આવી ભૂલ ક્યારેય નહીં કરતા… અંધ પૂજારીની મદદ માટે હાથ લંબાવનાર સુધા મૂર્તિને મળ્યું મહા જ્ઞાન…
સુધા મૂર્તિને કોણ નહીં ઓળખતું હોય! પ્રખ્યાત લેખિકા, સામાજિક કાર્યકર અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ તેમના સામાજિક કાર્યો માટે જાણીતા છે. તેમની વાતો હંમેશા પ્રેરણાદાયી હોય છે. સુધા મૂર્તિ ઘણી વાર તેમના અનુભવો દરેક સાથે શેર કરતા હોય છે. આ વખતે તેમણે એક ગરીબ અંધ પૂજારી સાથેનો તેમનો અનુભવ શેર કર્યો છે. આવો આપણે જાણીએ.
સુધા મૂર્તિ એક વાર તમિલનાડુના પ્રવાસે ગયા હતા. ત્યાં તેઓ એક અંધ પૂજારીને મળ્યા હતા. પૂજારીની મદદના બદલામાં સુધા મૂર્તિએ 20 હજાર રૂપિયાની રકમ ઓફર કરી હતી. પૂજારીએ આટલી મોટી રકમનો ઇનકાર કરી દીધો હતો અને અમૂલ્ય સલાહ આપી હતી.
સુધા મૂર્તિ જ્યારે તામિલનાડુના પ્રવાસે ગયા ત્યારે રસ્તામાં તેમની કાર બગડી ગઇ. ડ્રાઇવરે તેમને કહ્યું કે નજીકમાં જ મંદિર છે, ત્યાં જઇએ. કદાચ કંઇક મદદ મળી રહેશે. ડ્રાઇવરે એમ પણ જણાવ્યું કે મંદિરનો પૂજારી અંધ છે અને તેની પત્ની સાથે મંદિરમાં રહે છે. જોકે, પહેલા તો સુધા મૂર્તિએ રસ નહીં પડ્યો, પણ પછી તેઓ સંમત થયા અને ડ્રાઇવર સાથે મંદિર પહોંચ્યા. મંદિરમાં પૂજારી અને તેની પત્નીએ તેમનું ખૂબ જ સરસ સ્વાગત કર્યું. આ દરમિયાન સુધા મૂર્તિ એ તેમને મદદ કરવાના આશયથી 100 રૂપિયા આપ્યા હતા. આ જોઇને પૂજારી ચકિત થઇ ગયા અને થોડા અચકાયા પણ ખરા. પૂજારીએ કહ્યું કે આ રકમ તેના માટે ઘણી વધારે છે. સુધા મૂર્તિ તેમનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમની વૃદ્ધાવસ્થા માટે વધુ મદદ કરવાના ઇરાદાથી 20 હજાર રૂપિયાની ઓફર કરી, પરંતુ પૂજારીએ એ રકમ લેવાની ના પાડી દીધી અને બદલામાં જે કંઇ કહ્યું તે ઘણું જ પ્રેરણાદાયક હતું.
પૂજારીએ કહ્યું કે, ‘તમે કોણ છો એ હું જાણતો નથી, પણ મારે તમને કંઇક કહેવું છે. જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરવી.’
હવે આશ્ચર્યચકિત થવાનો વારો સુધા મૂર્તિનો હતો. તેમણે પૂજારીને પૂછ્યું, ‘આવું કેમ બોલો છો?’ જવાબમાં પૂજારીએ સમજાવ્યું કે, ‘જો તમે મને આ પૈસા આપશો તો તે મારા માટે બોજ બની જશે. ગામલોકો હવે અમારી સંભાળ રાખે છે, પરંતુ જેવી તેમને ખબર પડશે કે મારી પાસે બેંકમાં 20,000 રૂપિયા છે, તેઓ પૈસાના લોભમાં અમને સેવા આપવાનું શરૂ કરશે.’ પૂજારીએ વધુમાં કહ્યું કે, ‘ભગવાને આપણને જે આપ્યું છે તે આપણા માટે પૂરતું છે. આપણે એમાં જ સંતોષ માનીને રહેવું જોઇએ.
સુધા મૂર્તિ પૂજારીની વાતથી ઘણા પ્રભાવિત થયા. તેમને લાગ્યું કે પૂજારી વૃદ્ધ હોવા છતાં પણ ભાવનાથી ઘણો સમૃદ્ધ હતો. તે સમજતો હતો કે સાચી સંપત્તિ પૈસામાં નહીં, પણ તમારી પાસે જે છે તે પૂરતું છે, તે સમજવામાં છે.