મની લોન્ડરિંગ અને ડ્રગ તસ્કરીના આરોપમાં ટેલિગ્રામના સ્થાપકની અટકાયત
પેરિસઃ ટેલિગ્રામ મેસેજિંગ એપના સ્થાપક પાવેલ ડુરોવની ફ્રાન્સ અધિકારીઓ દ્વારા પેરિસની બહાર એક એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
સીએનએન સાથે સંલગ્ન બીએફએમટીવી અનુસાર ફ્રાન્સ કસ્ટમ્સ સાથે જોડાયેલા ફ્રાન્સના એન્ટી ફ્રોડ ઓફિસના અધિકારીઓએ શનિવારે સાંજે ફ્રાન્સ-રશિયન અબજોપતિની ત્યારે અટકાયત કરી જ્યારે તેઓ અઝરબૈજાનથી એક ફ્લાઇ્ટમાં બોર્ગેટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
૩૯ વર્ષીય ડુરોવ ટેલિગ્રામ પર સંયમનના અભાવને કારણે ફ્રેન્ચ ધરપકડ વોરંટ હેઠળ વોન્ટેડ હતા. સંયમનના અભાવના લીધે પ્લેટફોર્મનો ઉપયોગ મની લોન્ડરિંગ, ડ્રગ તસ્કરી અને પીડોફાઇલ સામગ્રી શેર કરવા માટે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ! ટેલિગ્રામ ચેનલનો દાવો
બીએફએમટીવી અનુસાર ધરપકડ વોરંટ જારી થયા બાદથી ટેલિગ્રામના સ્થાપકે રશિયાથી ફ્રાન્સ અને યુરોપની મુસાફરી કરી નહોતી. મોસ્કો ટાઇમ્સે ફ્રાન્સના સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું કે ખાસ કરીને ફ્રાન્સે ટેલિગ્રામ પર સંયમનના અભાવે અને કાયદાના અમલીકરણમાં સહકાર આપવામાં તેની નિષ્ફળતાને કારણે ડ્રગ તસ્કરી, બાળકો વિરુદ્ધના અપરાધ અને છેતરપિંડીમાં સંડોવણીના આરોપસર ડુરોવ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
હાલમાં ટેલિગ્રામના રશિયન મૂળના સ્થાપક દુબઇમાં રહે છે. ટેલિગ્રામનો ૯૦૦ મિલિયનથી વધુ લોકો ઉપયોગ કરતા હોવાનું તેમનું કહેવું છે. ડુરોવ ઓગસ્ટ ૨૦૨૧માં ફ્રાન્સના નાગરિક બન્યા હતા. તેઓ VKontakte સોશિયલ નેટવર્કના સ્થાપક પણ છે. તેણે ૨૦૧૪માં રશિયા છોડી દીધું હતું કારણ કે તેમણે VKontakteના વપરાશકર્તાઓનો ડેટા રશિયન સુરક્ષા સેવાઓ સાથે શેર કરવાનો ઇનકાર કર્યો હતો.