ઉત્સવ

મહાત્મા ગાંધીના મિત્ર ને દલાઈ લામાનાં ‘માતા’ એવાંપોલેન્ડની મહિલા વાન્ડા ડાયનોસ્કાની શું છે ભારતીય કહાની?

કેનવાસ -અભિમન્યુ મોદી

દાયકાઓ પછી ભારતના વડા પ્રધાન પોલેન્ડની મુલાકાતે ગયા. પોલેન્ડનો જામનગર સાથેનો સંબંધ બહુ જૂનો અને જાણીતો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપની મુલાકાત દરમિયાન ભારત અને પોલેન્ડના સંબંધો વધુ મજબૂત બન્યા એવી આશા રાખી શકીએ.

આ તકનો લાભ લઈને આજે આપણે પોલેન્ડની મહિલા વાન્ડા ડાયનોસ્કાને યાદ કરી લઈએ
વાન્ડા આમ તો મૂળ પોલિશ મહિલા હતાં, પણ એમનો જન્મ એ સમયના રશિયાના પોલિશ પરિવારમાં થયો , પણ એમનું મૃત્યુ ભારતમાં થયું.

એમનાં જીવનભરની કામગીરીની બંને દેશો પર ઊંડી અસર પડી. ડાયનોસ્કા સમય જતા એમના ભારતીય નામ ઉમાદેવી તરીકે ઓળખાયાં . ભારતની આઝાદી પછી એમણે તિબેટિીયન રેફ્યુજી માટે પણ બહુ કામ કર્યું એટલે જીવનના ઉત્તરાર્ધમાં એમનાં તિબેટીયન નામ ‘તેનઝીન ચોડન’ થી ઓળખાયાં .

પૂર્વ – પશ્ર્ચિમ વચ્ચેનાં સેતુ એવાં વાન્ડા ડાયનોસ્કા આધ્યાત્મના પંથે હતાં. એ અત્યંત માયાળુ હતાં . માનવવાદ એમનો જીવનમંત્ર હતો. હિંમત, બુદ્ધિ, સ્વતંત્રતા અને આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતાની કહાની એમની જીવનકથની બનીને ઇતિહાસમાં અમર થઈ ગઈ.

વાન્ડા ડાયનોસ્કાનો જન્મ સેન્ટ-પિટ્ઝબર્ગમાં થયો હતો. સાલ હતી ઇ. સ. ૧૮૮૮ ની. એમનો પરિવાર પોલિશ હતો. ઘરમાં પોલિશ ભાષા બોલાતી..વાન્ડામાં બૌદ્ધિક તથા સંશોધનાત્મક અભિગમ બાળપણથી પ્રવેશ્યો. એ એક્ટિવ ચાઈલ્ડ કહી શકાય તેવાં હતાં . બીજાં બાળકો કરતાં એમનું બાળપણ જુદી રીતે પસાર થયું. વાંચનના શોખીન માટે એ અભ્યાસુ જીવ બન્યા. તેથી જ કદાચ એ પોલિશ, જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન અને અંગ્રેજી સહિતની ઘણી ભાષાઓમાં અસ્ખલિત બોલી શકતાં. અનેકવિધ ભાષાઓના જ્ઞાને એમનામાં વિવિધ સંસ્કૃતિઓ સાથે જોડાવા માટેની દુર્લભ ક્ષમતાનું સિંચન કર્યું.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં થિયોસોફી સેગમેન્ટની સ્થાપના થઇ. એક રીતે જોવા જઈએ તો તે એક ધાર્મિક કે આધ્યાત્મિક સંપ્રદાય હતો. તેના સ્થાપકો તેને એક આધ્યાત્મિક ચળવળ કહે છે, કારણ કે આ પંથમાં તમામ ધર્મોના હાર્દમાં રહેલા બોધપાઠ તથા સારી બાબતોને સમાવિષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. થિયોસોફીમાં મહાન ફિલસૂફ પ્લેટોના વિચારો, હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મની ફિલસૂફી તથા બીજી અમુક વિચારધારાના વિચારો મિશ્રિત થયા હતા. તેના અલગ દૃષ્ટિકોણને કારણકે વિશ્ર્વના ઘણા બૌદ્ધિકો પ્રભાવિત થયા હતા. વાન્ડા ડાયનોસ્કા પણ એમાંના એક હતા. એમને લાગ્યું કે હેલેના બ્લાવાત્સ્કી સ્થાપિત થિયોસોફી ‘અનંત દ્રષ્ટિકોણ’ નું દર્શન કરાવે છે, જેમ કે જીવનની ન તો શરૂઆત છે કે ન તો અંત, તે એક શાશ્ર્વત સર્જનાત્મકતા છે.

ઓગણીસમી સદીમાં નાનાં – મોટાં યુદ્ધો બહુ થતાં. એક યુદ્ધમાં વાન્ડા ડાયનોસ્કાના ફીઆન્સનું મૃત્યુ થયું. ધરતી સરકી જાય એવી ખોટ એમનાં જીવનમાં પડી. આ પીડાએ એમની આધ્યાત્મિક ખોજને વધુ ઊંડી બનાવી. એ બ્રિટિશ સમાજ સુધારક અને થિયોસોફિસ્ટ એવાં એની બેસન્ટના નિકટના સહયોગી બની ગયાં .

૧૯૩૦ના દશકમાં ભારત આવ્યા. એની બેસન્ટ ભારતની સ્વતંત્રતાની લડત સાથે સંકળાયેલાં હતાં. વાન્ડા પણ તેમાં જોડાયાં . એની બેસન્ટ સાથેના સંબંધોને કારણે ડાયનોસ્કા ભારત સાથે જીવનભર માટે સંક્ળાઈ ગયાં . ત્યાં સુધી કે એમનું અવસાન પણ મૈસૂરમાં થયું એટલે કે જીવનનો ઉત્તરાર્ધ પણ એમણે ભારતની ધરતી ઉપર પસાર કર્યો.

૧૯૩૫ ની આસપાસ વાન્ડા ડાયનોસ્કા ભારત આવ્યાં પછી ભારતને એમણે પોતાની માતૃભૂમિ જેટલો જ પ્રેમ કર્યો. એમણે યોગ અને હિંદુ ધર્મના અભ્યાસમાં પોતાની જાતને તલ્લીન કરી. ટૂંક સમયમાં હિન્દી અને તમિલ ભાષામાં પણ નિપુણતા મેળવી. આમ પણ એ બહુભાષી હતાં.

ભારતીય ભાષાઓના નવા જ્ઞાને એમનાં પ્રભાવશાળી ભાષાકીય ભંડારમાં ઉમેરો કર્યો. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પ્રત્યેના એમનાં ઉત્સાહને કારણે એમણે ભગવદ ગીતા, રામાયણ, મહાભારત અને અન્ય મહત્ત્વપૂર્ણ હિંદુ ગ્રંથોનો પોલિશમાં અનુવાદ કર્યો ને કરાવ્યો. અનુવાદો દ્વારા એમણે પોલિશ નાગરિકોને ભારતના આધ્યાત્મિક વ્યાપનો પરિચય કરાવ્યો. એમનાં આ જ પ્રદાનને કારણે ભારત અને પોલેન્ડની બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે અતૂટ સંબંધ સ્થપાયો.

ડાયનોસ્કાનું સાહિત્યિક યોગદાન ત્યાં અટક્યું નહીં. એમણે પોલિશ-ઇન્ડિયન લાઇબ્રેરીની સ્થાપના કરવા માટે અન્ય પોલિશ થિયોસોફિસ્ટ મોરિસી ફ્રિડમેન સાથે મહેનત કરી. મદ્રાસમાં સ્થપાયેલી આ લાઇબ્રેરીને કારણે ભારત અને પોલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક સેતુ સ્થપાયો. એક લેખક અને અનુવાદક તરીકેના એમની કામગીરીને કારણે યુરોપમાં ભારતીય વિચારને પ્રોત્સાહન આપનારાં એ એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ બન્યાં .
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આધ્યાત્મિક ઊંડાણ પ્રત્યેના એમનાં સમર્પણથી પ્રભાવિત થઈને મહાત્મા ગાંધીએ એમનું નામ “ઉમાદેવી રાખ્યું, જેનો અર્થ પ્રકાશવાહક છે. આ નામ ભારતીય જ્ઞાનનો પ્રકાશ પશ્ર્ચિમમાં ફેલાવવામાં એમની ભૂમિકાના પ્રતિબિંબ સમાન હતું.

બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન જ્યારે ૧,૦૦૦ થી વધુ પોલિશ શરણાર્થીઓ ગુજરાતના નવાનગરના જામ સાહેબ દિગ્વિજય દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા ત્યારે એ લોકોનાં પુનર્વસનમાં ડાયનોસ્કાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

૧૯૫૦ના દાયકામાં તિબેટ પર ચીનના આક્રમણ બાદ, ભારત આવી પહોંચેલા તિબેટીયન શરણાર્થીઓની દુર્દશા તરફ વાન્ડા ડાયનોસ્કાનું ધ્યાન દોરાયું પછી એમણે આ શરણાર્થીઓને પુનર્વસનમાં મદદ કરી, એટલું જ નહીં, પરંપરાગત વસ્ત્રો પહેરવા અને એમની મૂળ ભાષાઓ બોલવા માટે પ્રોત્સાહિત કરીને એમનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવામાં મદદ કરી. વળતર રૂપે તિબેટીયન સમુદાયે એમને નવું નામ આપ્યું: તેનઝિન ચોડોન, જેનો અર્થ થાય છે વિશ્ર્વાસના રક્ષક.’ !.

દલાઈ લામા સાથે એમનો સંબંધ ખાસ હતો. તકલીફનાં વર્ષો દરમિયાન એમણે આપેલી માતૃત્વની સંભાળ અને માર્ગદર્શનને કારણે દલાઈ લામા એમને પ્રેમથી ‘માતા’ કહેતા.

ઉમાદેવી અને તેનઝીન ચોડોન તરીકે ઓળખાતા વાન્ડા ડાયનોસ્કાનાં જીવનનું દસ્તાવેજીકરણ કરનાર ફિલ્મ નિર્માતા સુજાતા સેટ કહે છે કે એમણે કેથલિક, હિંદુ અને બૌદ્ધ ધર્મને સંપૂર્ણ સરળતા સાથે જોડી દીધાં . એમણે ભારતીય અને તિબેટિયન ઓળખ અપનાવી હોવા છતાં, એ પોલેન્ડનાં દેશભક્ત રહ્યાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button