કોમી એકતાનું ઉદાહરણ એટલે કાલાવડનું શીતળા માતાજીનું મંદિર, જ્યાં મુસ્લિમ ફકીરના વંશજો કરે છે પૂજા
પ્રાસંગિક -ડો. ભુપેન્દ્રસિંહ વી. અભાણી
વિવિધતામાં એકતા એટલે આપણો ભારત દેશ. આપણા દેશમાં એટલા તો ધર્મ અને સંપ્રદાયો છે કે જે અન્ય દેશોમાં ક્યાંય જોવા મળતા નથી. આટલા ધર્મ અને સંપ્રદાયો સાથે જોડાયેલા કેટલાક ધર્મઝનૂની લોકો પોતાના સ્વાર્થ સાધવા માટે સામાન્ય પ્રજાને ગેર માર્ગે દોરી ઝઘડા કરાવતા હોય છે, ત્યારે એક એવા મંદિરની વાત કરવી છે કે જે કોમી એકતાનું સચોટ ઉદાહરણ કહી શકાય. આ મંદિર એટલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રખ્યાત શીતળા માતાજીનું મંદિર જે જામનગર જિલ્લાના કાલાવડ ગામમાં આવેલું છે અને આજે પણ કાલાવડ શીતળા માતાના ગામ તરીકે ઓળખાય છે.
આપણાં શાસ્ત્રો મુજબ વિક્રમ સવંત પ્રમાણે શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ આમ બંને સાતમ શીતળા સાતમ તરીકે ઓળખાય છે. સદીઓથી આ દિવસે લોકો શીતળા માતાની પૂજા કરે છે અને પોતાના ઘરના ચૂલા તે દિવસે સળગાવતા નથી અને આગલા દિવસે રાંધેલો ખોરાક ખાય છે અને ઘરના પાણિયારે માતાજીની સ્થાપના કરી તેને ચૂંદડી અને રૂ તથા કંકુથી બનાવેલ હાર કે જેને લોકબોલીમાં નાગલા કહેવાય છે તે ચડાવી શ્રીફળ વધેરી અને ઘઉં અથવા બાજરાના લોટની કુલેર બનાવી પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે,
એમ કહેવાય છે કે ઈસવીસનની છઠ્ઠી સાતમી સદીમાં વલભી સંવત ૩૦૪ ઈસવીસન ૬૨૩નાં દાનપત્રમાં ‘કાલાપક’ પંથકનો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે કાળા માંજરીયા નામના કાઠી દરબાર તેના મિત્રો સાથે અહીંથી નીકળેલ ત્યારે રાત પડતા તેણે ત્યાં જંગલમાં આરામ કરવાનું નક્કી કર્યું. રાત્રે સૂતી વખતે તેને સ્વપ્નમાં માતાજીએ આવી કહ્યું અહીંથી આગળ જતાં મારા ફળાં દટાયેલા પડ્યા છે જેની નિશાની રૂપે ત્યાં ત્રણ પાંદડાવાળો વડલો જોવા મળશે. કાળા કાઠીએ નિશાની પ્રમાણે જોતા વડનું ઝાડ જોવા મળ્યું. ત્યાં ખોદકામ કરતા માતાજીના ફળા મળતા તેની સાથે બીજા સાત અન્ય ફળાં પણ નીકળ્યાં. જે માતાજીની છ બહેનો અને તેમનાં ભાઈના ફળા હતા. જેના નામ ઓરી, અછબડા, ઘાંસી (ખાંસી), ખરજવી, નૂર બીબી, તાવળી એમ છ બહેનો અને તેમનો ભાઈ વીર રતવેલીયા દાદા (રતવા) ના ફળા દટાયેલા પડ્યાં હતાં. કાળુભાએ ત્યાં માતાજીની સ્થાપના કરી અને નાનકડું મંદિર બંધાવી ગામ વસાવ્યું અને પોતાના નામ સાથે વડનું નામ જોડી કાલાવડ એવું નામ આપ્યું. કાલાવડની ગાદીએ માંજરીયા પરિવારે ૫૦૦ વર્ષ રાજ કર્યું. જેમાં કાળા માંજરીયાનો પુત્ર લાખો અને તેનો પુત્ર દેવાયતે રાજ કર્યું. ત્યાર પછી જામ રાવળે યુદ્ધ કરી કાલાવડ જીત્યું અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. યુદ્ધમાં જે કાઠીઓ મરાયા તેમની ખાંભીઓ આજે પણ મંદિરમાં છે. માતાજીની સન્મુખ કાળભૈરવ દાદાની સ્થાપના છે.
મુસ્લિમ બાદશાહ અલાઉદ્દીન ખીલજી જ્યારે મંદિરો તોડી પાડી લૂંટ ચલાવતો કાલાવડ આવી પહોંચ્યો અને ગામના જૈન દેવાલયો અને હિન્દુ શિવાલય તોડી પાડી શીતળા માતાજીના મંદિર પાસે આવ્યો ત્યાં સુધીમાં સાંજ પડી જતા તે પોતાના સૈનિકોને મંદિર તોડવાનું કામ સોંપી આગળ ગયો. તે સમયે માતાજીની પૂજા અર્ચના અતીત બાવાજી રામગીરીજી અને તેના શિષ્યો કરતા હતા. તેમને ખબર પડી કે સવારે બાદશાહ મંદિર તોડી પાડશે એટલે તેમણે પોતાના પરમ મિત્ર એવા શરીફન અલીશાહ કે જેઓ મલંગ ફકીર હતા તેમને સમગ્ર હકીકત જણાવી. સાંઈ અલીશાહ બાદશાહ પાસે જઈ મંદિર ન તોડવાની વાત કરી પરંતુ બાદશાહ માન્યો નહીં ત્યારે મલંગ ફકીરે પોતાનાં તપોબળ શક્તિથી મંદિરને ઊની આંચ પણ આવવા દીધી નહીં. આમ શીતળા માતાજીનું મંદિર ફકીરના પ્રતાપે બચ્યું. બાવાજીએ ત્યારથી મંદિરના પૂજારી તરીકે મુસ્લિમ ફકીરના વારસોને પૂજા સેવા કરવાના લાભ આપ્યા પછીથી બ્રાહ્મણોના વંશજો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા. આ રીતે અતીત બાવાજી, બ્રાહ્મણ અને ફકીરના વંશજો વર્ષ દરમિયાન શીતળા માતાજીની વારા પ્રમાણે પૂજા છે કરે છે. જેમાં સવા ચાર મહિના બાવાજી, સવા ચાર મહિના મુસ્લિમ ફકીર અને સાડા ત્રણ મહિના રાજગોર બ્રાહ્મણ પૂજા કરે છે. મુસ્લિમ ફકીરની સાથે એક બાવાજી અથવા બ્રાહ્મણ રહે છે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન હિન્દુ મુસ્લિમ એક બની શીતળા માતાજીની પૂજા અર્ચના કરે છે અને ભાઈચારાની ભાવના લોકોમાં વધુ ને વધુ જોવા મળે તેવી માતાજી પાસે પ્રાર્થના કરે છે. અંદરના ભાગે બીજું મંદિર બ્રહ્મચારેશ્ર્વર મહાદેવનું છે, જેમાં કહેવાય છેકે એક અગરબત્તી સળગાવતા તેમાંથી અલૌકિક રીતે બે જ્યોત નીકળે છે. હાલ આ અતીત બાવાજીની પંચાવનમી પેઢી શીતળા માતાજીની સેવામાં કાર્યરત છે.