વેપાર

સપ્તાહના અંતે સપ્ટેમ્બરથી રેટ કટનો પૉવૅલનો અણસાર, વૈશ્ર્વિક સોનું એક ટકો ઉછળ્યું

કોમોડિટી -રમેશ ગોહિલ

વીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં રોકાણકારોની નજર સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં જેક્સન હૉલ ખાતેના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોએ ખાસ કરીને સોનામાં નવી ખરીદીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી ભાવ બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. રોકાણકારોને અપેક્ષા હતી જે ફેડરલના અધ્યક્ષ ભવિષ્યના રેટ કટ અંગે કોઈ અણસારો આપશે. જોકે, ફેડરલના અધ્યક્ષે રોકાણકારોની અપેક્ષાનુસાર જ આગામી સપ્ટેમ્બર મહિનાથી રેટ કટ અંગેનો અણસાર આપતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સત્રના અંત આસપાસ હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ૧.૨ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૨.૯ ટકા જેટલી તેજી આવી હતી.

વિશ્ર્વ બજારમાં ગત સપ્તાહે સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાઈ ગયા હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે સાંકડી વધઘટ જોવા મળી હતી. જોકે, બજારનાં અનિશ્ર્ચિત વલણને ધ્યાનમાં લેતા ખાસ કરીને રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી એકંદરે નિરસ રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૬ ઑગસ્ટના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦,૬૦૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૭૧,૫૧૬ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૭૧,૧૦૮ અને ઉપરમાં રૂ. ૭૧,૯૪૫ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૮૨૦ અથવા તો ૧.૧૬ ટકા જેટલા વધીને રૂ. ૭૧,૪૨૪ની સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ૧.૨ ટકા જેટલો ઉછાળો આવી ગયો હોવાથી સ્થાનિક બજારમાં આગામી સપ્તાહે તેની કેટલી અને કેવી અસર પડે છે તે જોવું રહ્યું.

વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૪નાં પહેલા છ મહિનામાં દેશમાં પેરુથી સોનાની આયાત ગત સાલના સમાનગાળાની સરખામણીમાં ૮૧ ટકા વધીને ૧.૪૭ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં પેરુના ભારત ખાતેના રાજદૂત જેવિયર મેન્યુએલ પૉલિનિચ વેલાર્ડેએ ઈન્ડિયા ગોલ્ડ કોન્ફરન્સમાં જણાવવાની સાથે વર્ષ ૨૦૨૪માં પેરુની ભારત ખાતે સોનાની નિકાસ વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં ૩૬ ટકા વધીને ત્રણ અબજ ડૉલરની સપાટીએ રહે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. સોનાના વૈશ્ર્વિક વપરાશમાં ભારત બીજો ક્રમાંક ધરાવે છે અને ગત વર્ષ ૨૦૨૩માં પેરુથી સોનાની થતી નિકાસમાં ભારત બીજા ક્રમાંકનો આયાતકાર દેશ રહ્યો હતો. દેશમાં વધી રહેલી સોનાની માગને ધ્યાનમાં લેતા ભારત દક્ષિણ અમેરિકાના આ દેશમાં સોનાના નવાં ખનન પ્રોજેક્ટમાં રોકાણ કરે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હોવાનું રૉઈટર્સે એક અહેવાલમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ચીન, કેનેડા, મેક્સિકો અને અમેરિકાએ પેરુનાં ખનન ક્ષેત્રમાં રોકાણ કર્યું છે, પરંતુ ભારત સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ હોવા છતાં હજુ સુધી રોકાણ નથી કર્યું, એમ વેલાર્ડેએ ઉમેર્યું હતું.

અમેરિકામાં ફુગાવો ફેડરલના બે ટકાની લક્ષ્યાંકિત સપાટીની નજીક છે, જે નાણાનીતિ હળવી કરવાનો માર્ગ મોકળો કરતો હોવાથી ‘વ્યાજદરમાં કાપ મૂકવાનો સમય આવી ગયો છે’, એમ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેના વક્તવ્યમાં જણાવતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઘટાડો થવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ ઘટાડો થવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સત્રના અંત આસપાસ હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૧.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૫૧૨.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ડિસેમ્બર વાયદામાં ભાવ આગલા બંધ સામે ૧.૨૭ ટકા વધીને ઔંસદીઠ ૨૫૪૮.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ૨.૯ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૯.૮૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ફેડરના અધ્યક્ષના નિવેદનને અમેરિકી અસ્ક્યામત બજારે આરંભિક સ્તરે સકારાત્મક પ્રતિક્રિયા આપી હોવાનું ન્યૂ યોર્ક સ્થિત એક ટ્રેડરે જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વની આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે સુધીના સમયગાળામાં સોનામાં મક્કમથી ધીમી ગતિએ સુધારાતરફી વલણ જોવા મળશે, તેમ છતાં રોકાણકારોની નજર સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કેટલી કપાત કરવામાં આવે છે અને શેષ વર્ષ ૨૦૨૪માં કેટલી વખત વ્યાજદરમાં કાપ મૂકવામાં આવશે તે અંગે કોઈ સંકેત આપવામાં આવે છે કે નહીં તેનાં પર મંડાયેલી રહેશે.

સામાન્યપણે નીચા અથવા તો ઓછા વ્યાજદરનાં સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે. આથી તાજેતરમાં સોનામાં જોવા મળેલા ઉછાળા બાદ આગામી ટૂંકા સમયગાળામાં રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે, એમ ટીડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિ વિભાગના હેડ બાર્ટ મેલેકે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં વધતા ફુગાવાની ચિંતા ટળી છે અને રોજગાર ક્ષેત્રે નબળા અણસારો જોવા નહીં મળે તો સોનામાં લાંબા સમયગાળે તેજીનું વલણ જળવાઈ રહેશે. જોકે, હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૫૯.૫ ટકા શક્યતા ટ્રેડરો જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button