ધર્મતેજ

કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણનું વિરાટ ક્ષેત્રધર્મક્ષેત્ર – કુરુક્ષેત્ર

પ્રાસંગિક -ગુણવંત શાહ

ગીતાનો પ્રારંભ બે મધુર શબ્દોથી થાય છે: ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. ધર્મક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર, જેમાં માનવતા ટકી રહે એવા અનુશાસન માટેના નિયમોની આણ હોય. એ ધર્મ એટલે religion નહીં. એ ધર્મનો ખરો સંબંધ માનવતા સાથે છે. જે ગામમાં બધા જ લોકો ચોર હોય તે ગામ ટકી શકે ખરું? ચોરી ન કરવી એ ધર્મનો ભાગ ગણાય કારણ કે ગામ ટકી શકે તેમાં સૌનું સ્થાપિત હિત રહેલું છે. એ ગામને આપણે ધર્મક્ષેત્ર કહી શકીએ. સમગ્ર વિશ્ર્વગ્રામ આ અર્થમાં એક વિરાટ ધર્મક્ષેત્ર ગણાય. આજની દુનિયામાં યુનો જેવી સંસ્થાને આપણે ધર્મક્ષેત્રના કેન્દ્ર સ્થાને મૂકી શકીએ. કોઇ પણ માનવતાવાદી નાસ્તિકને ‘અધાર્મિક’ ગણવાનું યોગ્ય નથી. મહાભારતનો મર્મ એક જ શબ્દમાં સમાયો છે. એ શબ્દ છે: ‘ધર્મ.’

કુરુક્ષેત્ર એટલે કર્મક્ષેત્ર. કૃષ્ણ ગીતામાં કહે છે કે એક ક્ષણ માટે પણ માનવી કર્મ કર્યા વિના રહી શકતો નથી. જો આ વાતનો સ્વીકાર કરીએ તો દુનિયાની સુખાકારી ખરો આધાર પ્રતિક્ષણ થતાં રહેતાં કર્મો પર રહેલો છે. એ કર્મો સખણાં રહે તો માનવી સુખી થાય અને કર્મો અવળાં થાય તો માનવી દુ:ખી થાય. અવળું કર્મ એટલે શું? કવિ ઉમાશંકરે એને ‘વાંકું જતું પાપ’ કહ્યું છે. ઇશોપનિષદમાં એવા વાંકાં કર્મો માટે ‘જુહુરાણમ’ શબ્દ પ્રયોજાયો છે. ‘પાપ’ શબ્દનો ખરો અર્થ સમજી રાખવા જેવો છે. આ વિશ્ર્વમાં વ્યાપેલો કોસ્મિક લવ ખોરવાય કે ખોટકાય તેવું કર્મ એટલે પાપ. પાપનો સંબંધ પૃથ્વીથી પર એવા કોઇ નરક સાથે નથી. પાપને કારણે આ પૃથ્વી જ નરક બની રહે છે. નરક પૃથ્વીથી દૂર એવી કોઇ વસાહત નથી. હિંસા, દ્વેષ, ઇર્ષ્યા, લોભ, શોષણ, ચોરી, જૂઠ અને ક્રૂરતાને કારણે જીવનલય ખોરવાય છે. જો જીવનમાં ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્ર જળવાઇ જાય તો ઘણી બધી માનવસર્જિત આપત્તિઓ ટળી જાય. હુલ્લડ થાય એ માનવસર્જિત આપત્તિ છે. ધરતીકંપ એ પ્રકૃતિસર્જિત આપત્તિ છે. માનવસર્જિત આપત્તિ અધર્મનું પરિણામ છે. કયારેક ધર્મના નામે આવી આપત્તિ સર્જાય છે. એવા સંકુચિત અને સંસ્થાન્વિત ધર્મને ગીતાએ પ્રબોધેલા ‘ધર્મ’ સાથ કોઇ લેવા દેવા નથી. એચ. જી. વેલ્સ સાવ સાચું કહે છે : “our true nationality is mankind ‘ માનવ ધર્મને કોમ કે રાષ્ટ્ર સાથે ઝાઝી લેવા દેવા નથી.

ગીતાનો પ્રથમ અધ્યાય ‘અર્જુનવિષાદયોગ’ તરીકે જાણીતો છે. હજી દુનિયા ગીતાના પ્રથમ અધ્યાયથી આગળ વધવાનું નામ નથી લેતી. અર્જુનનો વિષાદ એ ખરેખર તો માનવજાતનો વિષાદ છે. અર્જુનનો વિષાદ સો ટચનો હતો. આપણા તો વિષાદ પણ ભેળસેળિયો! સો ટચનો વિષાદ સૌના નસીબમાં હોતો નથી. વિષાદ પણ ઉપકારક બની શકે છે. જો આપણે અર્જુન જેટલા ઋજુ થઇએ તો કૃષ્ણ આપણા સારથિ બનવા તૈયાર છે. એ કૃષ્ણ અંતર્યામી છે. એ આપણી ભીતર બેઠેલા ઉપદ્રષ્ટા (અમ્પાયર) છે. આપણી શ્રદ્ધા ખટપટ પર છે. ખટપટની ખીંટી પર આપણો અહંકાર લટકેલો હોય છે. પરિણામે આપણો વિષાદ પણ સો ટચનો નથી હોતો. આપણે વાયા અર્જુન કૃષ્ણ સુધી પહોંચી શકીએ. જો આપણો વિષાદ અર્જુનના વિષાદ જેવો સાચકલો બની જાય તો બેડો પાર!

માનવીનું હૃદય લગભગ વલોણું બની જાય એવો ઘેરો વિષાદ જીવનમાં પ્રત્યેક મનુષ્યને મળવો જોઇએ. લાગણીઓનું ઘમ્મર વલોણું પણ એક આધ્યાત્મિક ઘટના છે. જીવન ગીતા કદી પણ વિષાદયોગ વિના જામતી નથી. વિષાદ માટે પ્રયત્ન કરવો પડતો નથી. જીવનમાં ત્રણ દુર્ઘટનાઓ ગમે તે દિશામાંથી આવી પડે છે:
૧. સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ
૨. અત્યંત પ્રિય પાત્ર તરફથી થયેલી દગાબાજી.
૩. કોઇ ભયંકર રોગ ઓચિંતો પેધો પડે.

વિષાદની પળોમાં માનવીના મનનું સ્નાન થતું રહે છે. પરિણામે મન શરદઋતુમાં નદીના જળ જેવું શુદ્ધ બની જાય છે. આવી ચિત્તશુદ્ધિ થાય તો વિષાદ પણ વિષાદયોગ બનીને સાર્થક થાય. વિષાદની ટપાલ જયારે શત્રુ તરફથી મળે ત્યારે એમાં ઊંડાણ નથી હોતું. વિષાદનો ખરો સ્વાદ તો ત્યારે જ ચાખવા મળે, જયારે એ આપણા જિગરના ટુકડા તરફથી પ્રાપ્ત થાય. લાગણીઓનું ઘમ્મર વલોણું ચાલે પછી જે નવનીત પ્રાપ્ત થાય તેમાં કોઇ ખટાશ નથી હોતી. નવનીત સ્વાદયુક્ત હોય કે ન હોય, પણ સત્ત્વયુકત અવશ્ય હોય છે. કૃષ્ણ માખણચોર છે અને વળી ચિત્તચોર પણ છે.

ક્યાંક નિ:શેષપણે ઓગળી જવાનું સદ્ભાગ્ય સૌને નથી સાંપડતું. પથરો ઝટ ઓગળી નથી શકતો, કાંપ ઓગળી શકે છે. કાંપ જીવન સરિતામાં વિલીન થઇ જાય છે અને કયાંક ઠરી શકે છે. પથરો વહેતો નથી. એ તો ઘસડાય છે અને એને વિલીન થવા માટે સદીઓ ઓછી પડે છે. એ પથરો ઘસડાય છે, અફળાય છે, ટુકડે ટુકડા થઇ જાય છે. એ પથરાનું નામ શિશુપાલ છે. એનો અહંકાર દેહવિલય થાય ત્યાં સુધી મટતો નથી. એવા જ બીજા પથરાનું નામ દુર્યોધન છે. આપણી ભીતર પડેલા શિશુપાલ અને દુર્યોધન આગળ કૃષ્ણ પણ લાચાર છે!

ભગવદ્ગીતાનો પ્રારંભ વિષાદયોગથી થયો તે ઘટના સૂચક છે. ભીતર ડોકિયું કરીએ તો સમજાય છે કે વિષાદની પળોમાં અંદરથી એક જોરદાર લાગણી મનનો કબજો લેતી હોય છે. એ લાગણી તે કયાંક સંપૂર્ણપણે મટી જવાની લાગણી. માતાની ગોદમાં સૂતેલું બાળક નિશ્ર્ચિત હોય છે. આવી નિશ્ર્ચિતિનો અનુભવ ભક્તને કૃષ્ણની શરણાગતિમાં થાય એ શકય છે. ગીતાનું ઉદ્ઘાટન વિષાદથી થાય છે અને એની પૂર્ણાહુતિ, ‘કરિષ્યે વચનં તવ’ જેવા ત્રણ શબ્દોમાં પ્રગટ થતી સંપૂર્ણ શરણાગતિ દ્વારા થાય છે. આવી નિરપવાદ શરણાગતિમાં કિંતુ-પરંતુના ઘોંચપરોણા ન હોય. એમાં સંશય ન હોય, કેવળ સ્વીકાર હોય. માણસના અસ્તિત્તવનાં ગર્ભમાં ક્યાંક સમર્પિત થઇને ઓગળી જવાની અભીપ્સા રહેલી જણાય છે. આવી તીવ્ર સમર્પણ વૃત્તિને આપણે ‘મીરાંવૃત્તિ’ કહી શકીએ. સો ટચનો વિષાદ મૂલ્યવાન છે કારણ કે એ આપણી ભીતર સંતાયેલી મીરાંવૃત્તિને જગાડી શકે છે. હૃદયને વલોવી નાખનારા અપ્રદૂષિત વિષાદનું અભિવાદન હો. મીરાંવૃત્તિની બિલકુલ સામે શિશુપાલવૃત્તિ રહેલી છે. મીરાંવૃત્તિ પ્રગટ કરનારી ભક્તકવિ કેશવની પંક્તિઓ સાંભળો:
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

શિશુપાલવૃત્તિમાં આધુનિક ઉદાહરણોમાં હિટલર, મુસોલિની, સ્તાલિન, માઓ ઝેડોંગ અને ઓસામા બિન લાદેનને મૂકી શકાય. હિટલરનો અહંકાર ભારેખમ હતો. મીરાંની જીવનચર્યા હળવીખમ હતી. આલ્ફ્રેડ એડલર જેવો મનોવિજ્ઞાની કહી ગયો કે માનવીને ‘પાવર’ ગમે છે. પાવરનો સંબંધ અહંકાર સાથે છે. મહાત્મા ગાંધીએ પોતાના જીવન દ્વારા દુનિયાને સમજાવ્યું કે “Truth is the highest from of power’ સત્યમાં પડેલા સામર્થ્યનો પરચો જગતને ગાંધીજીએ કરાવ્યો. વિરાટ બ્રિટિશ સામ્રાજયની સામે એક દુર્બળ ડોસાનું બોખું સ્મિત! સત્યની ઊર્જા એટલે શું તે મહાત્માએ સમજાવ્યું.

ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્રની જાળવણી ખેતરપાળ બનીને કરવાની છે. આ સમગ્ર બ્રહ્માંડ (કૉસ્મોસ) આખરે તો પરમ કૃષ્ણનું વિરાટ લેવલ-પ્લેઇંગ ફિલ્ડ છે. આ ફિલ્ડ (ક્ષેત્ર)માં વિહરતી આપણી ચેતનાને ગીતાએ (તેરમાં અધ્યાયમાં) ‘ક્ષેત્રજ્ઞ’ તરીકે પ્રમાણી છે. જે વિરાટ ક્ષેત્ર અનંતપણે વ્યાપેલું છે. તેમાં બધા જીવો એકમેક સાથે જોડાયેલા છે. વિજ્ઞાનીઓએ એ વાત Field Theoryતરીકે પ્રમાણી છે. આ જગતમાં કશુંય પૃથક નથી. આજના વિજ્ઞાનીઓ સમગ્ર બ્રહ્માંડને કરોળિયાના વિરાટ જાળા (Web) સાથે સરખાવે છે. એ જાળનું અનંત છે તોય …. જ છે. આવી ચરમ એકતાની સમજણમાં ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્રનો મર્મ સમાયો છે. કૃષ્ણ જેવા યોગેશ્ર્વરે એ મર્મને ગીતામાં પ્રગટ કર્યો છે.

વિશ્ર્વમાં બધું જ સંલગ્ન છે. ઓટલા પર ચાલતી ગોકળગાય પણ આપણાથી જુદી નથી. એની ગતિ કલાકના સેન્ટિમીટર હશે? એને આત્મભાવે નીરખવી એ ધ્યાન છે. કૃષ્ણ લીલાપુરુષોત્તમ છે. વિશ્ર્વનું લેવલ-પ્લેઇંગ ફિલ્ડ એનું લીલાક્ષેત્ર છે. એ લીલાને પ્રાર્થનામય ચિત્તે અવલોકવી એ જ સાધના છે. પ્રાર્થના કરવી નથી પડતી. એ તો થઇ જતી હોય છે. ધ્યાન કરવું નથી પડતું. એ થઇ જતું હોય છે. ભગવદ્ગીતા કેવળ હિન્દુ ગ્રંથ નથી. એણે દારા શિકોહને, વોરન હૉસ્ટિંગ્સને, એમર્સનને, થોરોને, ટી.એસ.એલિયટને, આલ્ડસ હકસ્લીને , આઇન્સ્ટાઇનને અને ટર્કીના વડા પ્રધાન બ્યુલેન્ટ ઇસેવિટને પણ અખૂટ પ્રેરણા પૂરી પાડે છે.
એ વડા પ્રધાને ગીતાનો અનુવાદ ટર્કિશ ભાષામાં કર્યો છે. પવનનું પોટલું ન બંધાય, વિચારની માલિકી ન હોઇ શકે. ભગવદ્ગીતા એક વિચારનું નામ છે. એ વિચારમાં શ્રાવણની ભીનાશ છે, પવનની ગતિશીલતા છે, આકાશની વિશાળતા છે અને મહાસાગરનું ઊંડાણ છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…