સ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે ભારતે જીત્યા સાત મેડલ: શૂટર્સે અપાવ્યા બે ગોલ્ડ

હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે પણ ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે શૂટિંગમાં પાંચ મેડલ્સ જીત્યા હતા. ટેનિસમાં એક સિલ્વર અને સ્ક્વોશમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે આઠ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડલ સાથે ભારતે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં કુલ ૩૨ મેડલ જીત્યા હતા.

ઈશા સિંહ, દિવ્યા ટીએસ અને પલક ગુલિયાની ટીમે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ)માં સિલ્વર મેડલ જીત્યો હતો. ઈશા સિંહ, પલક અને દિવ્યાની ટીમ બીજા ક્રમે રહી હતી. ચીનની રેન્કસિંગ, લી અને નાનની જોડીએ ગોલ્ડ જીત્યો હતો. ભારતીય ટીમે પહેલા રાઉન્ડમાં ૨૮૭, બીજામાં ૨૯૧, ત્રીજામાં ૨૮૬, ચોથામાં ૨૯૩, પાંચમામાં ૨૮૬ અને છઠ્ઠા રાઉન્ડમાં ૨૮૮નો સ્કોર કર્યો હતો.

સ્ક્વોશ મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાર છતાં ભારત બ્રોન્ઝ મેડલ કબજે કરવામાં સફળ રહ્યું છે. મહિલા ટીમ સ્ક્વોશ ઈવેન્ટમાં હોંગકોંગ સામે ૧-૨થી હાર્યા બાદ ભારતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જોશના ચિનપ્પાએ તેની મેચ જીતી લીધી હતી પરંતુ તન્વી ખન્ના અને અનાહત સિંહ હારી ગયા હતા.
તે સિવાય ભારતીય પુરુષ શૂટર ઐશ્ર્વર્ય પ્રતાપ સિંહ તોમરે ૫૦ મીટર રાઈફલ ૩ પોઝિશન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઐશ્ર્વર્ય પ્રતાપ સિંહે ૪૫૯.૭ સ્કોર હાંસલ કર્યો હતો. જ્યારે ચીનના લિન્સુએ રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ૪૬૦.૬ સ્કોર હાંસલ કર્યો હતો.

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ નેપાળને ૩-૦થી હરાવ્યું હતું. આ સાથે ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે પણ મેડલ નિશ્ર્ચિત કરી લીધો હતો. ૧૯૮૬ બાદ પ્રથમ વખત ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ એશિયન ગેમ્સમાં મેડલ જીતશે.
સ્ટાર મહિલા બોક્સર નિકહત ઝરીને ૨૦૨૩ એશિયન ગેમ્સમાં મેડલ નિશ્ર્ચિત કર્યો હતો. ઝરીને મહિલાઓની ૪૫-૫૦ કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી હતી. નિકહત હવે સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે.

ભારતની મેન્સ સ્ક્વોશ ટીમે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્ક્વોશ ટીમે સેમિફાઇનલ મેચમાં મલેશિયાની ટીમને ૨-૦થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે ટકરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button