ધર્મતેજ

ઈન્દ્રિયોનું દમન એટલે જબરજસ્તી નથી જ

વિશેષ -રાજેશ યાજ્ઞિક

શ્રીમદ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયમાં સાધુ પુરુષો, અર્થાત કે સજજનોના લક્ષણ વર્ણવતા ભગવાન કૃષ્ણએ પ્રથમ શ્ર્લોકમાં જ કહ્યું છે, ‘દમશ્ર્ચ’. એટલેકે ઇન્દ્રયોનું દમન. આજના કાળમાં દમન શબ્દનો અર્થ ખૂબ નકારાત્મક રીતે લેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આપણા શાસ્ત્રોને પશ્ર્ચિમી કહેવાતા સંશોધકોના અધકચરા અંગ્રેજી અનુવાદો વાંચીને સમજેલા ‘અભ્યાસુઓ’ પછી પોતાનું વિવેચન લખીને અર્થના અનર્થ કરે છે. ધર્મમાં કટ્ટરતાનો અર્થ જેમ આજે નકારાત્મક રીતે જ લેવાય છે, તેવું જ આ દમન શબ્દનું થયું છે. એ સાચું, કે દમનનો એક અર્થ પરાણે કરવામાં આવેલું નિયંત્રણ થાય, દમનનો તો એક અર્થ અત્યાચાર પણ કહેવાય છે. તો શું ભગવાને મનુષ્યને એમ કહ્યું કે પોતાના ઉપર અત્યાચાર કરો?!! ભગવાન તો અત્યાચાર કરનારનું ‘દમન’ કરવા, અર્થાત તેમને દંડિત કરવા પૃથ્વી પર વારંવાર અવતાર લે છે, એ સ્વયં મનુષ્યને પોતાના ઉપર જ એ અર્થમાં દમન કરવા કહે જ કેવી રીતે? તો દમન એટલે શું?

સનાતન ધર્મ ઉદ્ધારક આદિ શંકરાચાર્યએ ‘તત્ત્વબોધ’ની રચના કરી છે. આ તત્ત્વબોધમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રાયોજિત ‘દમ’ શબ્દની વ્યાખ્યા કરી છે.

દમન શું છે? ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ. અને નિગ્રહનો અર્થ શું છે? રોકવું, અવરોધ ઊભો કરવો, વશમાં કરવું. એટલે સરળ શબ્દોમાં કહીએ તો, ઇન્દ્રિયોને સમજપૂર્વક રોકવી. આજના સંદર્ભના ઉદાહરણ સાથે સમજાવીએ તો, મોબાઈલમાં કે ટેલિવિઝનમાં સતત માથું ખોસીને બેઠેલા વિદ્યાર્થીને માતા-પિતા અને ગુરુઓ ટોકે છે કે નહીં? દારૂ, સિગારેટ જેવા વ્યસનોમાં ફસાયેલાને પણ રોકીએ છીએ કે નહીં? અભદ્ર ભાષા પ્રયોગ કરનારને, અશિષ્ટ વર્તન કરનારને પણ આપણે અટકાવીએ છીએ કે નહીં? પણ એ બધું નકારાત્મક દમન માનવામાં નથી આવતું. જ્યારે ધર્મની વાત આવે, શાસ્ત્રોની વાત આવે ત્યારે જ નકારત્મક થઇ જાય?!! શાસ્ત્રોનો હેતુ આત્માને અધ્યાત્મને રસ્તે વાળવાનો અને મુક્તિના દ્વાર સુધી લઇ જવાનો છે. તો ત્યાં પણ ભગવાન કૃષ્ણ કહે છે, તેમ ‘દમ’ આવશે જ.

અહીં શંકરાચાર્યએ ‘બાહ્ય ઇન્દ્રિય’ શબ્દ વાપરીને સ્પષ્ટતા પણ કરી જ છે. બાહ્ય ઇન્દ્રિયોને સમજણ પૂર્વક બાહ્ય આકર્ષણોથી મુક્ત કરીને અંત:કરણ તરફ વાળવી એ છે, ઇન્દ્રિય દમન. મનુષ્યની પ્રકૃતિગત વૃત્તિઓનો વિરોધ કરવો. સાધક માટે દમન અનિવાર્ય છે, સિદ્ધ માટે નહીં. સાધના કોઈપણ હોય. વિદ્યાર્થીએ વિદ્યાના લક્ષ્યને પ્રાપ્ત કરવા મોજમજા મૂકીને અભ્યાસમાં મન લગાવવું એ પણ ઇન્દ્રિય દમન જ છે. સમસામયિક અધ્યાત્મમાં સપ્રેશનને ખરાબ ગણાય છે, અને ઘણા તો તેનાથી આગળ વધીને કોઈપણ પ્રકારની ઈચ્છાને એક્સપ્રેશન આપવાની વાત કરે છે. આજે ઘણા ગુરુજનો છે જે કહે છે, ના! દમન ન કરો, દમન એ ખરાબ વસ્તુ છે. દમન એ ખરાબ વસ્તુ નથી, દમન એ ખૂબ જ જરૂરી અને ઉપયોગી વસ્તુ છે.

દમન જરૂરી છે, તે લાંબા સમય માટે જરૂરી છે. પછી ધીમે ધીમે તમે જોશો કે તમે સાધનાના એ તબક્કે પહોંચી ગયા છો જ્યાં દમનની જરૂરિયાત ઓછી અને ઓછી થતી જાય છે અને એક દિવસ તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. ત્યારે કહી દો કે દમનની જરૂર નથી, પણ પ્રારંભિક તબક્કામાં દમન તો કરવું જ પડશે. તમારી આંખો બંધ કરવાનું શીખો. શંકરાચાર્ય કહી રહ્યા છે, “ચક્ષુરાદી બાહ્યોઇન્દ્રિય નિગ્રહ. આ બધી ઇન્દ્રિયો બાહ્ય છે, તે ફક્ત બાહ્ય છે, આંતરિક ઇન્દ્રિયો મન સાથે સૌથી વધુ બોલી શકે છે, બાકીની ઇન્દ્રિયો ફક્ત બાહ્ય સાથે સંબંધિત છે – ખાસ કરીને આંખોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેઓ કહે છે, આંખો બંધ કરતાં શીખો, આ આંખો બહુ પાપી છે. તમારી આંખો બંધ કરતા શીખો, તમારી જીભ પર કાબૂ રાખતા શીખો, દરેક પ્રકારની શારીરિક શિસ્ત શીખો. આ દમન છે. અને જો તમારે તમારી સાધનામાં થોડી પણ પ્રગતિ કરવી હોય તો દમન જરૂરી છે.

ઇન્દ્રિય દમનનો મતલબ માત્ર એટલો નથી કે ઇન્દ્રિયોને બંધ કરી દો. તેનો અર્થ એ પણ છે કે તેમને એ દિશામાં વાળો જે દિશામાં તેણે જવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ એટલે જ બીજા અધ્યાયમાં કહે છે, સંયમનો પ્રયત્ન કરતા જ્ઞાની જનોના મનને પણ ચંચળ ઇન્દ્રિયો બળપૂર્વક હરિ લે છે. માટે સાધક પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને વશમાં રાખીને મારામાં શ્રદ્ધા પૂર્વક ધ્યાનમાં બેસે, કારણકે જેની ઇન્દ્રિયો વશમાં હોય તેની બુદ્ધિ સ્થિર હોય છે.

સંત ચરણદાસજી લખે છે, ‘ઈન્દ્રીન કે બસ મન રહૈ, મન કે બસ રહૈ બુદ્ધ; કહો ધ્યાન કૈસે લગૈ, ઐસા જહાં વિરુદ્ધ’ અર્થાત, – ઇન્દ્રિયોએ મનને વશ કર્યું અને મન બુદ્ધિને વશ કરે છે જ્યારે બુદ્ધિએ મનને વશ કરવું જોઈએ અને મન દ્વારા ઈન્દ્રિયોને વશ કરવું જોઈએ. પણ જ્યારે તેનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય તો મન કેવી રીતે એકાગ્ર થઈ શકે? જૈન ધર્મમાં પણ સંયમ અને તપને ખુબ મહત્ત્વ અપાયું છે અને તેમાં પ્રધાન ઇન્દ્રિયોનો નિગ્રહ શામેલ છે. સંયમના સત્તર પ્રકારોમાં પાંચ ઈન્દ્રિયોનું દમન સંમિલિત છે અને તપનો અર્થ પણ ઈચ્છાઓનો નિરોધ છે. ઇન્દ્રિય સંયમથી કેટલી અદ્ભુત શક્તિઓનો વિકાસ થાય છે તેનું વર્ણન પતંજલિ યોગસૂત્રમાં પણ જોવા મળે છે. કોઈએ બહુ સરસ વાત કરી છે કે, હકીકતમાં ઇન્દ્રિયો ન તો સારી હોય છે, ન ખરાબ. તેને પ્રેરણા કરનાર મન અને આત્મા છે. એટલે આપણે મનને વશ કરવું જરૂર છે, અને મનને વશ કરી શકાય છે આત્મા દ્વારા. કારણકે સર્વોપરી સત્તા આત્મા છે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા વિવેક અને જ્ઞાનની લગામ વડે મન રૂપી ઘોડાને વશમાં કરી શકાય છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…