી વાત કહેવા મારી પાસે દોડી આવ્યો છે.
‘શું આ સારા સમાચાર તમે મને આપવા આવ્યા હતા?’

‘ના…ના…આ તો જસ્ટ મને થયું કે તમને કહી દઉં. મને ખબર છે તમને મારું વ્યસન પસંદ નહોતું.’
કરણને કહેવાની ઈચ્છા થઈ આવી કે હાશ! હવે અમારી દીવાલો ચોખ્ખી રહેશે.

‘સારા સમાચાર તો એ છે કે…’ જતીનકુમાર અટક્યા. કરણને ધ્રાસ્કો પડ્યો.
અમુક માણસો સારા કે નરસા સમાચાર આપવા આવે ત્યારે એમ જ લાગે જાણે આવનારા વાવાઝોડાનું એલાન કરવા આવ્યા છે.
‘તમારાં મમ્મીએ રેવતીને ખાતરી આપી છે કે એ મારા વિશે પપ્પાને વાત કરશે.’ જતીનકુમારે જાણે કોઈ રહસ્ય કહેતા હોય એમ આસ્તેથી કહ્યું.
‘બહુ સરસ!’ કરણે કડવાશથી કહ્યું :
‘બહુ જ સારા સમાચાર છે, તમે તો મારો દિવસ સુધારી દીધો. ’
‘અરે, હું જે સારા સમાચારની વાત કરું છું એ તો કોઈ બીજા જ ન્યૂઝ છે. આ તો તમને કહેવાનું યાદ આવ્યું કે તમારાં મમ્મી ખરેખર ભલી બાઈ છે.’
કરણ ચૂપ રહ્યો.મારાં મમ્મી-પપ્પાનું નામ પણ આ માણસના મોઢે સાંભળવું ગમતું નથી.

‘જતીનકુમાર, હવે હું જઈ શકું?’ કરણ રૂમની બહાર જવા આગળ વધ્યો ત્યારે જતીનકુમારે આડો હાથ ધરી દીધો.
‘અરે તમે ક્યાં ચાલ્યા? સારા સમાચાર તો સાંભળતા જાઓ.’
કરણને ડર લાગ્યો કે આ માણસ એને સારા નહીં કોઈ માઠા જ સમાચાર સંભળાવવા આવ્યો છે.
‘કરણભાઈ, હવે મારું નામ પણ વસિયતનામામાં ઉમેરાશે.’ જતીનકુમાર બોલ્યા.

કરણનો ચહેરો લાલ થઈ ગયો. રાતોપીળો થઈને એ કંઈક કહેવા જતો હતો ત્યારે જતીનકુમારે એને અટકાવ્યો.

‘ગુસ્સે નહીં થતા સાળાબાબુ, આ તો તમારી બહેન અને મમ્મી વચ્ચે જે વાત થઈ છે એ વિશે તમને માહિતી આપી રહ્યો છું. બાકી, મારે શું?’
‘તમારી સાથે તો વાત કરવી નકામી છે.’ કરણે બહાર જવા ડગલું ભર્યું.

‘કરણભાઈ, હવે હું થાકી ગયો છું. તમારા મિત્રો પાસેથી હું રૂપિયા ઉધાર લઈ આવ્યો એ બદલ માફી માગુ છું. હવેથી કોઈ દિવસ તમે મારા વિશે આવી વાત નહીં સાંભળો. હવે મારે પણ સેટલ થવું છે… રેવતી અને તમારા કુટુંબને લાયક થવું છે.’
કરણ વિસ્ફારિત આંખે જતીનકુમારને જોઈ રહ્યો. એ કંઈ બોલ્યો નહીં. એને હજી એમ લાગતું હતું કે કોઈ બોલરની જેમ આ માણસ વારંવાર જુદા જુદા બોલ ફેંકીને એને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે, પણ કરણને ડર હતો કે આ જતીનકુમાર નામના બોલરની ઓવર પૂરી નહોતી થઈ. છેલ્લો બોલ બાકી હતો. એ બાઉન્સર હશે કે સુરસુરિયું?

‘હવે તમને સારા સમાચાર આપી જ દઉં…’
જતીનકુમારે બોલિંગ કરવા જાણે રન-અપ લેવાનું કર્યું.

કરણનો શ્વાસ અધ્ધર હતો. આ માણસ આજે મારી વિકેટ ખખડાવી નાખશે.જતીનકુમાર આગળ ઝૂકીને કરણના કાન સુધી મોઢું લઈને બોલ્યો :
‘સારું થયું સાળાબાબુ કે જગમોહન દીવાન જેવી મોટી વ્યક્તિ આત્મહત્યા કરવા ઈચ્છે છે એ બધાંને નથી ખબર. સમાજમાં બધાને જાણ થઈ જાય તો આબરૂના ધજાગરા થઈ જાય.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button