કર્ણાટક બંધ: ફ્લાઇટ્સ, બસ સેવાઓ રદ
બેંગલૂરુ: એરપોર્ટ સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે તમિલનાડુ સાથે કાવેરી જળ વિવાદ મુદ્દે કર્ણાટક બંધના કારણે અહીંના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૪૪ જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. કાવેરી જળ વિવાદ પર પોતાનો વિરોધ નોંધાવવા ક્ધનડ તરફી સંગઠનો અને ખેડૂતોનું એક જૂથ એરપોર્ટના આગમન ગેટ પાસે એકત્ર થયું હતું. એ જ રીતે, રાજ્ય પરિવહન નિગમોએ પણ તેમની ઘણી બસ સેવાઓ રદ કરી હતી , ખાસ કરીને મૈસુર, મંડ્યા અને ચામરાજનગરના કાવેરી તટપ્રદેશ જિલ્લાઓમાં બંધની સૌથી વધુ અસર થઇ હતી. દિવસભરના શટડાઉનને કારણે કેટલાક મુસાફરોને તેમની ફ્લાઇટ્સ, બસો અને ટ્રેનો ચૂકી જવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઇટ અને બસ સેવા
રદ થતાં અનેક મુસાફરો પરેશાન થઇ ગયા હતા.
કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ જણાવ્યું હતું કે કર્ણાટકના દક્ષિણ ભાગોમાં માત્ર ૫૯.૮૮ ટકા બસનું સંચાલન થયું હતું .
કામગીરીની દૃષ્ટિએ સૌથી વધુ અસરગ્રસ્ત કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મૈસુર અને ચામરાજનગર વિભાગો હતા.
૪૪૭ બસોના નિર્ધારિત પ્રસ્થાન સામે, મૈસુરમાં માત્ર સાત જ દોડી હતી જ્યારે ચામરાજનગરમાં, ૨૪૭ માંથી આઠ બસ સેવા કાર્યરત હતી.
મંડ્યા, ચિક્કામગાલૂરુ અને બેંગલૂરુમાં અનુક્રમે ૩૭.૨૫ ટકા, ૫૧.૪૯ ટકા અને ૫૭.૩૯ ટકા કામગીરી, નિર્ધારિત પ્રસ્થાન સામે જોવા મળી હતી.
બંધને કારણે દક્ષિણ કર્ણાટકમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો અને બેંગલૂરુના એરપોર્ટ નિર્જન દેખાતા હતા.
પીટીઆઈ