નેશનલ

પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો: સાત ટ્રેન રદ

જમ્મુ: પંજાબના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના રેલરોકો આંદોલનના પગલે શુક્રવારે સાત ટ્રેન રદ કરવામાં આવી હતી અને ૧૩ ટ્રનોને અન્યત્ર વાળવામાં આવી હતી. શુક્રવારે જમ્મુ અને કટરા રેલવે સ્ટેશન પર શ્રદ્ધાળુઓ સહિત ઘણાં પ્રવાસીઓ અટવાયા હતા. મોગા, હોશિયારપુર, ગુરુદાસપુર, જલંધર, તરણતારણ, સંગરુર, પતિયાલા, ફિરોઝપુર, બઠિંડા અને અમૃતસર સહિત ઘણાં સ્થળે ખેડૂતોએ આંદોલનના ભાગરૂપે રેલવે ટ્રેક પર ધરણાં કર્યાં હતા. રેલવેના એક વરિષ્ઠ અધિકારી પ્રતીક શ્રીવાસ્તવે કહ્યું હતું કે “આંદોલનના પગલે કેટલીક ટ્રેનના વ્યવહારને અસર થઇ હતી. ૬૦થી ૭૦ ટકા ટ્રેનને અન્ય માર્ગ પર વાળવામાં આવી છે. ૧૩ ટ્રેન ડાઇવર્ટ કરવામાં આવી છે અને સાત ટ્રેન રદ કરવામાં આવી હતી. શ્રીવાસ્તવે કહ્યું કે નાકોદર
વિસ્તારમાંથી ટ્રેનોને વાળવામાં આવી છે. જલંધરને સૌથી વધુ અસર પહોંચી છે. કટરા જનારી બે સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે. શિવશક્તિ ટ્રેન પણ રદ કરવામાં આવી છે.

કટરા રેલવે સ્ટેશન પર દરરોજ ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ લોકોનું આગમન થતું હોય છે. જેમાંથી મોટા ભાગના શ્રદ્ધાળુઓ હોય છે. આંદોલનના પગલે કેટલીક ટ્રેનને અસર થઇ છે, મોટા ભાગની ટ્રેન ડાઇવર્ટ કરવામાં આવી છે.

ખેડૂતોના સંખ્યાબંધ સંગઠનોએ ગુરુવારથી ત્રણ દિવસનું આંદોલન શરૂ કર્યું હતું. રેલના પગલે થયેલા નુકસાન માટેનું ફાઇનાન્શિયલ પેકેજ, ટેકાના લઘુત્તમ ભાવ (એમએસપી) માટેની લિગલ ગેરંટી અને દેવામાફીની ખેડૂતો માગ કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button