ધર્મતેજ

કૃષ્ણ એટલે કૃષ્ણ

શ્રીકૃષ્ણ રસિકતાના સ્વામી છે, પ્રેમના પ્રતીક છે, શ્રદ્ધાની દરકાર છે, ભક્તિનું પ્રમાણ છે, જ્ઞાનની પરાકાષ્ઠા છે, ધર્મનો આધાર છે, સત્યની પ્રતીતિ છે, બ્રહ્મનું પ્રતિબિંબ છે, સંપૂર્ણતાની અનુભૂતિ છે,

ચિંતન -હેમુ ભીખુ

કૃષ્ણને ક્યારેય પકડી ન શકાય. જો કે કૃષ્ણને પકડવાનો વિચાર આવે તે જ એક અકલ્પનીય ઘટના છે. તેમને પકડી ન શકાય પણ પ્રેમ કરી શકાય. તેમને જાણી ન શકાય પણ પામી શકાય. તેમને સમજી ન શકાય પણ સ્વીકારી શકાય. ભક્તિના આવેગમાં તેમને રડાવી પણ શકાય, હસાવી પણ શકાય અને નચાવી પણ શકાય. તેમને જકડી ન શકાય પણ દિલમાં બાંધી શકાય. શ્રીકૃષ્ણની દિવ્યતા વર્ણવી ન શકાય પણ તેની અનુભૂતિ ચોક્કસ થઈ શકે.

શ્રીકૃષ્ણ જાણવાનો વિષય નથી અનુભવવા જેવું સત્ય છે. વાંચીને શ્રીકૃષ્ણને સમજી ન શકાય, તેમને સમજવા માટે તેમને પ્રેમ કરવો પડે. શ્રીકૃષ્ણની ક્ષમતા સમજવા માટે કાં તો તેમના મિત્ર બનવું પડે કાં તો દુશ્મન. શ્રીકૃષ્ણની મધુરતા સમજવા માટે કાં તો રાધા બનવું પડે કાં તો મીરા. શ્રીકૃષ્ણનું જ્ઞાન પામવા માટે કાં તો અર્જુન બનવું પડે, કાં તો હનુમાનજી કાં તો ઉદ્ધવ. શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા કાં તો સુદામા થવું પડે કાં તો કુબજા. શ્રીકૃષ્ણનો હાથ પકડવા કાં તો સૂરદાસ થવું પડે કાં તો યશોદા. શ્રીકૃષ્ણને પામવા કાં તો જ્ઞાની થવું પડે કાં તો ભક્ત. શ્રીકૃષ્ણનો સ્પર્શ પામવા કાં તો ગાય થવું પડે કાં તો ગોવર્ધન. શ્રીકૃષ્ણને વચને બાંધવા કાં તો દ્રૌપદી થવું પડે કાં તો ઉત્તરા. શ્રીકૃષ્ણના નિમિત્તે ઉદ્ધાર પામવા કાં તો બર્બરીક થવું પડે કાં તો શટકાસુર.

શ્રીકૃષ્ણ રસિકતાના સ્વામી છે, પ્રેમના પ્રતીક છે, શ્રદ્ધાની દરકાર છે, ભક્તિનું પ્રમાણ છે, જ્ઞાનની પરાકાષ્ઠા છે, ધર્મનો આધાર છે, સત્યની પ્રતીતિ છે, બ્રહ્મનું પ્રતિબિંબ છે, સંપૂર્ણતાની અનુભૂતિ છે, આધ્યાત્મિકતાનો સમન્વય છે, મુક્તિનો માર્ગ છે, સૃષ્ટિનું કારણ છે, વિવેકની મૂર્તિ છે, સાત્વિકતાના પ્રેરક છે, ગીતાના રચયિતા છે, યુદ્ધના માર્ગદર્શક છે અને જીવન રથના સારથિ છે. શ્રીકૃષ્ણ શિવજીના પણ આરાધ્ય છે, મા લક્ષ્મીજીના સ્વામી છે, મા સરસ્વતીની પ્રેરણા છે, બલરામના સંગાથી છે, શ્રીરામના અનુજ છે, ઇન્દ્રના સ્વામી છે, ગૌલોકના અધિપતિ છે, વૈકુંઠના મહારાજા છે, સાથે સાથે, જગતનો શ્વાસ છે, જગતનો વિશ્ર્વાસ છે અને આ વિશ્ર્વાસની ખાતરી છે.

તેઓ સમુદ્ર છે, સમુદ્રની લહેર છે અને તે લહેરથી ઉઠતી બુંદ પણ છે. સૃષ્ટિના સર્વ શક્તિમાન કર્તા તેઓ છે, સૃષ્ટિના સર્જન પાછળનું કારણ તેમનું જ આયોજન છે, અને સૃષ્ટિના નિયમોમાં તેમની જ સત્તા પ્રવર્તે છે. આ સૃષ્ટિમાં શિવમાંથી જીવ બની તેઓ જ પ્રવેશે છે. સૃષ્ટિનો પ્રપંચ પણ તેમને આધારિત છે અને આ પ્રપંચથી મુક્ત થવાની સંભાવના પણ તેમને કારણે જ છે. જીવનનો અંધકાર પણ તેમનું જ સર્જન છે અને આ અંધકારમાં પ્રકાશ પ્રવેશી શકે તેની વ્યવસ્થા પણ તેમણે જ કરી આપી છે.

જે સંપૂર્ણ છે તે અપૂર્ણતાની પહોંચમાં ન હોય. શ્રીકૃષ્ણ સૃષ્ટિના અસ્તિત્વની એકમાત્ર પૂર્ણ ઘટના છે. અહીં કશું જ બાકી નથી. અહીં કશું જ ખૂટતું નથી. અહીં કશું જ અપૂર્ણ નથી. અહીં બધા જ રંગ સમાયેલા છે. સૃષ્ટિમાં સંભવિત પ્રત્યેક ભાવ અહીં એક યા બીજા સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે. મનની ઉત્પત્તિનું, જ્ઞાનની સ્થાપનાનું, આનંદની સંભાવનાનું તથા આત્માના અસ્તિત્વનું જે કારણ છે, તે શ્રીકૃષ્ણ એકાગ્રતા સાથે વિરોધાભાસથી પણ સભર છે. તેમની માટે વિરોધી જણાતી બાબતો પણ સમન્વયિત તથા એકાકાર સ્વરૂપે હોય છે.

સંપૂર્ણ આધ્યાત્મના સાર સમાન ગીતામાં પણ તે અમુક બાબતો બીજા પર છોડી દેશે. કોઈપણ કાર્યની સફળતા માટેના કારણો તેઓ સાંખ્ય દર્શનનો સંદર્ભ આપીને કહેશે. સાથે યોગની કેટલીક ક્રિયાઓ માટે ગુરુની સેવા કરી તેમને પ્રશ્ર્ન પૂછી જ્ઞાન મેળવી લેવું તેમ પણ જણાવશે.વિભૂતિ યોગમાં સૃષ્ટિના દરેક શ્રેષ્ઠ તત્ત્વની વાત કરશે અને દરેકમાં તેનું પ્રતિનિધિત્વ દર્શાવશે.

ભક્તિમાં ડૂબેલી કુમારીકા તથા વિધવાઓ માટે તે પતિ સમાન છે તો નિસંતાન તથા અન્ય સ્ત્રીઓ માટે તે બાળક બની જાય છે. ઈશ્ર્વરનો આધ્યાત્મિક પ્રેમ પામવા ઇચ્છતી ક્ધયા-ગોપી માટે તે આદર્શ પ્રેમી બની રહે છે તો આસુરી શક્તિ ધરાવનાર અસ્તિત્વ માટે તે મહાકાળ છે. પણ આ પહેલા તેઓ દરેક પ્રકારની ખાતરી કરી લેશે. અયોગ્ય વ્યક્તિને સામર્થ્ય ન મળે તેની તેઓ ખાસ કાળજી રાખશે. સુદામાને લખલૂટ આપતા પહેલા બરાબર તપાવશે. દ્રૌપદીની લાજની રક્ષા કરતા પહેલા પરિસ્થિતિને ચરમ-કક્ષા સુધી જવા દેશે. મહાભારતના યુદ્ધને અઢાર દિવસ સુધી લંબાવશે. આ બધા પાછળ એમ જણાય છે કે માત્ર યોગ્ય ઉદાહરણ સ્થાપિત કરવાની તેમની ભાવના છે. કૃષ્ણને કળવા કઠિન છે. તેમની માટે તમે એક પૂર્વ ધારણા બાંધશો તો અન્ય પ્રકારની હકીકત પણ સામે આવી જશે. તેમનામાં બધા જ રંગ સમાયેલા છે.

શ્રીકૃષ્ણનું દર્શન આંખોની શાંતિ છે. શ્રીકૃષ્ણની કથા-શ્રવણ કાનનું અમૃત છે. શ્રીકૃષ્ણનું કીર્તન વાણીની મીઠાશ છે. શ્રીકૃષ્ણની ભક્તિ સંપૂર્ણ સમર્પિતતાનો પર્યાય છે. શ્રીકૃષ્ણના કથનનું – શ્રીકૃષ્ણની ગીતાનું ચિંતન જ્ઞાનની પરિભાષા છે. શ્રીકૃષ્ણ માટેની કોઈપણ પ્રકારની તત્પરતા આધ્યાત્મનો પરમ માર્ગ છે. શ્રીકૃષ્ણ માટેનું ભોજન પ્રસાદી છે. શ્રીકૃષ્ણના મંદિરનો શંખનાદ અનાહત બ્રહ્મનાદ છે. શ્રીકૃષ્ણના મંદિર તરફનો માર્ગ મુક્તિનો માર્ગ છે. શ્રીકૃષ્ણનું સ્મરણ અંતરના ઉમળકાનો પડઘો છે. શ્રીકૃષ્ણનું વિસ્મરણ જન્મ-મરણના ચક્રની યાતના છે. શ્રીકૃષ્ણનો સંપૂર્ણ અસ્તિત્વની સ્વીકૃતિ સૃષ્ટિની સંપૂર્ણતાની સ્વીકૃતિ છે. તેમના અસ્તિત્વનો એક અંશ માત્ર સમગ્ર જગતને સાત્વિકતાથી ધારણ કરવા સમર્થ છે.

જેમના ભાવ અને વિચાર માત્રથી આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે. જેમના એક મધુર હાસ્યથી સમગ્ર સૃષ્ટિમાં મધુરતા પ્રસરી જાય છે. જેમના એક સ્પંદન માત્રથી પંચમહાભુતો વિહ્વળ થઈ જાય છે. એક સાથે તેઓ અપાર વિસ્તાર અને સૂક્ષ્મતાને ધારણ કરી શકે છે. એક જ સમયે જે અતિ દૂર તેમજ સૌથી નજીકનું સ્થાન ગ્રહણ કરી શકે છે – એક જ સમયે જે અહીં-તહી-સર્વત્ર હાજર રહી શકે છે. જેમનો સ્વભાવ આધ્યાત્મ છે અને આધ્યાત્મને જે જીવી શકે છે – તે શ્રીકૃષ્ણને અસ્તિત્વના પ્રત્યેક અણુ થકી સંપૂર્ણ સમર્પિત પ્રણામ.

મોરપીંછ અને પીળું પીતાંબર ધારણ કરનાર શ્રીકૃષ્ણ માનવ ઇતિહાસમાં એક અદ્ભુત, અનેરી, દિવ્ય, સાત્વિક, ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારની એક આધ્યાત્મિક ઘટના છે. માત્ર પ્રેમ કરવાથી જ તેમને પામી શકાય. ઇન્દ્રિયોનો લય કરવાનો, મનને શાંત કરવાનું, બુદ્ધિને દૂર કરવાની, ચિત્તને આરામ આપવાનો અને શ્રીકૃષ્ણને પામવાના.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…