ઉત્સવ

આર્થિક છેતરપિંડી વાયા સોશિયલ મીડિયા

ફેસબુક, વોટસએપ અને ટેલિગ્રામ પર પણ ઘૂસી ગયા છે લૂંટારા-લેભાગુઓ

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

ભારતમાં ઈન્વેસ્ટરો સાથે શેર્સ સંબંધી જાતજાતની છેતરપિંડી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમ શેરબજાર સહિત વિવિધ રોકાણ યોજનાઓમાં લોકોને ફસાવવાનું સરળ અને સચોટ માધ્યમ બની ગયું છે. રોજેરોજ અનેક લોકો આ માધ્યમ મારફત ઈન્વેસ્ટમેન્ટ યા એજયુકેશનના નામે નાણાં ગુમાવે છે, સ્પષ્ટ ભાષામાં કહીએ તો મૂર્ખ બની રહ્યાં છે, બીજા થોડા કડક શબ્દોમાં કહીએ તો બકરાં બની રહ્યા છે. આ માધ્યમોમાં વોટ્સએપ, યુટયૂબ, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ફેસબુક માર્ગે એક સાથે લાખો લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે.

છેલ્લા કેટલાંક વરસોથી ફેસબુક પર સક્રિય રહેવું એ કોમન બનતું જાય છે. અનેક લોકો માટે આ માર્ગ ટાઈમપાસ બની ગયો છે. એને ધ્યનામાં રાખી ઘણાં લેભાગુઓ આવા સીધા-સાદા લોકોનો ગેરલાભ ઊઠાવવા ઈન્વેસ્ટમેન્ટ વિશે અસરકારક અને આકર્ષક વીડિયો અને માહિતીઓ મૂકતા જાય છે. એ લોકોને ઈન્વેસ્ટમેન્ટના જ્ઞાનની વાતો એ રીતે સમજાવે છે કે સાંભળનાર-જોનાર થાય કે આ લોકોની વાત મુજબ રોકાણ કરીશું તો કમાઈશું. આ લેભાગુઓ આકર્ષક વળતર અપાવવાના દાવા કરી અનેક્ને આકર્ષવામાં સફળ થઈ જાય છે, આવા લોકોને વોટસએપ અથવા ટેલિગ્રામ ગ્રૂપ પર જોડાવાનું કહેવામાં આવે છે, જયાં એમને રોકાણ સામે મર્યાદિત સમયમાં ભરપુર કમાણીની ખાતરી અપાય છે. ‘આઈપીઓ’ના નામે કે પોન્ઝી સ્કિમ્સમાં પણ ફસાવાની પ્રવૃતિ કરવામાં આવે છે. આપણે કેટલાંક વાસ્તવિક કિસ્સાઓની ઝલક જોઈએ. કેવા-કેવા કિસ્સા બનતા રહે છે?

અમદાવાદમાં રહેતા પંકજ મહેતા નામના એક ઈન્વેસ્ટર ગયા વર્ષના ઓક્ટોબરમાં ફેસબુક મારફત શેરબજારમાં નાણાં રોકવા માટેના આઈડિયા અને મૂલ્યાંકનો વિશે જાણકારી મેળવી રહ્યા હતા. એવામાં એમના ધ્યાનમાં એક ટેલિગ્રામ લિંક આવી. એનું યૂઝરનેમ હતું ‘મમતા રાવત’ તેની પર ક્લિક કર્યું એટલે એમને એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાનું આમંત્રણ અપાયું. તે ગ્રુપમાં પાંચ વીઆઈપી એડમિન હતા, જે વાસ્તવમાં જુદી જુદી વ્યક્તિઓનાં ખોટાં નામે હતા. એ કૌભાંડકારો હતા. પંકજ મહેતાએ એમની સાથે વાતચીત કર્યા બાદ એમને શરૂઆતમાં રૂ.૨૦,૦૦૦નું ઈન્વેસ્ટમેન્ટ કરવા જણાવવામાં આવ્યું. વાતચીતનું આદાનપ્રદાન નવા વર્ષના જાન્યુઆરી સુધી ચાલ્યું. વર્માને ખબર નહોતી કે એ કૌભાંડકારોના સકંજામાં સપડાઈ રહ્યા છે. ૧૦૦૦ ટકા વળતરના વાયદા
મહેતા એ લોકોની જાળમાં ફસાતા ગયા અને શેરોમાં એમનું મૂડીરોકાણ વધારતા ગયા. તે પછી એમને લોન લેવાનું પણ કહેવામાં આવ્યું હતું. કૌભાંડીઓએ એમને મોટા પ્રમાણમાં શેરની ખરીદી કરવા અને આઈપીઓમાં અરજી કરવા માટે લલચાવ્યા. એમ કરીને એમણે પંકજભાઈ પાસેથી રૂ. ૨૯ લાખ પડાવ્યા હતા. વાસ્તવમાં, કૌભાંડકારોની જાળમાં ફસાયેલા પંકજ મહેતા (કાલ્પનિક નામ) કંઈ એકલા નથી. ગયા વર્ષના જુલાઈમાં પૂણેના એક આઈટી પ્રોફેશનલ સાથે રૂ. ૯૬ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. એમને એવી ખાતરી આપવામાં આવી હતી કે શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટની સામે એમને ૧૦૦૦ ટકાનું રિટર્ન મળશે. ફેસબુક પર જાહેરખબર મારફત લૂંટ ગયા મહિને, કુમાર સોહેલ (નામ બદલ્યું છે) નામનો એક શખ્સ દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એની ધરપકડ કરવામાં આવી અને સોહેલ એના સાગરિતો પર એવો આરોપ છે કે એમણે મુંબઈના એક કોન્ટ્રાક્ટર સાથે રૂ. ૧.૨૪ કરોડની રકમની છેતર પિંડી કરી હતી. મે મહિનામાં, દિલ્હી પોલીસના સાઈબર યુનિટ – ઈન્ટેલિજન્સ ફ્યૂઝન સ્ટ્રેટેજિક ઓપરેશન્સે નવ વ્યક્તિની ધરપકડ કરીને એક બીજું કૌભાંડ પકડી પાડ્યું હતું. એમાં એક મહિલા પણ સામેલ હતી. આ ગુનેગારો એક બોગસ એપ દ્વારા શેરબજારમાં ઊંચા વળતરના બહાને લોકો સાથે ઠગાઈ કરતા હતા. આ લોકો બોગસ કંપનીઓ માટે ૪૦૦ જેટલા ગેરકાયદેસર બેન્ક એકાઉન્ટ્સ મારફત સોદાઓ કરતા હતા. દિલ્હીમાં એમની બે ઓફિસ પણ હતી. લોકો સાથે એમણે રૂ.૪ કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હતી. આ કૌભાંડકારોના સૂત્રધારો અને મુખ્ય કોલ સેન્ટરો કમ્બોડિયા અને દુબઈમાં હોવાની શંકા છે. છેતરપિંડીના નાણાંને ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી લેવામાં આવ્યા હોવાથી આ કેસમાં હજી સુધી રકમ પરત મળી શકી નથી.

કૌભાંડકારો ટેલિગ્રામ અને ફેસબુક પર જાહેરખબરો મારફત એમની પ્રવૃત્તિ ચલાવે છે, જેને વોટ્સએપ ગ્રૂપ્સ તથા અન્ય સોશિયલ મીડિયા સાઈટ્સ સાથે લિન્ક કરેલી હોય છે. આ સાઇબર ઠગો ટ્યૂટોરિયલ્સ પૂરા પાડીને અને શરૂઆતમાં અમુક રકમનું રિટર્ન આપીને તથા અતિશય ઊંચા રિટર્ન અપાવવાની ખાતરી આપીને લોકોને છેતરે છે. આ ઠગ લોકો મોબાઈલ ફોન અને કમ્પ્યુટર્સ સાથે સજજ થયેલા હોય છે. નવા શિકાર બનતા લોકો પાસેથી મેળવેલા નાણાંમાંથી જ એ લોકો જૂના રોકાણકારોને પ્રારંભિક રિટર્નની રકમ આપે છે. એમની જાળમાં એવા લોકો વધારે ફસાય છે જેમને શેરબજાર વિશેનું યોગ્ય જ્ઞાન કે સમજ હોતા નથી. વિદેશોમાં બેસી અહી છેતરપિંડી પ્રાપ્ત માહિતી મુજબ કમ્બોડિયા અને દુબઈમાંના કોલ સેન્ટરોમાં ઘણાં ભારતીયો આ કામ કરી રહ્યાં છે યા એમની પાસે આ કામ કરાવવામાં આવી રહયું છે. કમ્બોડિયામાંથી ઘણા ભારતીયોને ઉગારવામાં આવ્યા છે જેમને ‘સાઇબર ગુલામ’ બનવાની ફરજ પાડવામાં આવી હતી. આ કૌભાંડ-કેન્દ્રો એટલે હોસ્ટેલ જેવી રૂમ્સ હોય અથવા અઈં રૂમ્સ હોય. આ પ્રવૃત્તિ સામે બળવો કરનારાઓને શિક્ષા કરવા માટે અલગ રૂમ્સ હોય છે અને કોલ કરનારાઓ સાથે વાતચીત કરવા માટે ઓફિસો હોય છે. કેટલાક ભારતીયો એવા પણ છે જેમને આ પ્રકારની છેતરપિંડી ઓની બધી જાણકારી હોય છે, પણ આવા કોલ સેન્ટરો કે ઓફિસોમાં કામ કરવા માટે એમને મોટી રકમનું મહેનતાણું આપવામાં આવતું હોવાથી એ રાજીખુશીથી ત્યાં કામ કરે છે. આ લોકોને કોઈ બચાવી નહી શકે. સોશિયલ મીડિયાના માર્ગે આ સ્કેમસ્ટર બચતકારો-રોકાણકારોમાં શેરબજારની આંટીઘૂંટીથી અજાણ્યા એવા વરિષ્ઠ વર્ગને તેમ જ ધનવાનોને વધુ આકર્ષે છે, કેમ કે એમનામાં ઈન્વેસ્ટમેન્ટ સંબંધિત સાચી કે પૂર્ણ સમજનો અભાવ હોય છે, જેથી ઘેરબેઠાં નાણા ડબલ કરવાની લાલસામાં
એ ભૂલો કરી નાંખવામાં ઉતાવળ કરી નાખે છે. આ માધ્યમમાં ફ્રોડ કરનારા નાની રકમથી રોકાણની શરૂઆત કરાવે છે, પછી ધીમે-ધીમે રોકાણની રકમ વધારતા જાય છે. આ સ્કેમસ્ટર વર્ગ તેમને પોર્ટફોલિયોમાં-ચોપડે તેના (ગ્રાહક-બકરા) એકાઉન્ટમાં ઊંચો નફો બતાવે છે, જે માત્ર કાગળ પર જ હોય છે. આ લેભાગુઓ ગ્રાહકોનો પોર્ટફોલિયો બનાવીને તેમને વોટસએપ કે અન્ય માધ્યમ મારફત નફા અને વળતરના આંકડા પણ બતાવે છે, જે ખરેખર તો બોગસ હોય છે, પરંતુ આ જોઈ રોકાણકાર રાજી થાય છે-લલચાય છે વધુ રોકાણ કરવા પ્રેરાય છે. હદ તો ત્યાંરે થાય છે કે આવા રોકાણ કરવા લેભાગુઓ આ ગ્રાહકોને લોન લેવા માટે પણ સમજાવી-પટાવી લે છે.

જો બચતકારો-રોકાણકારો ઝટપટ નાણાં કમાવાની લાલસા નહીં છોડે તો આવા ધુતારાઓની દુકાન વધતી જવાની છે. આ ધુતારા દુનિયાના કોઈપણ ખૂણે બેસી એવા લોકોને ફસાવતા રહેશે, જેમને પછી કોઈ સત્તાવાર તંત્ર ભાગ્યે જ બચાવી શકશે કે એમની મદદ કરી શકશે કે એમના લૂટાંયેલાં નાણાં પરત અપાવી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button