ઉત્સવ

બેરોજગારી બેમિસાલ: મહિલાઓના હાલહવાલ

આજકાલ -પ્રથમેશ મહેતા

આપણે હાલમાં જ સ્વાતંત્ર્ય દિવસ ઉજ્વ્યો. આઝાદ થયાને ૭૭ વર્ષ પૂરા થયા પણ બેકારીને પૂર્ણપણે માત કરી શક્યા નથી એ કમનસીબી છે.

નવમી ઑગસ્ટનો એ દિવસ જ્યારે મુંબઇ યુનિવર્સિટી ગ્રાઉન્ડની બહાર જે દૃશ્ય સર્જાયું
હતું એ ખરેખર દયનીય હતું. અહીં નાના શિશુઓના માબાપ કે દાદાદાદી તેમના સંતાનોને સાચવી રહ્યા હતા. રમાડી રહ્યા હતા. ફોસલાવી રહ્યા હતા, કારણ કે ઘણાં બાળકો તેમની માતાઓ વગર રડી રહ્યાં હતાં. પણ આ માતાઓ ક્યાં હતી? આ માતાઓ એ એક લાખ અગિયાર હજાર મહિલાઓમાંની એક હતી જેઓ મહારાષ્ટ્રભરમાંથી મહિલા પોલીસ ભરતી માટે રાખવામાં આવેલા ઇન્ટરવ્યૂ-સ્પર્ધામાં આવી હતી. રૂ. ૩૦,૦૦૦ની માસિક આવક માટે લાખો લોકો સ્પર્ધામાં ઉતરે, પણ જ્યારે તેમની સગવડ ન સચવાય ત્યારે ઉપર મુજબના દૃશ્યો સર્જાય એ સ્વાભાવિક છે.

મુંબઇ પોલીસમાં ૩૬, ૨૧૪ કૉન્સ્ટેબલ છે તેમાં ૬૦૫૯ મહિલા કૉન્સ્ટેબલ છે. વધુ ૧૨૫૭ જગ્યાઓ ભરવાની છે તે માટે ૧,૧૧,૦૦૦ ઉમેદવારો મેદાનમાં છે. ૧૯ જુલાઇથી આ સિલસિલો શરૂ થયો તે ૧૪ ઑગસ્ટે પત્યો. મહિલાઓનો ટ્રાયલ લેવાનો સમય સવારે પાંચ વાગ્યાથી શરૂ થતો અને છેલ્લો બૅચ બપોરે બે વાગ્યા સુધી ચાલતો. દરેક બૅચમાં લગભગ ૧૦૦૦ મહિલાઓની પરીક્ષા લેવાતી હતી.
મહિલાઓની વયમર્યાદા જનરલ કેટેગરી માટે ૨૮ વર્ષ તો આરક્ષિત શ્રેણી માટે ૩૩ વર્ષની હતી એટલે સ્વાભાવિક છે કે તેઓ એક કે બે સંતાનોની માતા તો હોય જ. આવી માતાઓને મુંબઇ સુધી આવવું હોય તો સ્વાભાવિક છે કે સંતાનોને લઇ ને જ આવવું પડે. અહીં આવીને સાત કલાકનો કપરો સમય વિવિધ ટ્રાયલ માટે ફાળવવાનો હોય ત્યારે સ્વાભાવિક છે કે તેમના પતિ, માતા-પિતા કે દાદા-દાદીએ પણ બાળકોને સાચવવા સાથે આવવું પડે.

આ સ્પર્ધક મહિલાઓમાં એક ૨૪ વર્ષની ૨૫૦ કિલોમીટર દૂર અહમદનગરથી આવેલી મહિલા પણ હતી. એ તેના ૬૩ વર્ષના પિતા શંકર અને એક વર્ષની બાળકી શૈશા સાથે આ ટ્રાયલ માટે આવી હતી.

યુનિવર્સિટી ગ્રાઉન્ડની બહાર આવેલી ફૂટપાથ પર આ યુવતીના ખેડૂત પિતા શંકર તેની પૌત્રી શૈશાને શાંત રાખવાની મથામણ કરી રહ્યા હતા જે છેલ્લા ત્રણ કલાકથી રડી રહી હતી. તેમણે કહ્યું ‘તેની દીકરી એક ખેડૂતને પરણી છે પણ સ્થિર આવકની મળે તો તેના કુટંબને સપોર્ટ મળે એ આશાએથી આવી હતી.’ તેમણે વધુમાં કહ્યું કે ખાનગી નોકરીઓની અછત હોવાથી તેને આ નોકરી માટે અરજી કરવાની ફરજ પડી હતી. આજુબાજુના લોકો પણ આ એક વર્ષની બાળકીને શાંત કરવાની કોશિષ કરી રહ્યા હતા. બિસ્કીટની લાલચ પણ આપી રહ્યા હતા. આ યુવતી શૈસાને ધવડાવીને ગ્રાઉન્ડની અંદર બપોરે બે વાગે ટ્રાયલ માટે ગઇ હતી. ‘મને લાગ્યું કે દૂધ પીધા પછી એ સૂઇ જશે, પણ એ અચાનક જાગી ગઇ હતી અને માતા માટે રડવા લાગી હતી.’ એમ નિસહાય પિતા કહી રહ્યા હતા.

શંકર સાથે પોલીસ અધિકારી સહિત અનેક લોકો જ્યારે આ બાળકીને શાંત રાખવામાં નિષ્ફળ ગયા ત્યારે દાદા-પૌત્રી બન્નેને ગ્રાઉન્ડની અંદર જવાની અનુમતિ આપવામાં આવી અને શૈશાની માતા માટે એનાઉન્સ કરવામાં આવ્યું અને અંતે તે આવી. બાળકીને સ્તનપાન કરાવ્યું ત્યારે સૂઇ ગઇ.

મહિલાઓ સાથે પુરુષો અને નાન્યતરજાતિના લોકોની વાત કરીએ તો કુલ ૪૨૩૦ જગ્યા ભરવા મુંબઇ પોલીસે જે જાહેરાત કરી હતી તેના જવાબમાં પાંચ લાખ એંશી હજાર લોકોએ અરજી કરી હતી. કૉન્સ્ટેબલ, જેલની પોલીસ, ડ્રાઇવર્સ કે બેન્ડમેનની ભરતીઓ માટે આ જાહેરાત કરવામાં આવી હતી.

શંકરની જેમ ૬૫ વર્ષની વંદના નામની મહિલાને પણ તેના એક વર્ષના પૌત્રને સાચવતા નાકે દમ આવી ગયો હતો. મુંબઇથી ૪૦૦ કિમી. દૂર આવેલા કૉલ્હાપુરથી આવેલી આ મહિલાએ જણાવ્યું હતું કે તેની દીકરી છ કલાકથી ટ્રાયલ માટે ગઇ છે. બીજા ઉમેદવારના સગાઓ મારી બાળકીને રમાડીને મને મદદ કરી રહ્યા છે.

બીજી એક મહિલાના પતિનું અવસાન થયાના ત્રણ દિવસમાં જ એ અહીં ટ્રાયલ આપવા આવી હતી. એણે કહ્યું હતું કે તેની સહેલીે આ પોસ્ટ માટે તેના પતિનું મૃત્યુ થયું એ અગાઉ જ અરજી કરી હતી. હવે તેમના અવસાન પછી તો આ જોબ મેળવવી તેના માટે વધુ જરૂરી બની ગયું. કારણ કે તેના અને તેના દીકરા માટે હવે બીજો કોઇ આશરો નથી.

આમ તો મુંબઇ પોલીસે ઉમેદવારોના ખાવા-પીવાને રહેવાની સગવડ વાનખેડે સ્ટેડિયમ ખાતે કરી હતી, પણ તોયે ઘણા લોકો ફૂટપાથ પર સૂતા જોવા મળ્યા હતા. આ દૃશ્યોના વીડિયો પણ ફરતા હતા અને વિપક્ષી નેતાઓ પાસે આ વાત જતાં તેમણે પણ ઉમેદવારોની સુવિધા અંગે પોલીસને પૂછપરછ કરી હતી. જે તે દિવસના ટ્રાયલ માટે સગવડ હતી, પણ કેટલાંય એવા ઉમેદવારો હતા કે જે આ ટ્રાયલ ચૂકી ન જવાય એ માટે એક દિવસ અગાઉ પણ આવી પહોંચ્યા હતા.

આકોલાથી આવેલી એક ૨૧ વર્ષની યુવતી નજીકના પુલ પર ચટાઇ પાથરીને બેઠી હતી. તેની સાથે તેની બહેનપણી પણ હતી જેનો ટ્રાયલ ૮ ઑગસ્ટે થયો હતો. તે થોડી વહેલી આવી હતી કારણ કે તેની માતા તેને એકલી આવવા દેવા માગતી ન હતી એટલે બહેનપણી સાથે આવી હતી. મુંબઇથી ૬૦૦ કિમી. દૂર આવેલા આકોલામાં આ યુવતી પાસે માસ્ટર્સ ડિગ્રી હોવા છતાં નોકરી મળી નથી એટલે તેણે આ સરકારી નોકરી માટે અરજી કરી હતી. તેના પિતા હયાત નથી અને માતા ઘેરઘેર જઇને કપડાં-વાસણ ધોઇને કુટુંબનું ગુજરાન ચલાવે છે. અગાઉ તેમને ગ્રાઉન્ડ નજીક આવેલા આ પુલ પરથી પોલીસે હાંકી કાઢયા હતા ત્યારે તેઓ આશરો લેવા ચર્ચગેટ સ્ટેશન જઇ પહોંચ્યા હતા. ત્યાં પણ પોલીસે તેમને સ્ટેશન છોડી દેવા માટે કહ્યું ત્યારે થોડી વાર ગ્રાઉન્ડ સામેની ફૂટપાથ પર ગાળી પાછા પુલ પર આવી ગયા હતા.

ખરેખર એક પોસ્ટ માટે સેંકડો ઉમેદવારો ફિલ્ડિંગ ભરી રહ્યા હોય ત્યારે નોકરી મેળવવની શક્યતા ઘણી ધૂંધળી હોય અને તેમાંય સેંકડો કિમી. દૂરથી આવીને અહીં ઓશિયાળા બનીને ભટકવું જાણે તેમની હોંશને ભાંગીને ભૂક્કો કરી નાખતી હોય તેવી લાગણી પ્રસરી રહી હતી.

સ્થાનિક લોકોને સ્થાનિક જગ્યાએ રોજી રોટી મળે તેવા પ્રયત્નો કરવાની સરકારે પહેલ કરવી જ જોઇએ. હજુ પણ પરિસ્થિતિ એવી છે કે નાના શહેરોમાં યુવાનોને પોતાની સિદ્ધિ કે અભ્યાસ પ્રમાણે નોકરી મળતી નથી ત્યારે તેમણે મુંબઇ જેવા શહેરો સુધી લાંબા થવું પડે છે. એમાં ખાસ કરીને યુવતીઓ અને નાના શિશુઓની માતાઓની હાલત કફોડી થઇ જાય છે. જોકે, જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી તેમણે પેલું ગીત યાદ રાખવું જોઇએ
‘મત રો…જો દુ:ખ સે ગભરા જાયે વો નહીં હિંદ કી નારી… ’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button