જ્વાળામુખી ફાટ્યો અને હાઇકર્સો જાન બચાવવા…. જુઓ વીડિયો

ઈન્ડોનેશિયામાં માઉન્ટ ડુકનો જ્વાળામુખી અચાનક ફાટતા ત્યાં ફરવા આવેલા પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે પોતાનો જીવ બચાવવા ખતરનાક ઢોળાવ પરથી નીચે ઉતરવા નાસભાગ કરી મૂકી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં આ ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે. વીડિયોમાં, આકાશમાં રાખના વિશાળ વાદળને જોઈને ટેકરી પર ચડતા લોકો ગભરાઈને ભાગતા જોઈ શકાય છે. આ જ્વાળામુખી વિસ્ફોટ આ મહિનાની શરૂઆતમાં થયો હતો, જેનો નજારો ડ્રોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. રાખના વાદળને તેમની તરફ આવતા જોઈને પ્રવાસીઓ ખૂબ જ ડરી ગયા હતા અને માઉન્ટ ડુકના ખડકાળ વિસ્તારમાં પાછળની તરફ ભાગવા લાગ્યા હતા.
આ ઘટનામાં જોકે, તમામ પ્રવાસીઓ બચી ગયા હતા. મીડિયાના એક અહેવાલ અનુસાર, ઇન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર એજન્સીની ચેતવણી છતાં અને અહીં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પ્રવાસીઓ હલમહેરાના ખતરનાક વિસ્તારમાં પ્રવેશ્યા હતા. હલમહેરા ઇન્ડોનેશિયાના દૂરના વિસ્તારમાં આવેલો એક ટાપુ છે જે તેના ઉબડ-ખાબડ વિસ્તાર અને છૂટીછવાઇ વસ્તી માટે જાણીતો છે. માઉન્ટ ડુકનો ઘણા વર્ષોથી ફાટવાની સ્થિતિમાં હોવાથી નેશનલ ડિઝાસ્ટર એજન્સીએ માઉન્ટ ડુકનો પર ચઢવા સામે સખત વોર્નિંગ આપી હતી, પણ તેમની ચેતવણીઓને અવગણીને લોકો માઉન્ટેન પર ચઢી ગયા હતા અને તે જ સમયે આ માઉન્ટેન પરનો જ્વાળામુખી ફાટ્યો હતો, જેથી ગભરાઇને લોકો ભાગવા માંડ્યા હતા.