ભારે વરસાદથી દાહોદમાં ૧૦૦થી વધુ મકાનો ધરાશાયી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દાહોદ જિલ્લામાં મોડી રાત્રે વાવાઝોડાં સાથે આવેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જેમાં જાલત, ગમલા તેમજ ચંદવાણા તથા સુખસર, ફતેપુરા જેવા તાલુકા મથકોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું તેમાંય ખાસ કરીને ગમલા તથા આસપાસના ગામોમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનોને નુકસાન થયુ હતું. મોટા પ્રમાણમાં વૃક્ષો, વીજ થાંભલા વીજ ટ્રાન્સફોર્મર તથા ૩૦૦ વર્ષ કરતા પણ જૂના ચામુંડા માતાનું સ્થાનક પણ આવા વાવાઝોડાની ઝપટમાં આવી જમીન દોસ્ત થઇ જવા પામ્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં પ્રચંડ વાવાઝોડાં સાથે ત્રાટકેલા ભારે વરસાદે દાહોદ શહેરથી તદ્દન નજીક ગણાતા ગમલા જાલત ચદવાણા સહિતના ગામોમાં ભારે ખાનાખરાબી સર્જી હતી. એકલા જાલત ગામનાં સબેલા ફળિયા, સરપંચ ફળિયા તેમજ અન્ય આજુબાજુના ફળિયામાં આવેલા ૧૦૦થી વધુ કાચા મકાનો પ્રચંડ વાવાઝોડાની અડફેટે આવતા ધરાશાયી થયાં હતા. વીજ પુરવઠો ગુલ થતા ગ્રામનજનોને ભારે હાલાકી પડી રહી છે. મકાઇ અને ડાંગર સહિતના ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.