Janmashtami special: દ્વારકા-ડાકોર-શામળાજીમાં દર્શને જતાં પહેલાં આટલું જાણી લો
દ્વારકાઃ આવતીકાલે આખો દેશ જન્માષ્ટમી ઉજવશે અને કૃષ્ણમય બનશે ત્યારે ગુજરાતના બે મંદિર દ્વારકાધીશ અને ડાકોરના રણછોડરાય મંદિરમાં લાખોની ભીડ જામશે.
લાખોની સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકરનાં દર્શનાર્થે ઊમટતા હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં શ્રીજીનાં દર્શનના સમયમા ફેરફાર કરાયો છે. શહેરના કેટલાક વિસ્તારો ‘નો પાર્કિંગ’ તેમજ ‘પાર્કિંગ’ ઝોન તરીકે ઉપયોગમાં લેવા તેમજ વિવિધ રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દ્વારકામાં શ્રીજીનાં દર્શનના સમયમાં ફેરફાર
યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવવાની હોવાથી મંદિર વહીવટદારની યાદી અનુસાર શ્રીજીનાં દર્શનના સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 6થી 8 મંગળા આરતી, સ્નાન અભિષેકના દર્શન સવારે 8 વાગે, રજભોગ (દર્શન બંધ) સવારે 10 વાગે, જનમાષ્ટમી મહોત્સવના આરતી દર્શન રાત્રે 12 વાગે, અનોસર (મંદિર બંધ) રાત્રે 2.30 વાગ્યાનો રહેશે.
જન્મોત્સવની ઉજવણી દરમિયાન દર્શન માટે લાખો ભક્તો દ્વારકા આવવાના હોવાથી અલગ અલગ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે એ માટે રસ્તાઓને વન-વે જાહેર કરાયા છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
ડાકોરમાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી
આવતીકાલે કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી થશે. રણછોડજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ જશે. ભક્તો ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવશે. ત્યાર બાદ મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. ભગવાનને સોનાના પારણામાં બિરાજમાન કરાશે. આ પહેલાં પંરપરાગતનો મોટો મુગટ ભગવાન ધારણ કરવામાં આવશે. ત્યારે આવો નજર કરીએ ડાકોર મંદિરમાં નક્કી કરવામાં આવેલા શ્રીજીનાં દર્શનના સમય સવારે 6.30થી 6.45 સુધી, અનોસર (મંદિર બંધ) બપોર 1થી 4.45 સુધી, ઉથ્થાન આરતી સાંજે 5 વાગે, જનમાષ્ટમી મહોત્સવના આરતી દર્શન રાત્રે 12 વાગે થશે.
શામળાજીમાં 108 મટકી ફોડના કાર્યક્રમ યોજાશે
જન્માષ્ટમીના દિવસે શામળાજી યુવક મંડળ દ્વારા બપોરે એક વાગ્યે ભવ્ય ઠાકોરજીની શોભયાત્રા કાઢવામાં આવે છે. શોભાયાત્રા બેન્ડવાજા સાથે શામળાજી નગરમાં ફરે છે. આ શોભાયાત્રામાં શામળાજી યુવા મંડળ દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં 108 મટકીઓ બાંધીને શોભાયાત્રામાં જોડાયેલા યુવકો અને ભક્તો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે. દિવસ દરમિયાન ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથની વૈદિક પૂજા થતી હોય છે. ભગવાનના જન્મોત્સવ અગાઉ રાત્રે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી મંદિર પરિસરમાં લાલજી મહારાજના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે. દિવસ દરમિયાન લાખો ભક્તો ભગવાન શામળિયાનાં દર્શનનો લાભ લેશે. ભગવાનનો જન્મોત્સવ રાત્રે 12 કલાકે ઊજવાશે.