ગુજરાત ડ્રગ્સના વેપારનું એપી સેન્ટર: કૉંગ્રેસપાંચ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભાજપ સરકારના શાસનમાં ડ્રગ્સનો વેપલો ફુલ્યો ફાલ્યો છે ત્યારે નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ, ડી.આર.આઈ., ઈ.ડી., સી.બી.આઈ. સહિતની સંસ્થાઓને વિપક્ષના નેતા – આગેવાનો પાછળ લગાવવાના બદલે ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોને સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી હોત તો આજે ગુજરાત ડ્રગ્સના વેપારનું એપી સેન્ટર ન બન્યું હોત. છેલ્લા પાંચ વર્ષમાં ૬૦૦૦ કિગ્રા થી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો જેની કિંમત આશરે ૫૦,૦૦૦ કરોડથી વધુ થાય છે એવું કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.
કચ્છમાં રૂ. ૮૦૦ કરોડનું કોકેઇન પકડાવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવક્તાએ ડો. દોશીએ વધુમાં રહ્યું હતું કે, ન પકડાયેલો જથ્થો કેટલો જંગી હશે તેની કલ્પનાથી દેશના યુવાનોના ભવિષ્ય કેટલું બરબાદ થશે ? તે અતિ ચિંતાજનક છે. કચ્છની ખાડીમાંથી ૮૦૦ કરોડનું કોકેઈન ઝડપાયું. ડ્રગ્સનો વેપાર કરનાર કેમ પકડાતા નથી ? અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ પણ મોકલનાર કે ખરીદનાર કેમ પકડાતા નથી ? દેશના યુવાનોને રોજગારને બદલે ડ્રગ્સ તરફ ધકેલનાર કોણ ? કરોડો રૂપિયાનું ડ્રગ્સ-નશીલા મુદ્દામાલ વારંવાર ઠલવાઈ રહ્યા છે, શું આ છે ભાજપનું સુશાસન મોડલ ? એવો સવાલો તેમણે ઉઠાવ્યાં હતા.
દેશના ભવિષ્ય સમા યુવાનોને નશા, વ્યસનના અંધકારમાં ધકેલવાનું સુનિયોજિત ષડયંત્રને ડામવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી- સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને એકતા માટે સમગ્ર વિશ્ર્વમાં આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતનો ઈતિહાસ ગાંધી-સરદારનો વારસો છે. પરંતુ ભાજપ સરકારે ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોને ડ્રગ્સના હવાલે સોંપી દીધું છે. દેશમાં ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશદ્વાર કેમ ગુજરાતની ભૂમિ બની રહી છે? કચ્છમાંથી ૮૦૦ કરોડ રૂપિયાનું ૮૦ કિલોથી વધુ ડ્રગ્સ કોકેઈન દરિયાકિનારે બિનવારસી સ્થિતિમાં મળી આવ્યું. દેશમાં ડ્રગ્સ-નશીલા પદાર્થોના વેપારનું મુખ્યદ્વાર ભાજપ સરકારનાં શાસનમાં ગુજરાત રાજ્ય બન્યું છે. સમગ્ર દેશમાં નશીલા પદાર્થ – ડ્રગ્સ પહોંચાડવા માટેનું ગુજરાત રાજ્ય એપી સેન્ટર બન્યું છે. સરકારની ઢીલી નીતિના કારણે ડ્રગ્સ પેડલર્સ – ડ્રગ્સ માફિયાઓમાં પોલીસ અને પ્રશાસનને જરાય ડર રહ્યો નથી. જેના પગલે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ, જુગારની સાથે સાથે ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. જે આપણા સૌ ગુજરાતીઓ માટે ખૂબ ચિંતાનો વિષય છે. ગુજરાતમાં છાસવારે પકડાતું ડ્રગ્સ અને નશીલા પદાર્થોના નાની માછલીઓ પકડી મોટા મગરમચ્છો પકડવામાં અને ડ્રગ્સના નેક્શસને તોડવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. તેવું એક પછી એક ઘટનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ડ્રગ્સ – માદક – નશીલા પદાર્થોના સુનિયોજિત વ્યાપારને કારણે યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. સુનિયોજિત રીતે ચાલતા ડ્રગ્સના વ્યાપારને રોકવાને બદલે ભાજપ સરકારના શાસનમાં ડ્રગ્સનો વેપલો ફુલ્યો ફાલ્યો છે ત્યારે નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ, ડી.આર.આઈ., ઈ.ડી., સી.બી.આઈ. સહિતની સંસ્થાઓને વિપક્ષના નેતા – આગેવાનો પાછળ લગાવવાના બદલે ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોને સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી હોત તો આજે ગુજરાત ડ્રગ્સના વેપારનું એપી સેન્ટર ન બન્યું હોત.
ગુજરાતમાં કોકેન, એમ.ડી., એલ.એસ.ડી., ક્રીમ ચરસ, બ્રાઉન શુગર કે ગાંજો પળવારમાં હોમ ડિલિવરી થઈ જાય છે. ભાજપ સરકાર દારૂબંધી – વ્યસન બંધી સામે માત્ર તપાસના આદેશ આપી સમગ્ર ઘટના લીપાથોપી કરે છે. મોટા પાયે હપ્તાનું ગોઠવણ લાભાલાભ ન હોય તો આટલું મોટું ડ્રગ્સ માફિયાનું સુનિયોજિત વેપાર તંત્ર કંઈ રીતે ચાલી શકે ? અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના વિદેશોમાંથી આવતું ડ્રગ્સ એ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ર્ન છે ત્યારે સરહદી વિસ્તાર અને ૧૬૦૦ કિ.મી.ના દરિયાકિનારા પર ઠલવાઈ રહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી કરનાર અને કરાવનાર માફિયાઓના મૂળ સુધી પગલાં ભરવાં જોઈએ.